ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “નવા વર્ષના પહેલાં જ દિવસે આ સમાચાર મળ્યા છે, તે ખૂબ મોટી વાત છે. "
ફિલ્મ એકવીસમું ટિફિનની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પેનોરેમા કેટેગરીમાં સત્તાવાર રીતે પસંદગી
કોન્ટેડ ઓરિએન્ટેડ ફિલ્મ બનાવતું પ્રોડક્શન હાઉસ વિજયગીરી ફિલ્મોસની ગુજરાતી ફિલ્મ ‘એકવીસમું ટિફિન, જે એવોર્ડ વિનિંગ લેખક રામ મોરીના પુસ્તક ‘મહોતું’ની એક વાર્તા ‘એકવીસમું ટિફિન’ પરથી બનાવવામાં આવી છે, તેની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પેનોરેમા કેટેગરીમાં સત્તાવાર રીતે પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે પેનોરેમા કેટેગરીમાં વિવિધ ભાષાઓની ૨૫ ફીચર ફિલ્મ્સની પસંદગી કરવામાં આવી છે, જેમાં ‘એકવીસમું ટિફિન’ એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે.
વિજયગીરી ફિલ્મોસના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ સમાચાર શેર કરવામાં આવ્યા હતા. સાથે ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. ફિલ્મમાં નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રૌનક કામદારે અભિનયના ઓજસ પાથર્યા છે, જ્યારે ટ્વિંકલ બાવા આ ફિલ્મના નિર્માતા છે. સામાન્યપણે ટિફિનમાં પાંચ ડબા હોય છે, આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ ફિલ્મ સાથે જોડાયેલી પાંચ વ્યક્તિઓ સાથે વાત કરી છે.
ADVERTISEMENT
ડિરેક્ટર વિજયગીરી બાવા સાથે ફિલ્મના કલાકારો
ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “નવા વર્ષના પહેલાં જ દિવસે આ સમાચાર મળ્યા છે, તે ખૂબ મોટી વાત છે. એકવીસમું ટિફિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પસંગી પામી છે, તે કંસારમાં ગોળ ભળવા જેવી જ વાત છે. મને એ વાતની વધુ ખુશી છે કે માર્ટિન સ્કોર્સીસ જેની ફિલ્મો જોઈને હું મોટો થયો છું, હવે તે મારી ફિલ્મ જોશે, તેનાથી મોટી વાત બીજી કઈ હોય શકે?” તેમણે ઉમેર્યું કે “આ તમામ સફળતાનો શ્રેય મારી સંપૂર્ણ ટીમને જાય છે, જેમના વિના આ શક્ય નથી. દર્શકોને આ ફિલ્મ મોટા પડદા પર ડિસેમ્બરમાં જોવા મળશે.”
રામ મોરી
આ પ્રસંગે ફિલ્મના લેખક રામ મોરીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે “આ ફિલ્મ ટ્વિંકલ બાવા અને વિજયગીરી બાવાનું સહિયારું સપનું હતી, જેમના જોશને કારણે જ આ ફીચર ફિલ્મ બની છે. તમામ શ્રેય વિજગીરી ફિલ્મોસની ટીમને જાય છે. નવા વર્ષની શરૂઆત શુકન સાથે થઈ છે અને મને વિશ્વાસ છે કે આવનારા વર્ષો અમને આવા શુકન આપતા રહેશે.” એક લેખક તરીકે તમે શું અનુભવો છે? તેના જવાબમાં રામ મોરીએ કહ્યું કે “કાગળ પર લખેલા પાત્રોને પડદા પર જોવા આ મારા માટે ખરેખર ચમત્કાર જેવું જ છે. મારો આત્મવિશ્વાસ દ્રઢ થતો જાય છે કે જો વ્યક્તિ ધીરજ રાખે તો સપનાઓ અચૂક સાચા થાય છે. જોકે, મારું માનવું છે કે આ તો હજી શરૂઆત છે.”
નીલમ પંચાલ
ફિલ્મની અભિનેત્રી નીલમ પંચાલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “હું ગૌરવ અનુભવું છું કે ફિલ્મ પેનોરેમામાં સિલેક્ટ થઈ છે. લોકડાઉન બાદ અમે કડક પ્રતિબંધો સાથે આ ફિલ્મ શૂટ કરી હતી અને હવે રિલીઝ પહેલાં જ આ ફિલ્મ ભારતના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામી છે, તેનાથી સંપૂર્ણ ટીમ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.” ફિલ્મ વિશે નીલમે કહ્યું કે “આ ફિલ્મ ખૂબ જ જુદી છે અને દરેક સ્ત્રી પોતાના જીવન સાથે તેને જોડી શકશે. આ ફિલ્મનું પાત્ર જરૂર ચેલેન્જિંગ હતું, પણ મેં તેને સહજતાથી ભજવ્યું છે અને તેમાં ડિરેક્ટર વિજયગીરી બાવા અને આખી ટીમનો ખૂબ મોટો ફાળો છે. આ ફિલ્મને મેં માણી છે.”
રૌનક કામદાર
રૌનક કામદારે કહ્યું કે “આ ખૂબ મોટી સિદ્ધિ છે. હું રાહ જોઈ રહ્યો છું કે ફિલ્મ જલદી રિલીઝ થાય અને લોકો તરફથી પણ ઉત્તમ પ્રતિસાદ મળે. ફિલ્મમાં કામ કરવાનો અનુભવ સરસ હતો અને આ તમામ સિદ્ધિનું ક્રેડિટ વિજયગીરી ફિલ્મોસને જાય છે, કારણે કે જે રીતે ફિલ્મનું પ્લાનિંગ અને શૂટિંગ કરવામાં આવ્યું તે એકદમ ફ્લૉલેસ હતું. ખાસ તો વિજીગીરી બાવા, ટ્વિંકલ બાવા અને રામ મોરીએ આખી ફિલ્મ જે રીતે ઊભી કરી છે તે અદ્ભુત છે.”
ફિલ્મનો ભાગ રહેલી અભિનેત્રી નેત્રી ત્રિવેદીએ જણાવ્યું કે “મુખ્યત્વે ગર્વ એ વાતનો છે કે વિવિધ ભાષાઓની ફિલ્મો સાથે આપણી ગુજરાતી ફિલ્મે પણ આ સફળતા હાંસલ કરી છે અને આપણે આપણા ગુજરાતી સિનેમાનું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પ્રતિનિધિત્વ કરીશું.” તેમણે ઉમેર્યું કે “શૂટિંગ દરમિયાન પણ ટીમ વર્ક સુપર્બ રહ્યું હતું. વિજયગીરી બાવા સાથે આ મારી પહેલી ફિલ્મ છે. મને તેમની કામ કરવાની પદ્ધતિ બહુ ગમી હતી. વિજયભાઈનું ફિલ્મ અને પાત્રો બાબતે વિઝન એકદમ ક્લિયર હતું. મારા માટે તેમની પાસેથી શીખવાનો અનુભવ પણ સુંદર હતો.”
ઉલ્લેખનીય છે કે અગાઉ ફિલ્મ એકવીસમું ટિફિને વિમન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ - સ્પ્રિંગ 2021માં ફિચર ડ્રામા કેટેગરીમાં ‘આઉટસ્ટેન્ડિંગ એક્સલન્સ’ એવોર્ડ પણ જીત્યો હતો. જુઓ ફિલ્મનું ટીઝર.
View this post on Instagram
ફિલ્મ એકવીસમું ટિફિનનું સ્ક્રિનિંગ ગોવામાં યોજાનાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ૨૦ ઑક્ટોબરથી ૨૮ ઑક્ટોબર દરમિયાન કરવામાં આવશે.