તેની મરાઠા રાજા છત્રપતિ સંભાજી પરની ફિલ્મ છાવા રિલીઝ થવામાં છે ત્યારે જાહેરાત થઈ છે પૌરાણિક ફિલ્મ મહાવતારની
મહાવતાર
આ વર્ષે ‘બૅડ ન્યુઝ’ નામની સફળ ફિલ્મમાં ચમકેલો વિકી કૌશલ હવે મરાઠા રાજા છત્રપતિ સંભાજી પરની ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’માં શીર્ષક ભૂમિકામાં દેખાવાનો છે. આ ફિલ્મ આમ તો ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પણ પાંચમી ડિસેમ્બરે ‘પુષ્પા 2 ઃ ધ રૂલ’ આવી રહી છે એટલે વિકીની ફિલ્મ પોસ્ટપોન થશે એવી ચર્ચા છે. આ બધી ધમાલ વચ્ચે ગઈ કાલે વિકીની એક ધમાકેદાર ફિલ્મની જાહેરાત થઈ છે. આ ફિલ્મનું નામ છે ‘મહાવતાર’ જેમાં તે ચિરંજીવી પરશુરામનું પાત્ર ભજવવાનો છે. હિન્દુ પુરાણકથાઓમાં ૭ ચિરંજીવી એટલે કે અમર મહાત્માઓનું વર્ણન છે અને ભગવાન પરશુરામ એમાંના એક છે. અન્ય ૬ ચિરંજીવીઓમાં અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ અને કૃપાચાર્ય છે. આ ઉપરાંત માર્કણ્ડેય ઋષિને પણ ચિરંજીવી માનવામાં
આવે છે.
‘મહાવતાર’ નામની આ પૌરાણિક ફિલ્મનું ડિરેક્શન ‘સ્ત્રી 2’નો દિગ્દર્શક અમર કૌશિક કરવાનો છે અને ફિલ્મ ‘સ્ત્રી 2’ના જ નીરેન ભટ્ટે લખી છે. પ્રોડ્યુસર પણ ‘સ્ત્રી 2’વાળા દિનેશ વિજન છે. ગઈ કાલે આ ફિલ્મમાં વિકી જે લુકમાં દેખાવાનો છે એ રિલીઝ કરવામાં આવ્યો હતો. વિકી આ ઉપરાંત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ કરી રહ્યો છે જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ છે.