ગુજરાતી સિનેમાના દિવંગત અભિનેતા અરવિંદ રાઠોડનું લાંબી બિમારી બાદ 80 વર્ષની વયે નિધન થયુ છે.
અરવિંદ રાઠોડ
ગુજરાતી સિનેમાના અભિનેતા અરવિંદ રાઠોડનું 80 વર્ષની વયે આજે નિધન થયું છે. અરવિંદ રાઠોડ ફોટો-જર્નલિસ્ટમાંથી અભિનેતા બન્યા હતાં. ગુજરાતી સિનેમામાં અરવિંદ રાઠોડ મોટે ભાગે વિલનનો રોલ પ્લે કરતા હતા. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા અને કોઈના પણ સંપર્કમાં નહોતા.
અરવિંદ રાઠોડ છેલ્લા કેટલાક સમયથી બિમારી સામે લડી રહ્યાં હતાં. અમદાવાદમાં 2015માં અરવિંદ રાઠોડે ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. આ સમયે તેમના પરિવારના કોઈ સભ્યો હાજર રહ્યા નહોતા. ગાંધીનગરમાં શો દરમિયાન તેમની પરિસ્થિતિ ઘણી જ નાજુક થઈ ગઈ હોવાથી તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું.
ADVERTISEMENT
અરવિંદ રાઠોડે ગુજરાતી તથા હિન્દી બંને ફિલ્મમાં કામ કર્યું છે. તેમના પિતા દરજીકામ કરતા હત. જોકે તેમણે પિતાનો વ્યવસાય ન કરવાનો નિર્ણય કર્યો હતો. શાળા- કોલેજમાં અભિનયક્ષેત્રે અનેક ઈનામો મેળવનાર અરવિંદ રાઠોડે નાટકમાં કામ કર્યું હતું. તેમણે બૉલિવૂડ-ગુજરાતી એક્ટ્રેસ અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક `મોટા ઘરની વહુ`માં કામ કર્યા બાદ અમદાવાદમાં કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું. 23 જૂન, 2015ના રોજ ગાંધીનગર ખાતે તેમનું નાટક `મારી તો અરજી, બાકી તમારી મરજી` દરમિયાન તેમણે 12 પેઇનકિલર ગોળી ખાઈને નાટક ભજવ્યું હતું. તેમના પગ વળી જતા હતા. દર્શકોને એવું હતું કે અરવિંદ રાઠોડના પાત્રની ચાલ એવી છે, પરંતુ વાસ્તવમાં અરવિંદ રાઠોડ વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતા નહોતા. નાટક પુરૂ કર્યા બાદ તરત જ તેઓ ડૉક્ટર પાસે ગયા હતાં.
આ ઉપરાંત તેમણે 1967-68માં વિનોદ જાનીના નાટક `પ્રિત પિયુ ને પાનેતર`માં કામ કર્યુ હતું. તેમજ તેના કારણે જ તેઓ મુંબઈ આવ્યા હતા. અહીં ફોટો-જર્નલિસ્ટ તરીકે કામ કરતા અને રાજ કપૂરે ફિલ્મ `મેરા નામ જોકર`માં નાનકડી ભૂમિકા આપી હતી. આમ તેઓ મોટા પડદા સાથે જોડાયા હતાં. તેઓ ગુજરાતીમાં ફિલ્મોમાં તેમના વિલનના પાત્ર માટે ખુબ જ જાણીતા હતાં.
જો તેમની કારકિર્દીની વાત કરવામાં આવે તો અરવિંદ રાઠોડે 70ના દાયકામાં અભિનય કરિયર શરૂઆત કરી હતી. તેમણે `જ્હોની ઉસકા નામ`, `બદનામ ફરિશ્તે`, `મહાસતી સાવિત્રી`, `કોરા કાગઝ`, `ભાદર તારા વહેતા પાણી`, `ગંગા સતી`, `મણિયારો`, `જાગ્યા ત્યારથી સવાર`, `મા ખોડલ તારો ખમકારો`, `મા તેરે આંગન નગારા બાજે`, `અગ્નિપથ`, `ખુદા ગવાહ`, જેવી 250થી પણ વધુ ફિલ્મમાં એક્ટિંગ કરી છે.
છેલ્લે તેમણે 2018માં ગુજરાતી ફિલ્મ `ટેન્શન થઈ ગયું`માં કામ કર્યુ હતું. આ ફિલ્મને શ્રીદત્ત વ્યાસે ડિરેક્ટ કરી હતી. જોકે અરવિંદ રાઠોડે ટીવી સિરિયલ `થોડી ખુશી થોડે ગમ`માં પણ કામ કર્યું હતું.

