Tribute to Purshottam Upadhyay: સુગમ સંગીતને આગવી ઓળખ આપનાર ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયને કરીએ યાદ તેમના સદાબહાર ગીતો દ્વારા
પુરુષોત્તમ ઉપાધ્યાયની જુની તસવીરો
ગુજરાતી સુગમ સંગીતનું નામ પડે ત્યાં જ સૌથી પહેલું નામ મગજમાં આવે તે છે, પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ વિજેતા પુરુષોત્તમ ઉપાધ્યાય (Purshottam Upadhyay). સુગમ સંગીત જેમની ઓળખ હતી તેવા પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી છે. ગુજરાતી સુગમ સંગીતના દિગ્ગજ ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું ગઈ કાલે ૯૦ વર્ષની જૈફ વયે અવસાન થયું. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનાં ગીત અને સંગીત દ્વારા તેઓ હંમેશા આપણી વચ્ચે (Tribute to Purshottam Upadhyay) રહેશે.
ગુજરાતી સુગમ સંગીતની નવી પેઢી પુરુષોત્તમ ઉપાધ્યાયને રોલ મૉડલ તરીકે જુએ છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી સુગમ સંગીતનો સૂર્ય આથમી રહ્યો હોય તેવું ચોક્કસ લાગશે. પરંતુ સુગમ સંગીતનો સૂર્યાસ્ત તો નહીં જ થાય. કારણકે પુરુષોત્તમ ઉપાધ્યાયના સૂર આ પૃથ્વી પટ પર સદાયને માટે ગુંજતા રહેશે.
ADVERTISEMENT
અહીં સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સદાબહાર ગીતોઃ
૧. કહું છું જવાનીને પાછી વળી જા, ઘડપણનું ઘર મારું આવી ગયું છે
૨. પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ, સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ
૩. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી પાનખરની બીક ના બતાવો
૪. ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ, હેં એના રૂંવે રૂંવે વાંસળી વાગે!
૫. ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા
૬. ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ
૭. આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી
આ ગીતો દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાય આપણી વચ્ચે હંમેશા અમર રહેશે.
પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવન પર કરીએ એક નજરઃ
પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ૧૫ ઑગસ્ટ, ૧૯૩૪ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો. તેમને વર્ષ ૨૦૧૭માં `પદ્મશ્રી` ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. તેઓ ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક અને સંગીતકાર હતા.
પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી સંગીત સાંભળવાનો ખૂબ જ શોખ હતો. તેની સાથે ગાવાના શોખનો ઉમેરો થયો. શાળાકીય શિક્ષણ દરમિયાન ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં. ભણવા કરતાં સંગીતમાં એટલો બધો રસ પડ્યો કે, સંગીતમાં કારકિર્દી ઘડવા માટે પરિવારમાં કોઈને કહ્યા વગર વતન છોડીને મુંબઈ આવી ગયા હતા. પરંતુ મુંબઈમાં અપેક્ષા મુજબનું પ્રોત્સાહન ન મળતાં ફરી વતન તરફ મીટ માંડી. ત્યાં જઈ તેમણે નાટક-કંપનીઓમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવવાની શરુઆત કરી હતી. ત્યારબાદ ગુજરાતી રંગમંચના જાણીતા અભિનેતા અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની પુરુષોત્તમ ઉપાધ્યાયને તક મળી અને આ મુલાકાતથી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો.
થોડા સમય બાદ તેઓ ફરીથી મુંબઈ આવ્યા અને તેમને નાનુંમોટું કામ મળવા લાગ્યું હતું. તે સમયમાં જ તેમનો પરિચય તે જમાનાના વિખ્યાત કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ જેવી હસ્તીઓ સાથે થયો હતો.
ધીમે-ધીમે પુરુષોત્તમ ઉપાધ્યાયની ગાડીએ સ્પિડ પકડી અને કારકિર્દીમાં એક પછી એક તક મળવા લાગી. માસ્ટર અશરફખાનની ભલામણથી આકાશવાણી, મુંબઈ કેન્દ્ર પર ગાવાનો મોકો મળ્યો હતો. આ ઉપરાંત, મુંબઈની જાણીતી શિક્ષણ-સંસ્થા ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસની રાહબરી હેઠળ સંગીત-કાર્યક્રમોનું સંચાલન કરવાની તક મળી હતી. સાથોસાથ તેમણે પોતાની સંગીતકલાને વધુ ધારદાર અને શાસ્ત્રશુદ્ધ બનાવવાના હેતુથી ઉસ્તાદ નવરંગ નાગપુરકર પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાની શરુઆત કરી હતી. અવિનાશ વ્યાસ જ્યારે જ્યારે પરદેશ જતાં ત્યારે ત્યારે ભારતીય વિદ્યાભવનના સંગીતના તેમના વર્ગોનું સંચાલન કરવાની તક પુરુષોત્તમ ઉપાધ્યાયને મળવા લાગી હતી. સમયાંતરે તેમના ગુજરાતી સુગમ સંગીતના સ્વતંત્ર એકલ કાર્યક્રમો ઠેર ઠેર દેશવિદેશમાં આયોજિત થવા લાગ્યા હતા. ધીમે-ધીમે તેઓ સુગમ સંગીતના બાદશાહ તરીકે ખ્યાતિ મેળવવા લાગ્યા. બાકી તો ‘રેસ્ટ ઇઝ હિસ્ટ્રી’.