મલ્હાર ઠાકરનું જબરજસ્ત ટૅક ઑફ : ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછાનું સુંદર ચિત્રણ
Film Review
‘શુભ યાત્રા’નું પોસ્ટર
ફિલ્મ : શુભ યાત્રા
કાસ્ટ : મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, દર્શન જરીવાલા, અર્ચન ત્રિવેદી, હેમિન ત્રિવેદી, હિતુ કનોડિયા, મગન લુહાર, વિસરાણી સુનીલ, જય ભટ્ટ, મોરલી પટેલ
ADVERTISEMENT
લેખક : મનીષ સૈની
દિગ્દર્શક : મનીષ સૈની
રેટિંગ : ૩.૫/૫
પ્લસ પોઇન્ટ : અભિનય, દિગ્દર્શન, મ્યુઝિક, સિનેમેટોગ્રાફી
માઇનસ પોઇન્ટ : વાર્તા સાઇડલાઇન
ફિલ્મની વાર્તા
‘શુભ યાત્રા’ ફિલ્મનું ટ્રેલર જોઈને પહેલી દ્રષ્ટિએ તે વર્ષ ૨૦૧૨માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ની વાર્તામાં સામ્યતા લાગતી હતી. પરંતુ હકીકતમાં એવું નથી. ‘શુભ યાત્રા’ ગંભીર મુદ્દાને કૉમિકલી રજુ કરતી ફિલ્મ છે. જેમાં વાસ્તવિકતા વધુ અને મોજમજા પણ છે.
ફિલ્મની વાર્તા ગામડાના એક યુવાન છોકરા મોહન પટેલ અને તેના મિત્ર હાર્દિક પટેલની આસપાસ ફરે છે. જેણે ધંધો કરવા માટે ગામના ખેડુતો પાસેથી પૈસા લીધા હતા અને ધંધો ફ્લૉપ જતા માથે લાખોનું દેવું છે. એટલે મિત્ર હાર્દિકની અને મોહન બન્ને વિઝા લઈને અમેરિકા જવાનું નક્કી કરે છે. વિઝા માટે તેઓ ગામડેથી અમદાવાદ આવે છે. ત્યાં તેમને એક એજન્ટ મળે છે જે તેમને અમેરિકા જવા માટે મદદ કરવાનું વચન આપે છે. પાસપોર્ટ માટે પહેલાં એક જુઠ્ઠાણું અને પછી બીજું જુઠ્ઠાણું એમ જુઠ્ઠાણાની સાંકળ રચાતી જાય છે. પછી મિત્ર હાર્દિકને તો ટુરિસ્ટ વિઝા પર અમેરિકા જવા મળી જાય છે. પરંતુ મોહન લટકી જાય છે. તે દરમિયાન તે ફૅક એજન્ટની વિઝા જાળ અને કોર્ટના ચક્કરમાં ફસાય છે. અમેરિકા જવાના સપનાંને સાથે લઈને અમદાવાદમાં નોકરી કરવાનો વારો આવે છે ત્યારે બીજી બાજુ એક પત્રકાર આ ભોળા મોહનની મદદે આવે છે અને તે પણ તેમાં ફસાતી જાય છે. પછી મોહનને અમેરિકા જવાના વિઝા મળે છે ખરા? તે તો ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે.
પરફોર્મન્સ
પરફોર્મન્સ માટે તો ફિલ્મના દરેકે દરેક કલાકારના વખાણ કરવા જ પડે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરને દરેક ફિલ્મમાં અમદાવાદી છોકરાની ભૂમિકામાં જોઈને કંટાળેલા દર્શકોને આ ફિલ્મમાં અલગ જ મલ્હાર જોવા મળશે. મહેસાણાના ગુજરાતી મહત્વાકાંક્ષી યુવાનની ભૂમિકામાં મલ્હારની સરળતા, સચ્ચાઈ અને ભોળપણની સાથે ગંભીરતા સંપૂર્ણ ફિલ્મમાં અકબંધ છે.
ફિલ્મમાં મલ્હારના મિત્રની ભૂમિકા ભજવતા અભિનેતા હેમિન ત્રિવેદીનો અભિનય જબરજસ્ત છે. તેમના કૉમિક ટાઇમિંગ અને ડાયલૉગ ડિલેવરી સ્ટાઇલ ફિલ્મમાં ચાર ચાંદ લગાડે છે.
આ ફિલ્મમાં એક યુવાન છોકરાનો અભિનય અને કૉમિક ટાઇમિંગ દિલને સ્પર્શી જાય છે. તે છે, મલ્હારના મિત્રની ભૂમિકામાં મગન લુહાર. ડ્રામા સ્કુલના સ્ટુડન્ટનો અભિનય ખરેખર દાદ આપવાને લાયક છે. મગનનું કૅરેક્ટરાઇઝેશન વખાણવાલાયક છે.
મલ્હાર ઠાકર, હેમિન ત્રિવેદી અને મગન લુહારના અભિનયને આધારે ફિલ્મને રેટિંગ અપાવાનું હોય તો તે માટે ચાર સ્ટાર અપાય.
મોનલ ગજ્જર રિપોર્ટરની ભૂમિકામાં પોતાની જવાબદારી સુપેરે નિભાવે છે. નાનકડી પણ મહત્વની એવી પ્રોફેસર અને મલ્હારના બૉસની ભૂમિકા ભજવતા સિનિયર અભિનેતા દર્શન જરીવાલા પાત્રને સંપૂર્ણ ન્યાય આપે છે.
તો વિઝા એજન્ટના પાત્રમાં અર્ચન ત્રિવેદી, ઑફિસરના પાત્રમાં જય ભટ્ટ, વકીલની ભૂમિકામાં વિસરાણી સુનીલે બહુ સહજતાથી પોતાના પાત્રો નિભાવ્યા છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની સ્ક્રિપ્ટ અને દિગ્દર્શનની સાથે એડિટરની ત્રેવડી જવાબદારી મનીષ સૈનીએ નિભાવી છે. સ્ક્રિપ્ટની વાત કરીએ તો સરળ અને સાદી ભાષા જે સીધી દિલમાં ઉતરી જાય તે રીતે ગુજરાતીઓનું અમેરિકા જવાનું ગાંડપણ ફિલ્મમાં છતું થાય છે. પ્રથમ હાફમાં વાર્તા વિઝાની રામાયણ અને તેની આસપાસ ફરે અને બરાબર ટ્રેક પર ચાલે છે. જ્યારે બીજા હાફમાં વાર્તા થોડી સાઇડલાઇન થઈ જાય છે. વિઝાની મગજમારી અને અમેરિકા જવાની તાલાવેલીને બદલે વાર્તા મુખ્ય પાત્ર મલ્હાર અને મોનલની લવસ્ટોરી તરફ વળી જાય છે. બીજો હાફ સહેજ લાંબો લાગી શકે. જોકે, અંત સુધી વાર્તા દર્શકોને જકડી રાખે છે.
નેશનલ એવૉર્ડ વિજેતા દિગ્દર્શક મનીષ સૈની ફરીએકવાર પોતાની આગવી છાપ સિનેમામાં પાડવામાં સફળ રહ્યાં છે. ફિલ્મમાં પહેલેથી છેલ્લે સુધી દરેક પાત્રની અને સીનની કન્ટિન્યૂટી જોવા મળે છે તે માટે દિગ્દર્શક પ્રશંસાને પાત્ર છે. ગામડું, શહેર અને વિદેશ વચ્ચે અટવાયેલા સામાન્ય મધ્યમવર્ગના માણસની વાર્તા મનીષ સૈની સ્ક્રિન પર બરાબર દર્શાવે છે. બિનગુજરાતી હોવા છતા મનીષ સૈનીએ મહેસાણાની ગુજરાતી ભાષા, ગામાડાના ખેડુતોની પરિસ્થિતિ, અમદાવાદની ગલીઓ વગેરેનું સુંદર ચિત્રણ કર્યું છે.
અહીં ફિલ્મની સિનેમેટોગ્રાફીના વખાણ પણ કરવાં જ રહ્યાં. સિનેમેટોગ્રાફી ફિલ્મની સરસ અને સરળ છે. ગામાડું હોય કે પછી અમદાવાદની ગલીઓ દરેક સીનમાં સિનેમેટોગ્રાફર સ્વાતિ દીપકનું સુંદર કામ દેખાય છે.
મ્યુઝિક
ફિલ્મના મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક કેદાર- ભાર્ગવે આપ્યું છે. ફિલ્મના ત્રણેય ગીતો ‘સાચવીને જાજો’, ‘ડોલરિયા રાજા’ અને ‘બેબી બૂચ મારી ગઈ’ પરિસ્થિતિ અનુસાર બરાબર બંધબેસતા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મનું પર્ફેક્ટ કહી શકાય. અનુરુપ મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કૉરને કારણે ફિલ્મ ‘શુભ યાત્રા’ને કમ્પલિટ પૅકેજ કહી શકાય.
આ પણ વાંચો – જ્યાં સુધી પરિણીતી ચોપરાના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું આશા રાખી જ શકું! : મલ્હાર ઠાકર
ફિલ્મ જોવી કે નહીં?
વિદેશમાં જવા માગતા ભારતીયોએ આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. તદઉપરાંત મલ્હારનો અલગ અંદાજ, હેમિન ત્રિવેદી અને મગન લુહારના કૉમિક ટાઇમિંગ અને અભિનય ડ્યુટી-ફ્રી માણવા તેમન મનિષ સૈનીના દિગ્દર્શનનો બિઝનેસ ક્લાસ અનુભવ કરવા કૉમેડી-ડ્રામા ફિલ્મ ‘શુભ યાત્રા’ થિયેટરમાં ચોક્કસ જોવી જોઈએ.