શનિવારે જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયાનાં બા જ્યોત્સ્નાબહેન ગોરડિયાનું અવસાન થયા પછી પહેલી વાર સંજય ગોરડિયા પોતાના હૃદયની વાત કરે છે. આ વાંચ્યા પછી જો તમને પણ ક્યાંક તમારી બાની ઝલક જોવા મળે તો કંઈ કર્યા વિના બા પાસે જઈને તેમને એક વાર ભેટી લેજો
શ્રદ્ધાંજલિ: મારી બા
શનિવારે જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયાનાં બા જ્યોત્સ્નાબહેન ગોરડિયાનું અવસાન થયા પછી પહેલી વાર સંજય ગોરડિયા પોતાના હૃદયની વાત કરે છે. આ વાંચ્યા પછી જો તમને પણ ક્યાંક તમારી બાની ઝલક જોવા મળે તો કંઈ કર્યા વિના બા પાસે જઈને તેમને એક વાર ભેટી લેજો અને ધારો કે બાની હયાતી ન હોય તો... મનોમન જાતને કોસી લેજો, ‘હવે શું, બા તો ગઈ!’
શુક્રવાર અને બીજી ડિસેમ્બરે સવારે ૧૧ને ૧૧ મિનિટે મારી વાઇફ ચંદાનો ફોન આવ્યો કે બા ગયાં. હું ત્યારે બંગાળના આસનસોલમાં હતો. શત્રુઘ્ન સિંહ જેમાં અભિનય કરે છે એ મારું હિન્દી નાટક ‘પતિ, પત્ની ઔર મૈં’નો શો હતો. ત્રીજી તારીખે આસનસોલમાં અને ચોથી તારીખે દુર્ગાપુરમાં.
આ નાટકનો હું નિર્માતા તો ખરો જ પણ સાથોસાથ એમાં એક નાનકડો રોલ પણ કરું.
‘બા ગયાં...’
ખબર સાંભળીને હું બે ઘડી પલંગ પર બેસી રહ્યો. આંખ સામેથી મારા જીવનના છ દાયકા પસાર થઈ ગયા. બાએ અમારા માટે સેવેલાં સપનાં, અમારાં સૌ સંતાનો માટે કરેલો ત્યાગ અને એ પછી પણ સંતાપવિહીન તેમનો ચહેરો. આ વાત કદાચ વાચકોને પોતાની લાગશે, કારણ કે દરેક મા આવી જ હોય છે.
lll
આસનસોલમાં ઍરપોર્ટ નથી, ૪૦ કિલોમીટર દૂર દુર્ગાપુરથી ફ્લાઇટ પકડવી પડે અને કરમની કઠણાઈ જુઓ સાહેબ, એ દિવસે મુંબઈની કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ જ નહીં. મારી આંખો ભીની થવા માંડી. મને જોઈને શત્રુજીએ કહ્યું, ‘ચિંતા મત કર, તુઝે કૈસે ભી કર કે રાત તક મુંબઈ પહુંચાઉંગા...’
પણ મારા રોલનું શું? એ કોણ કરશે અને નાટકના શોનું મૅનેજમેન્ટ...
તરત જ નક્કી થયું કે શનિવારનો શો નાટકના ડિરેક્ટર રમેશ તલવાર કરે
અને સંજયને દુર્ગાપુરથી દિલ્હી અને દિલ્હીથી રાતે મુંબઈ પહોંચાડીએ. શનિવારે બાના અંતિમ સંસ્કાર કરી સંજય રવિવારે દુર્ગાપુર આવે અને રવિવારનો દુર્ગાપુરનો શો કરે.
રાતે દોઢ વાગ્યે મુંબઈ પહોંચ્યો. આઇસબૉક્સમાં રાખેલાં મારી બાનાં દર્શન કર્યાં અને મારી ભીની આંખ સામેથી બા સાથે વીતાવેલાં એ વર્ષો ફરી દોડવા માંડ્યાં.
lll
અમે ત્રણ ભાઈઓ, સૌથી મોટો હું. મારી પહેલાં એક બહેન જન્મી હતી, પણ વર્ષ પૂરું કરે એ પહેલાં ગુજરી ગયેલી. મારાથી નાના બે ભાઈઓ, પરેશ અને હિમાંશુ. લગભગ ૧૬-૧૭ વર્ષની ઉંમરે ભરજવાનીમાં વચેટ ભાઈ પરેશ ગુજરી ગયો. વિચાર કરો, એક મા માટે એ કેટલો મોટો આંચકો હશે! એ વખતે અમે ખેતવાડીની ચૉલમાં રહેતા. એ પછી મારા પપ્પાને ૧૯૭૯માં લકવાનો હુમલો આવ્યો. કોઈ ફરિયાદ વિના મારી બા તેમનું બધું જ કરે. એ વખતે મારી ઉંમર વીસેક વર્ષની. ૧૮ વર્ષે મેં નોકરી કરવાનું ચાલુ કરી દીધેલું. લાલબાગમાં જામ મિલ નીચે મેઇન રોડ પર અમારી આયુર્વેદની દુકાન હતી. પપ્પાના નાના ભાઈ રમેશકાકા દુકાન ચલાવે અને બન્ને ઘરનો ખર્ચો કાઢે. એક તો દુકાન બરાબર ચાલે નહી અને એવામાં મિલની હડતાળ પડી. દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ ઊભી થઈ, પણ બા ફરિયાદ વિના બધું મૅનેજ કરે.
એમાંને એમાં તેમના બધા દાગીના ગિરવે મુકાઈ ગયા, જે ક્યારેય પાછા આવ્યા જ નહીં. જો વેચ્યા હોત તો વધારે પૈસા મળ્યા હોત પણ એ બાપડીને એમ કે કાલે સારા દિવસો આવશે ને આપણે જઈને છોડાવી લઈશું.
ADVERTISEMENT
મારાં મૅરેજની ખુશી મારા કરતાં પણ મારી બાને વધારે હતી.
lll
ઘરની આવી પરિસ્થિતિ વચ્ચે મારો સૌથી નાનો ભાઈ દારૂના રવાડે ચડી ગયો. કામધંધો કરે નહીં અને પૈસાની માગણી રોજ ઊભી હોય. મારી બા તેનું ઉપરાણું લે અને ક્યારેક આંખ આડા કાન પણ કરે. મારા પપ્પાને જુગારની લત, બીડીની લત અને દારૂ પણ પીએ. કામકાજ કંઈ કરે નહીં. આવા પતિની પત્નીની કોણ ઇજ્જત કરે? મારી બા-પપ્પાના રોજ ઝઘડા થાય અને એની અવળી અસર અમારા પર થાય.
સ્કૂલમાં ફી ભરવાનાં ફાંફાં, યુનિફૉર્મના વાંધા. મારા પપ્પાને એ વાતની જાણ સુધ્ધાં નહોતી કે જુવાન થતાં બાળકોની જરૂરિયાતો કેવી અને કેટલી હોય.
૧૯૮૪માં તેમનું અવસાન થયું, બા ગંગા સ્વરૂપ થયાં.
હું નાટક લાઇનમાં ધીરે-ધીરે સેટ થતો હતો. મારી બાને એક જ કોડ, મારા સંજયનાં લગ્ન થઈ જાય. જ્યાં સુધી હું આવકની દૃષ્ટિએ સેટ ન થાઉં ને મારું પોતાનું ઘર ન લઉં ત્યાં સુધી લગ્ન ન કરવાં એવું મેં નક્કી કરીને બાને કહી પણ દીધું હતું અને તો પણ મારી બા મારાં લગ્નની વાતો ચલાવે, પણ નાટકમાં બૅકસ્ટેજ કરતા કે નાના-નાના રોલ કરનારાને કોણ પોતાની દીકરી આપે? પણ દરેક માની જેમ મારી બાને તો એમ કે દીવો લઈને શોધવા જાઓ તોયે મારા સંજય જેવો દીકરો ન મળે.
થોડા સમય પછી હું શફી ઇનામદારના સેક્રેટરી તરીકે જોડાયો, જરા બે પાંદડે થયો અને ઘરમાં થોડા પૈસા આવતા થયા. એ પછી ૧૯૯૦માં મારું નાટક ‘બા રિટાયર થાય છે’ હિટ ગયું અને હું બે નહીં, ચાર પાંદડે થયો. મેં લોખંડવાલામાં બે બેડરૂમનો ફ્લૅટ બુક કરાવ્યો અને જે પહેલી છોકરી મળી તેની સાથે લગ્ન કર્યાં. મારી બા બહુ ખુશ થઈ. તરત દાદી પણ બની. બા સાતમા આસમાને.
૧૯૯૨ની ૧૧ ઑક્ટોબરે હું, ચંદા અને મારો દીકરો અમારા નવા ફ્લૅટમાં રહેવા ગયાં. બાને મેં બહુ કહ્યું કે મારી સાથે રહેવા ચાલ, પણ ના. મને કહે, ‘મુન્નાને (નાના ભાઈ હિમાંશુને) સાથે લઈ જા તો જ આવું.’
હું મારા વ્યસની ભાઈને મારી સાથે રાખવા તૈયાર નહોતો. મેં કહ્યું પડતો મૂક તારા એ નપાવટ દીકરાને અને ચાલ મારા ભેગી. ત્યાં તને કોઈ વાતે ખોટ નહીં આવવા દઉં પણ મા જેનું નામ, ન આવી તે ન જ આવી. સાહેબ, કદાચ એક મા જ છે જે દુઃખ અને દરિદ્રતા સામેથી માગીને લેતી હશે. મને આજે રહી-રહીને થાય છે કે મારી બા ખાતર પણ મેં મારા ભાઈને સાથે લઈ લીધો હોત તો?
પણ રાંડ્યાં પછીનુ ડહાપણ શું કામનું?
lll
હું દર મહિને તેને ઘરખર્ચ મોકલાવું પણ મારા ભાઈના વ્યસનને લીધે જે પૈસા મોકલાવું એ ઓછા જ પડે. મારી બા વધારે પૈસા માટે મને વારંવાર દબાણ કરે, હું ના પાડું એટલે મારો ભાઈ મારી બા ઉપર જુલમ ગુજારે ને મારી બા હસતા મોઢે સહન કરે. આ ઓછું હોય એમ મારા ભાઈનાં લગ્નની પણ તજવીજ કરે.
‘આનાં લગ્ન ન કરાય, આવા દીકરાને દૂધમાં ઝેર નાખી મારી નખાય.’
આ મારા શબ્દો હતા.
અરરર...
કેટલી કઠોર વાણી, હૈયા સોંસરવા ઊતરી જાય એવા શબ્દો; પણ મારી બા મારાં આવાં કડવાં વેણ પણ સહન કરી લે. એ પછી તો મારા ભાઈએ જીદ કરી ખેતવાડીની અમારી રૂમ વેચાવી ને વસઈમાં ફ્લૅટ લીધો. મારી બાની હાલાકીનો પાર ન રહ્યો. મારી બાનું આખું સર્કલ ખેતવાડીમાં. સગાંઓ, ભજનમંડળીવાળી બહેનપણીઓ બધાં. વસઈથી ખેતવાડી, ઈવન મારા લોખંડવાલાના ઘરે આવવું પણ તેના માટે દુષ્કર થઈ ગયું, પણ મારી બા જેનું નામ, એ ત્યાં પણ ઠરીઠામ થઈ ગઈ. પાડોશીઓ સાથે બહેનપણાં કર્યાં ને ત્યાં હવેલીમાં ગ્રુપ બનાવ્યું, પણ મારા માટે વસઈ દૂર હતું. એ તો સારું હતું કે મારા નાટકમાં કામ કરતા અમુક બૅકસ્ટેજવાળા છોકરાઓ એ બાજુ રહે એટલે પૈસા મોકલવામાં થોડી સરળતા રહે, પણ રોજ સવાર પડે અને મારો ભાઈ દારૂ માટે પૈસા માગે ને મારી બા એની માગણી પૂરી કરવાની મથામણ કરે.
મારા ને મારી બાના ખૂબ ઝઘડા થાય, પણ એને માટે મારી વઢ કરતાં મુન્નાની માગણીઓનું મહત્ત્વ વધારે એટલે એ મારી વાતો પણ સાંભળી લે.
મારો દીકરો અમાત્ય અને બા.
lll
વર્ષ ૨૦૦૭.
મુન્નો ગુજરી ગયો. મારી બા માટે આ આઘાત જીરવવો અઘરો હતો. તેનું જીવન, તેનો દિવસ, તેનો નિત્યક્રમ બધેબધું તેની ફરતે ગોઠવાયેલું હતું અને તેણે વધુ એક દીકરાને નાની વયે સ્મશાને જતો જોવાનો આવ્યો.
હું મારી બાને મારા ઘરે લઈ આવ્યો. વસઈનું ઘર ભાડે ચડાવ્યું, પણ મારી બાનો જીવ તેના વસઈના ઘરમાં ખૂબ લાગેલો. એની સતત પૂછપરછ ચાલતી રહે, ‘પ્રૉપર્ટી ટૅક્સ ભરી દીધો?’ ‘એનું મેઇન્ટેનન્સનું બિલ ભરાયું?’
હું બહારગામ નાટકની ટૂર પર જાઉં તો તરત જ મને સાંભળવા મળે, ‘સંજય, તું બહારગામ જવાનો છે તો એક દિવસ હું અને ચંદા ગાડી લઈને વસઈ જઈ આવશું. બધા પાડોશીને મળીશું, ત્યાં હવેલીએ જઈ બેસીશું.’
સતત વસઈની વાતો કરે રાખે અને મને રીતસર ખબર પડે કે વસઈના ઘરમાં તેમનો જીવ છે.
lll
૨૦૧૧માં મારે ઑફિસ ખરીદવી હતી પણ પૈસા ખૂટતા હતા. મનમાં વિચાર આવ્યો કે વસઈનો ફ્લૅટ વેચી નાખીએ તો?
આમ પાછો હું ચાલાક બહુ.
મનમાં વિચાર પછી તરત જ પ્રતિવિચાર પણ આવ્યો, ‘બાને કેમ મનાવીશું?’
બા એ ઘર વેચવાની પરવાનગી ક્યારેય નહીં આપે એની મને ઊંડે-ઊંડે ખાતરી હતી. મારા મનમાં અચાનક જ વિચાર આવી ગયો કે હું મારા દીકરાનો ઉપયોગ કરું. મારા દીકરા લાલુ પર તેમનો જીવ બહુ, પણ તોયે મને ઊંડે-ઊંડે એવું લાગતું કે બા વસઈનો ફ્લૅટ વેચવાની હા નહીં જ પાડે.
લાલુએ ડરતાં-ડરતાં બાને વાત કરી કે પપ્પાને ઑફિસ ખરીદવા માટે પૈસા ઓછા પડે છે. લાલુની વાત સાંભળીને બા તરત બોલી,
‘વસઈનો ફ્લૅટ વેચી નાખ...’
હું સ્તબ્ધ થઈ ગયો.
મારી જાતને હું બહુ હોશિયાર ને ગણતરીબાજ સમજતો હતો, પણ મારી બાએ તો મારી બધી ગણતરીઓ ખોટી પાડી દીધી. હું ભૂંડો ભૂલી ગયો કે જ્યાં લાગણી હોય ત્યાં ગણતરી ન ચાલે. એ રાતે મને સમજાણું કે તેમને લાલુ કરતાં પણ વધારે હેત મારા પર હતું, પણ હવે શું?
બા તો ગઈ...

