‘Samandar’ Review: બે મિત્રો જે ગેન્ગસ્ટર બને છે તેની વાર્તા નોખી રીતે રજુ કરવામાં આવી છે પડદા પર
‘સમંદર’નું પોસ્ટર
ફિલ્મ: સમંદર
કાસ્ટ: મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, જગજીતસિંહ વાઢેર, ધર્મેન્દ્ર ગોહિલ, ચેતન ધનાની, દીક્ષા જોશી, કલ્પના ગાગડેકર, મયુર સોનેજી, રીવા રાચ્છ, નીલેશ પરમાર, અક્ષય મહેતા, ધૈર્ય ઠક્કર, તીર્થ ઠક્કર, મમતા આર સોની
ADVERTISEMENT
લેખક: સ્વપ્નિલ મહેતા
દિગ્દર્શક: વિશાલ વડાવાલા
રેટિંગ: ૩.૫/૫
પ્લસ પોઇન્ટ: અભિનય, ગીતો, બીજીએમ
માઇનસ પોઇન્ટ: ફિલ્મની લંબાઈ, લાઉડ મ્યુઝિક
ફિલ્મની વાર્તા
ફિલ્મમાં બે મિત્રો ઉદય અને સમલાનની વાર્તા છે. બાળપણના પાકા ભેરુ, સમંદર કાંઠે ઉછર્યા અને સમંદરના માર્ગે જ ગેંગસ્ટર બનીને કામ ચાલુ કર્યું તો અંત પણ સમંદર કાંઠે જ આવ્યો. દોસ્તી, રાજકારણ, ધર્મની લડાઇથી માંડીને કઇ રીતે સત્તાધિશો પોતાના સ્વાર્થ માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે તેની આસપાસ આ વાર્તા વણાયેલી છે. આ ફિલ્મ તમને બૉલિવૂડની ફિલ્મ ‘ગુંડે’માં અર્જુન કપૂર અને રણવીર સિંહ જેવી દોસ્તી અને દુશ્મનાવટની યાદ અપાવી શકે છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમિટરના દરિયાકાંઠે ક્યાંક ખૂણે બનેલી સાચી ઘટનાઓને આધારે આ ફિલ્મ બનાવાઇ છે. માફિયાગીરીમાં બન્ને ભાઈબંધ કઈ રીતે આવે છે અને પછી તેમની જિંદગી કેવો રાજકીય વળાંક લે છે તે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. રાજકારણીઓ અર્જણ પરમાર અને ઇમ્તિયાઝ મેમણ બે ભાઈબંધોની યારીમાં કઈ રીતે ભંગાણ પાડે છે તે દર્શાવ્યું છે. ભાઈબંધોની વટ, વચન અને વેરની આ વાર્તા સમંદર સુધી કઈ રીતે પહોંચે છે તે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
પરફોર્મન્સ
‘સમંદર’માં પરફોર્મન્સની વાત જરા માંડીને કરવી પડે કારણકે દરેક કલાકારે બહુ અદ્ભુત કામ કર્યું છે. ઉદયના પાત્રમાં મયુર ચૌહાણનો અભિનય વખાણવા લાયક છે. ગામડાંની એ તળપદી ભાષા હોય કે વટમાં એ સ્ટાઇલ હોય મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ ઉદયના પાત્રને ન્યાય આપે છે. સલમાનના પાત્રમાં જગજીતસિંહ વાઢેરનો વટ ખરેખર જોવા જેવો છે. ઉમદા અભિનય પાત્રને પુરો ન્યાય આપે છે. યુવાન મયુરના પાત્રમાં તીર્થ ઠક્કર સૌનું ધ્યાન આકર્ષવામાં સફળ રહ્યો છે. તો યુવાન સલમાનના પાત્રમાં ધૈર્ય ઠક્કરના અભિનયના તમે વખાણ કરતાં નહીં થાકો.
અહીં એક એક્ટરના નામની થિયેટરમાં સીટીઓ પડે છે એ છે ચેતન ધનાણી. ધારાસભ્ય અરજણ સિંહ પરમારના પાત્રમાં ચેતનનું પર્ફોમન્સ, સ્ટાઈલ અને વટ દિલ જીતી લે છે અને તાળીઓ પાડવા પર મજબુર કરે છે. તો મેમણના પાત્રમાં ધર્મેન્દ્ર ગોહિલની પર્સનાલિટી બહુ જ સરસ પડે છે.
તે સિવાય દીક્ષા જોશી, કલ્પના ગાગડેકર, મયુર સોનેજી, રીવા રાચ્છ, નીલેશ પરમાર, અક્ષય મહેતા પણ તેમના પાત્રોને પુરો ન્યાય આપે છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મનું દિગ્દર્શન અફલાતુન છે, એકદમ દરિયામાં આવેલી ભરતી જેવું. ડાયલૉગ્ઝ પણ ડાયલૉગબાજીમાં ચકાચક જામે એવા અને એમાં બોલી જે રીતે સચવાઇ છે એ માટે લેખકને દાદ દેવી પડે. વાર્તાની વાત કરીએ તો જરા ઓટ આવે છે કારણકે વાર્તામાં દમ તો સોલિડ છે પણ ઘટનાઓ આકાર લેવામાં જરા મોડી પડે છે. શરૂઆત તો ધુંઆધાર જ છે પણ પાત્ર પરિચય અને વાર્તાનું વિશ્વ દેખાડવામાં લગભગ કલાક જેટલો સમય લેવાયો છે ત્યારે એમ થાય કે ફિલ્મમાં વાર્તાને આવતા વિલંબ થઇ ગયો. ઘટનાઓ ઓછી અને પરિસ્થિતિઓ વધારે દેખાય છે. અમુક તબક્કે અસ્પષ્ટ પણ લાગે કારણકે કઇ વાતથી ઉદય વિચલિત થાય છે એનું સ્પષ્ટીકરણ પણ બહુ મોડું થાય છે. ફિલ્મનો પેસ, તેની ગતિ જરા ઝડપી હોત તો સઢ સડસડાટ ભરાયેલી હવાથી પુરું ભરાયેલું બનીને વાર્તાને પેલે પાર લઇ જાત એ ચોક્કસ. બધું જ એટલું બધું સરસ છે કે બધાને જ બહુ વધારે સમય અપાઈ ગયો છે અને એમાં દર્શકને થાક લાગવાની શક્યતા છે.
મ્યુઝિક
ફિલ્મમાં સંગીત કેદાર ભાર્ગવનું છે. ફિલ્મમાં ચાર-પાંચ ગીતો છે અને બધા જ જીભે ચડી જાય તેવા છે. ‘માર હલેસા’ કવિરાજ આદિત્ય ગઢવી અને નક્ષ અઝિઝે ગાયું છે. તો રૅપ સોન્ગ જેવી ફીલિંગ આપતું ગીત ‘સાવજના ઠેકાણા’ ભાર્ગવ પુરોહિતે ગાયું છે. ફિલ્મમાં વ્રતિની પુરોહિત અને મયુર ચૌહાણે ગાયેલું આઈટમ સૉન્ગ ‘દિલના દરિયામાં’ મમતા સોનીએ સરસ પર્ફોમન્સ આપ્યું છે. શોસ્ટોપર ગીત એટલે ‘તું મારો દરિયો’, આ ગીત દ્વારા બી પ્રાકે ઢોલીવૂડમાં ડેબ્યૂ કર્યો છે. ફિલ્મના દરેક ગીતો અને તેનું મ્યુઝિક બહુ જ સરસ છે.
‘સમંદર’નું બીજીએમ વાર્તામાં જીવ રેડે છે, પરંતુ ક્યારેક આ મ્યુઝિક એટલું લાઉડ થઈ જાય છે કે આપણો જીવ નીકળી જાય તેવું લાગે. જોકે, એકંદરે ફિલ્મને અનુરુપ મ્યુઝિક દર્શકોને જકડી રાખવામાં સફળ રહે છે.
ફિલ્મ જોવી કે નહીં?
ગુજરાતી ફિલ્મમાં એક્શનથી ભરપૂર ફિલ્મ માણવી હોય અને પડદા પર અદ્ભુત અભિનય જોવો હોય તો ચોક્કસ ‘સમંદર’ થિયેટરમાં જોવી જોઈએ. પણ હા ફિલ્મ જોવા જાઓ ત્યારે થોડોક સમય વધુ લઈને જજો.