Fakt Purusho Maate Review: શ્રાદ્ધ પક્ષ આવવાનો છે ત્યારે ક્યાંક તમારા પિતૃઓ પણ તો દીપક થઈને અવતરવા માટે આટલી બધી માથાકૂટ નથી કરી રહ્યા ને? આટલી બધી એટલે કેવી માથાકૂટ એ જાણવું હોય તો `ફક્ત પુરુષો માટે` જોવા સહપરિવાર થિયેટર સુધી જવું પડે.
ફિલ્મ `ફક્ત પુરુષો માટે`
કી હાઇલાઇટ્સ
- આ ફિલ્મમાં દરેક એક્ટર જાણે મંજાયેલા ખેલાડી છે એટલે અભિનય બાબતે ફિલ્મને ફુલ માર્ક્સ જાય છે
- ગીતો વિશે કહી શકાય કે ગીતો સારા છે પણ તમારી જીભે ચડે એવા નથી
- આ ફિલ્મ ચોક્કસ તમારે થિયેટરમાં જઈને સહપરિવાર જોવી જોઈએ
ફિલ્મ: ફક્ત પુરુષો માટે (Fakt Purusho Maate)
કાસ્ટ: યશ સોની, મિત્ર ગઢવી, ઇશા કંસારા, દર્શન જરીવાલા, અમિતાભ બચ્ચન, આરતી પટેલ, અનુરાગ પ્રપન્ના, હેતલ મોદી, પ્રેમ ગઠવી, તુષારિકા રાજગુરુ
ADVERTISEMENT
લેખક, દિગ્દર્શક: જય બોડાસ, પાર્થ ત્રિવેદી
પ્રૉડ્યૂસર: આનંદ પંડિત, વૈશલ શાહ
મ્યૂઝિક: કેદાર ભાર્ગવ
સિનેમેટોગ્રાફી: સુમન કુમાર સાહુ
રેટિંગ: 4/5
પ્લસ પૉઈન્ટ્સ: ઍક્ટિંગ, કૉમિક ટાઈમિંગ, સંગીત, પ્રૉડક્શન વેલ્યૂ, ડાયલૉગ્સ, સિનેમેટોગ્રાફી
માઈનસ પૉઈન્ટ: પ્રેડિક્ટેબલ સ્ટોરી, લંબાઈ
ફિલ્મ (Fakt Purusho Maate)ની વાર્તા: ફિલ્મની શરૂઆત કાગડાથી થાય છે, અવાજ મલ્હાર ઠાકરનો છે. વાર્તા એ રીતે છે કે બ્રિજેશ (યશ સોની) પોતાની બાળપણની પ્રેમિકા રાધિકા (ઇશા કંસારા)ને પરણવા માગે છે, બ્રિજેશના દાદા (દર્શન જરીવાલા) સ્વર્ગ અને નરકની નહીં પણ મુક્તિ અને પુનર્જન્મની લાઈનમાં ન પોતે આગળ વધે છે કે ન બીજા કોઈને આગળ જવા દે છે એટલે તમે એવો પ્રશ્ન થાય કે આ શું ચાલી રહ્યું છે.. મિહિર રાજડાનો કેમિયો રોલ અહીં કામ કરે છે. અહીં મૂળ બાબત એ છે કે બ્રિજેશના દાદા (દર્શન જરીવાલા)ને પૃથ્વી પર બ્રિજેશના દીકરા તરીકે જન્મ લેવો છે જ્યારે રાધિકા સાથે બ્રિજેશના લગ્ન થાય તો તેમણે જ્યોતિ એટલે કે બ્રિજેશની દીકરી તરીકે જન્મ લેવો પડે જે તેમને સ્વીકાર્ય નથી. અહીં અમિતાભ બચ્ચન પ્રભુદાસના પાત્રમાં પ્રગટ થાય છે અને ચીટિંગ કરતાં કેટલીક સેટિંગ્સની શરૂઆત થાય છે. હવે પ્રભુદાસ (અમિતાભ બચ્ચન) દર્શન જરીવાલા (બ્રિજેશના દાદા)ને અમુક શક્તિઓ આપે છે કે જેથી તે પૃથ્વી પર જઈને બ્રિજેશના લગ્ન એવી છોકરી સાથે કરાવે કે જેથી પોતે કુળજ્યોતિ નહીં પણ કુળદીપક તરીકે ફરી જન્મ લઈ શકે. હવે રાધિકા અને બ્રિજેશના લગ્ન થશે કે કેમ? દાદા કુળદીપક તરીકે અવતરશે કે કુળજ્યોતિ તરીકે? તેમજ સ્ત્રીઓ માટે લખાયેલી આ વાર્તા કઈ રીતે દાદા-પૌત્રનો પ્રેમ દર્શાવે છે તેમજ `ફક્ત પુરુષો માટે` બને છે તે જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી રહી...
પર્ફૉર્મન્સ: ફિલ્મ (Fakt Purusho Maate)માં જ્યાં મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન હોય, મેગા સ્ટાર યશ સોની હોય અને દર્શન જરીવાલા મુખ્ય પાત્રોમાં હોય ત્યારે પરફૉર્મન્સને 10માંથી 11 માર્ક આપીએ તો કંઈ ખોટું નથી. યશ સોનીની એક્ટિંગ દરેક ફિલ્મ બાદ વધુ ને વધુ સારી થતી જાય છે. ફિલ્મમાં ઇશા કંસારા, તેમજ મિત્ર ગઢવીના પાત્રોને પણ સારો ન્યાય આપવામાં આવ્યો છે તેમની એક્ટિંગ પણ સરસ છે. સાથે જ સહાયક કલાકારોમાં આરતી પટેલના પરફૉર્મન્સને તો કઈ રીતે ભૂલાય. આ ફિલ્મમાં દરેક એક્ટર જાણે મંજાયેલા ખેલાડી છે એટલે અભિનય બાબતે ફિલ્મને ફુલ માર્ક્સ જાય છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન: જય બોડાસના ડિરેક્શનની વાત હોય કે ફિલ્મની સ્ક્રિપ્ટની તો વિષય નવો નથી પણ નવીનતાથી ચોક્કસ રજૂ કરવામાં આવ્યો છે. `ફક્ત મહિલાઓ માટે` ફિલ્મના દિગ્દર્શનની તુલના કરીએ તો 10માંથી 3 ટકા જેટલી નિરાશા હાથ લાગી શકે છે પણ તેને ખરાબ કહેવું અયોગ્ય ગણાશે. જો તમે આ ફિલ્મ `ફક્ત મહિલાઓ માટે` જેવી છે કે તેને ધ્યાનમાં રાખીને જોવા ગયા છો તો ચોક્કસ નિરાશ થશો પણ જો તમે આ ફિલ્મને માણવા ગયા છો તો થિયેટરમાં ચોક્કસ તમે ખડખડાટ હાસ્ય અનુભવશો તો સેકન્ડ હાફના ઈમોશનલ સીન્સમાં આંખે પાણી કદાચ ન આવે પણ ગળે ડૂમો ચોક્કસ ભરાઈ જશે. આ દિગ્દર્શક અને સ્ક્રિપ્ટની તાકાત છે જે આ ફિલ્મમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ફિલ્મમાં જે અન્ય ફિલ્મોના રેફરન્સ લેવાયા છે `કલ્પના છે કે આત્મા`, મુન્નાભાઈ, તેમ જ દાદાગીરી વર્સિસ પુતિયાગીરી (એટલે કે પૌત્રગીરી) જેવા કેટલાક સંવાદોની કદાચ તમે થિયેટર બહાર આવીને ચર્ચા પણ કરશો.
મ્યૂઝિક: ફિલ્મના સંગીતની વાત કરીએ તો ફિલ્મ (Fakt Purusho Maate)ના ટાઈટલ સૉન્ગથી માંડીને બાકીના બધા જ ગીતો ખૂબ જ સરસ છે. આ સાથે જ ફિલ્મના બૅકગ્રાઉન્ડ મ્યૂઝિકને પણ ફુલ માર્ક્સ આપવામાં આવે છે. ફિલ્મના ગીતો વિશે કહી શકાય કે ગીતો સારા છે પણ તમારી જીભે ચડે એવા નથી.
સિનેમેટોગ્રાફી-પ્રૉડક્શન વેલ્યૂ: ફિલ્મના પ્લસપૉઈન્ટમાં સૌથી મહત્વનું પાસું એટલે ફિલ્મની સિનેમેટોગ્રાફી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે VFX અને સ્પેશિયલ ઇફેક્ટ્સ પરફેક્ટ છે. મોટા પડદા પર આ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આકર્ષક લાગે છે અને સાથે એક સુંદર અનુભવ પણ આપે છે. જેનૉક ફિલ્મ્સ અને આનંદ પંડિત મોશન પિક્ચર્સની ફિલ્મ હોય ત્યારે પ્રૉડક્શન વેલ્યૂમાં ક્યાંય કચાશ કે પાછી પાની જવલ્લે જ જોવા મળે છે. ફિલ્મના ટેક્નિકલ પાસાંથી માંડીને કલાત્મકતા સુધી, કોસ્ચ્યુમથી માંડીને કલર કરેક્શન અને એડિટિંગ પણ પરફેક્ટ છે. આ બધું મળીને ફિલ્મ એક પરફેક્ટ પેકેજ તરીકે દર્શકોને પીરસવામાં આવી છે.
ફિલ્મ (Fakt Purusho Maate) જોવી કે નહીં: ફિલ્મનો વિષય ભલે જાણીતો હોય, સ્ટોરી એક સમય પછી પ્રેડિક્ટેબલ હોય પણ જો તમારે `ફક્ત મહિલાઓ માટે` સાથે તુલના ન કરતાં તેના જેટલી અપેક્ષાઓ ન રાખીને એક સારા વિષય-વસ્તુ, દ્રશ્યો- સંવાદો ધરાવતી કૉમેડી અને ઇમોશનલ ફેમિલી ફિલ્મ જોવી હોય, જેમાં એક સારો મેસેજ પણ હોય અને મનોરંજન પણ ભરપૂર પ્રમાણમાં હોય તો આ ફિલ્મ મિસ ન જ કરવી જોઈએ. સાતમ-આઠમની રજાઓ અને ટેક્નોલૉજીને સાથે રાખીને કઈ રીતે આગળ વધી શકાય તેનો ટૂંકમાં પણ મહત્વનો અંદાજો આપતી ફિલ્મમાં મનોરંજનની સાથે એક સુંદર મેસેજ છે જે તમને ઠોકી બેસાડીને કહેવામાં નથી આવતો પણ વાર્તામાં વણાયેલો છે તો આ ફિલ્મ ચોક્કસ તમારે થિયેટરમાં જઈને સહપરિવાર જોવી જોઈએ.