આ ફિલ્મમાં કામ કરવાની સાથે તેણે પાર્થિવ ગોહિલ સાથે મળીને એને પ્રોડ્યુસ કરી છે
માનસી પારેખ
માનસી પારેખનું કહેવું છે કે ગુજરાતી ફિલ્મમં સાસુ-વહુની સ્ટોરી નહીંવત જોવા મળે છે. ‘કચ્છ એક્સપ્રેસ’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં કામ કરવાની સાથે તેણે પાર્થિવ ગોહિલ સાથે મળીને એને પ્રોડ્યુસ કરી છે. આ પહેલાં માનસી ‘ગોળ કેરી’ લઈને આવી હતી. આ તેની બીજી ફિલ્મ છે. આ વિશે પૂછતાં માનસીએ કહ્યું હતું કે ‘મારી ‘ગોળ કેરી’ સિમ્પલ, ફીલ ગુડ રોમૅન્સવાળી ફિલ્મ હતી. પહેલી ફિલ્મ હતી એથી અમે ખૂબ જ સમજી વિચારીને આગળ વધી રહ્યાં હતાં. હજી પણ અમે નાનાં-નાનાં સ્ટેપ ભરી રહ્યાં છીએ. જોકે એ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અમારા સપોર્ટર પણ ઇચ્છતા હતા કે અમે વધુ પ્રોજેક્ટ પર કામ કરીએ. અમે બીજી ફિલ્મ કઈ બનાવવી એ વિચારી રહ્યા હતા ત્યારે ‘કચ્છ એક્સપ્રેસ’ અમારી પાસે આવી હતી. ગુજરાતી ફિલ્મોમાં ઘણી સ્ટોરી જોઈ છે, પરંતુ સાસુ-વહુની સ્ટોરી નહીંવત છે. સાસુ-વહુની સાથે આ એક ફૅમિલી ફિલ્મ છે. એક ડ્રામા છે. કંઈક અલગ કરવામાં મજા છે અને એથી જ અમે આ ફિલ્મ બનાવી હતી. ગુજરાતીઓને કંઈક નવું દેખાડવા માટે અમે આ ચૅલેન્જ લીધી હતી.’