સોશિયલ મીડિયા સેન્સેશન બનેલું `પિયા પિયા કૉલિંગ` ગીત મૂળ ગુજરાતના વતની અને નૉર્વેજિયન પૉપ્યુલર સિંગર ચિરાગ પટેલે ગાયું છે તેમજ આ ગીતના ગુજરાતી લિરિક્સ ધ કૉમેડી ફેક્ટ્રીના ફાઉન્ડર મનન દેસાઈએ લખ્યા છે, તો જાણો આ વિશે વધુ
મનન દેસાઈ અને ચિરાગ પટેલની તસવીરોનો કૉલાજ
તાજેતરમાં સોશિયલ મીડિયા સેન્સેશન બનેલું `પિયા પિયા કૉલિંગ` ગીત જે વિશ્વની સાત જુદી જુદી ભાષાઓ જેમાં નૉર્વેજિયન, અરેબિક, ઉર્દૂ, ફારસી, બલૂચી અને અંગ્રેજી તથા ગુજરાતીનો સમાવેશ થાય છે, તે એક ગુજરાતીએ ગાયું છે. એટલું જ નહીં આ ગીતના ગુજરાતી લિરિક્સ જાણીતા ગુજરાતી સ્ટેન્ડ-અપ કૉમેડિયન મનન દેસાઈ જે `ધ કૉમેડી ફેક્ટ્રી`ના ફાઉન્ડર પણ છે તેમણે લખ્યા છે. આ ગીતમાં વધુ એક ગુજરાતીનું પણ યોગદાન છે અને તે છે સિદ્ધાર્થ અમિત ભાવસાર (મ્યૂઝિકવાલા). તમે સાંભળ્યું હશે કે જ્યારે બે કે બેથી વધુ સંસ્કૃતિઓ જ્યારે એકસાથે આવે છે ત્યારે જેનું સર્જન થાય છે અદ્ભૂત અને આહ્લાદક હોય છે, જો આ કથન પર વિશ્વાસ ન આવતો હોય તો એકવાર આ ગીત `પિયા પિયા કૉલિંગ` સાંભળજો, ચોક્કસ વિશ્વાસ થઈ જશે.
`પિયા પિયા કૉલિંગ` વિશે તો જે કહીએ તે કદાચ ઓછું લાગે પણ, આ ગીત જેમણે ગાયું છે તે નૉર્વેજિયન સિંગર અને ગુજરાતી ગાય? એવો પ્રશ્ન તમને પણ થયો ને? હા, તો આ નૉર્વેજિયન સિંગર અન્ય કોઈ નહીં પણ વડોદરા અને આણંદના વતની રહી ચૂકેલા પેરેન્ટ્સના દીકરા ચિરાગ પટેલ છે. હા પટેલ, ગુજરાતી, જે હાલ નૉર્વેના ખૂબ જ પૉપ્યુલર ગાયક છે. તેમના વિશે ગુજરાતી સ્ટેન્ડ-અપ કૉમેડિયન મનન દેસાઈએ ગયા વર્ષે એટલે કે 2023માં એક આખી ડૉક્યુમેન્ટ્રી બનાવી હતી. આ ડૉક્યુમેન્ટ્રી મનન દેસાઈએ કૉમેડી ફેક્ટ્રીની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરી છે. જે વીડિયો અહીં નીચે એમ્બેડ પણ કરવામાં આવ્યો છે. આ ડૉક્યુમેન્ટ્રી જોતા તમને ખ્યાલ આવશે કે ચિરાગ પટેલ ભલે નૉર્વેના મોસ્ટ પૉપ્યુલર સિંગર હોય પણ તેમનો મૂળ ગુજરાતી છે. આ ગુજરાતી મૂળ અને પોતાની માતૃભાષા માટે કંઇક કરવા મળે તેવી ઇચ્છા અને કરવા માટે તત્પર એવા ચિરાગ પટેલે મનન દેસાઈ સાથે વાતચીત દરમિયાન એવો પણ ખુલાસો કર્યો હતો લગભગ એક વર્ષ પહેલા જ કે અંગ્રેજીમાં ભલે કામ કર્યું હોય, પણ ગુજરાતીમાં પણ કામ કરવું છે અને તેમનું મેનિફેસ્ટેશન જાણે કોક સ્ટૂડિયો, પાકિસ્તાન સુધી પહોંચી ગયું. મનન દેસાઈ અને ચિરાગ પટેલ પિયા પિયા કૉલિંગ પ્રૉજેક્ટમાં કોઈક રીતે જોડાયા અને આ ગીતના ગુજરાતી લિરિક્સ ગુજરાતી ગાયકના કંઠે વિશ્વવિખ્યાત બની ગયા.
ADVERTISEMENT
મનન દેસાઈ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં તેમને નૉર્વેજિયન સિંગર ચિરાગ પટેલ સાથેના કનેક્શન વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો મનન દેસાઈએ જણાવ્યું કે, "મારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક દિવસ મને ચિરાગનો મેસેજ હતો. ચિરાગે મારું કામ સોશિયલ મીડિયા પર જોયું હશે, તેમના સુધી મારું કામ પહોંચ્યું અને અમે ધીમે ધીમે એકબીજાના કામથી પરિચિત થયા. સારી મિત્રતા થઈ બન્ને વચ્ચે અને ગયા વર્ષે મેં ચિરાગના ઘરે જઈને તેમના પર આખી એક ડૉક્યુમેન્ટ્રી બનાવી `નોર્વે`સ ગુજરાતી રૉકસ્ટાર (Norway`s Gujarati Rockstar)` જે તમે `ધ કૉમેડી ફેક્ટ્રી`ની યૂટ્યૂબ ચેનલ પર જોઈ શકો છો. આ ગીત બાદ અમારી બન્નેની એવી ઈચ્છા છે કે ગુજરાત અને ગુજરાતી ભાષા માટે જેટલું વધારે યોગદાન આપી શકીએ તે માટે થઈને જે પણ કરી શકીએ તે કરીએ."
View this post on Instagram
ગુજરાતી સ્ટેન્ડ-અપ કૉમેડિયન તરીકે જાણીતા મનન દેસાઈ ગુજરાતી રૅપ સૉન્ગ અને ગીત લખવા વિશે કહે છે કે સ્ક્રિપ્ટ લખવા કરતાં ગીતના લિરિક્સ લખવા જૂદા પ્રકારનું કામ છે. તાજેતરમાં મનન દેસાઈનું ગીત `ખોટ્ટા સોટ્ટા` રિલીઝ થયું છે, ત્યારે તેમણે એવું પણ કહ્યું કે એક સોલફૂલ ગીત લખવું અને રૅપ લખવું બન્ને જૂદું કામ છે. જ્યારે ચિરાગને કોક સ્ટુડિયો, પાકિસ્તાનમાંથી આ કામ માટે ફોન ગયો, ત્યારે તેણે મનન દેસાઈને આ કામ સાથે કરવા માટે ઇન્સિસ્ટ કર્યા. ચિરાગ પટેલ અને સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે કામ કરતી વખતે એ આનંદ, એ અનુભવ જૂદો હતો, આ આખી પ્રોસેસ મેં માણી છે એટલે લિરિક્સ લખવા માટેનો શ્રેય હું એકલો ન લઈ શકું પણ ચિરાગને જે જોઈતું હતું તે અને સિદ્ધાર્થે આ શબ્દોને તેના મ્યૂઝિક મીટરમાં બેસાડવામાં મદદ કરી. આમ આ આખો ગુજરાતી ટ્રેક તૈયાર થયો અને હવે લોકપ્રિયતા પામી રહ્યો છે. વધુ આવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે હું અને ચિરાગ પટેલ બન્ને આતુર અને તત્પર પણ છીએ.