હર્ષકુમાર બધેકાનાની આ ટૂંકી ફિલ્મ `પત્ર મિત્રો` (Patra Mitro) એક ભાવનાત્મક રોલરકોસ્ટર છે, જે સંબંધોની ગૂંચવણો અને અવિસ્મરણીય જોડાણો વિશે વાત કરે છે
પત્ર મિત્રો
ગુજરાતી ફિલ્મોના પ્રતિભાશાળી કલાકારો ઓજસ રાવલ (Ojas Rawal) અને કૌશાંબી ભટ્ટે (Kaushambi Bhatt) વર્ષના અંત પહેલાં તેમના ફેન્સને ખાસ ભેટ આપી છે. તેમની ટૂંકી ફિલ્મ `પત્ર મિત્રો` (Patra Mitro) ઓટીટી પ્લેટફોર્મ ‘બુક માય શૉ સ્ટ્રીમ’ પર આજે રિલીઝ થઈ છે. આ ટૂંકી ફિલ્મ જાણીતા ડિરેક્ટર હર્ષકુમાર બધેકાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ પ્રણવ ત્રિપાઠીએ લખી છે. ફિલ્મના ગીતો મિહિર ભૂતાએ લખ્યા છે, જ્યારે તેને સંગીત અમર ખંધે આપ્યું છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થયું છે.
હર્ષકુમાર બધેકાનાની આ ટૂંકી ફિલ્મ `પત્ર મિત્રો` (Patra Mitro) એક ભાવનાત્મક રોલરકોસ્ટર છે, જે સંબંધોની ગૂંચવણો અને અવિસ્મરણીય જોડાણો વિશે વાત કરે છે. વાર્તા ઉપરાંત ઓજસ રાવલ અને કૌશાંબી ભટ્ટની કેમિસ્ટ્રી આ ફિલ્મને ખાસ બનાવે છે. પત્રા મિત્રો, પત્રો દ્વારા લખાયેલી પ્રેમની એક એવી હૃદયસ્પર્શી વાર્તા છે, જે આજના આધુનિક યુગમાં અજાણી લાગે તેવી મિત્રતાનો અનુભવ કરાવે છે.
ADVERTISEMENT
`પત્ર મિત્રો` (Patra Mitro) વિશે વાત કરતાં ઓજસ રાવલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, "પત્ર મિત્રો એવી શોર્ટ ફિલ્મ છે, જેની વાર્તા માર્મિક છે. મને પહેલીવાર મુંબઈમાં પ્રણવ ત્રિપાઠીએ હર્ષ બધેકાની હાજરીમાં જ્યારે આ વાર્તા નરેટ કરી ત્યારે જ તે મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. આ બે એવા મિત્રોની વાર્તા છે, જેમણે માત્ર પત્રો થકી સંવાદ કર્યો છે. હવે જ્યારે આ પાત્રોની મુલાકાત થાય છે, ત્યારે શું થાય છે તે જોવા માટે તો તમારે ફિલ્મ જોવી પડશે."
ઓજસ ઉમેરે છે કે, "મને આ વાર્તા ખૂબ ગમી તેની પાછળ બે-ત્રણ કારણો છે. હું આજના સમયમાં પણ પત્ર લખવાનું પસંદ કરું છું. બીજું કે ફિલ્મની ટિમ બહુ જ સરસ હતી. જ્યારે ટીમ સારી હોય ત્યારે પ્રોજેક્ટ ગુડમાંથી ગ્રેટ બનતો હોય છે. સાથે જ કો-સ્ટાર કૌશાંબી ભટ્ટ, અમે ઑફસ્ક્રીન તો ખૂબ સારા મિત્રો છીએ જ, તેમની સાથે પહેલીવાર કામ કરવું પણ ખૂબ ગમ્યું."
ઓજસ રાવલના પાત્રને શબ્દો-સાહિત્ય સાથે કોઈ લેવા-દેવા નથી, પરંતુ કૌશાંબી ભટ્ટનું પાત્ર તેને શબ્દોનું ઘેલું કઈ રીતે લગાડે છે, તે જોવા જેવું છે. ફિલ્મમાં જાણીતા ગઝલકારોના શેરને પણ ઉત્તમ રીતે વણી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ૨૯ ડિસેમ્બરે બુક માય શૉ સ્ટ્રીમ પર રિલીઝ થઈ છે.