થિયેટર વિશે ત્રણેય પેઢીએ જે વાત કરી એનો સૂર એ જ છે કે હવે ડેડિકેશનનો અભાવ છે અને ઓલ્ડ વૉઝ ગોલ્ડ
પ્રવીણ સોલંકી, વિપુલ મહેતા, ખંજન ઠુંબર
‘વર્લ્ડ થિયેટર ડે’ના દિવસે ગુજરાતી રંગભૂમિની ત્રણ જનરેશનને પહેલાંના અને અત્યારના સમયમાં આવેલા બદલાવ વિશે પૂછ્યું ત્યારે નાટ્યમહર્ષિ પ્રવીણ સોલંકીએ આવો પ્રતિભાવ આપ્યો. થિયેટર વિશે ત્રણેય પેઢીએ જે વાત કરી એનો સૂર એ જ છે કે હવે ડેડિકેશનનો અભાવ છે અને ઓલ્ડ વૉઝ ગોલ્ડ
પ્રવીણ સોલંકી, ૮૫, ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ લેખક
ADVERTISEMENT
હું તો મનથી ઇચ્છું કે એ જૂના દિવસો પાછા આવે. એ સમયે રંગભૂમિ રંગભૂમિ હતી, આજે નંગભૂમિ બની ગઈ છે. આજના સમય કરતાં એ જૂના દિવસો લાખ દરજ્જે સારા હતા. શું એ મજા હતી, શું એ સર્જનાત્મકતા હતી. આજે તો નાટકોની વ્યાખ્યા બદલી નાખવામાં આવી છે. હવે નાટક એટલે કૉમેડી. બસ હસાવો, હસાવો, હસાવો; બીજી કોઈ વાત નહીં. વિષય સાથે નિસબત ન હોય તો પણ નાટકમાં જોકાજોકી કરવાની, નાટકની કથાવસ્તુ બાજુએ રહી જાય, એ તો બરાબર નથીને? મેં જ્યારે નાટકોની શરૂઆત કરી ત્યારે અમારી પાસે બહુ ટાંચાં સાધનો હતાં પણ એ ટાંચાં સાધનો વચ્ચે કન્ટેન્ટ સાથે આગળ વધવાની વાત હતી. વિષયોનું વૈવિધ્ય એ સ્તર પર હતું કે કલ્પના પણ ન થઈ શકે. આજે બહુ બધી બાબતોમાં મર્યાદાઓ લાંઘી દેવામાં આવી છે અને એ માટે કોઈ એકનો વાંક નથી, બધાનો વાંક છે.
એક સમયે નાટકોના મેકર્સ પોતે પૈસા માટે નાટક નહોતા બનાવતા, તેઓ ક્રીએટિવ સંતોષ માટે નાટક બનાવતા. એવું જ કલાકાર-કસબીઓનું હતું. એ લોકોને પણ હવે એવું નથી. હવે બધી વાતમાં પૈસો સૌથી આગળ આવી ગયો છે. એ સમયે નાટક માટે નાટક હતું, પણ હવે માત્ર પ્રેક્ષકો માટે જ છે. નાટક પ્રેક્ષક માટે જ હોય એની ના નહીં, પણ બીજા કોઈને જોવાના જ નહીં? પહેલાં પૈસા માટે નાટક કરવાનું ભાગ્યે જ વિચારતા પણ નાટક કરવું એવું કલાકાર અને કસબીઓ માનતા, હવે તો સાવ ઊંધું થઈ ગયું છે. તમે જુઓ તો ખરા, હવે પૈસાની વાત પહેલાં આવે. નાટક, વાર્તા, મારો રોલ એ બધું કલાકારો પણ ભૂલી ગયા છે. તમે કેટલા પૈસા આપશો, કેટલા શોની ગૅરન્ટી આપો છો એ વાત હવે કલાકારોનું કેન્દ્રબિંદુ છે. એ દિવસોને હું યાદ કરું તો મારું મન પ્રફુલ્લિત થઈ જાય અને જેવો હું આજનો સમયમાં આવું કે મારું મન ખિન્ન થઈ જાય.
આજની વાત કરું તો આજે નાટક પર તમે ઘર ચલાવી શકો એવી ઇન્કમ થાય છે. હવે નાટકમાં કામ કરતા કલાકારોનું કામ ગંભીરતા સાથે જોવાય છે. તમે નાટકમાં બેચાર વર્ષ સારી રીતે પસાર કરો ત્યાં તમને ટીવી-OTT-સિનેમા જેવા બીજા માધ્યમના પ્રોડ્યુસરો લઈ જાય અને એ સારી વાત છે તો એ પણ સારી વાત છે કે આજે થિયેટર સાથે જોડાયેલા કલાકારોને એક્સપોઝર મળતું થયું છે. ઈવન, નાટકના કસબીઓને પણ હવે એક્સપોઝર મળે છે, પણ આ બધું મારે મન ગૌણ છે એવું પણ હું કહીશ. મારે મન પ્રાધાન્ય એ જ વાતનું છે કે તમે નાટકને કેટલું ગંભીરતાથી લો છો અને એમાં મારે કહેવું રહ્યું કે આજે નાટક સાથે જોડાયેલી વ્યક્તિ પોતે એને ગંભીરતાથી લેતી નથી. અલબત્ત, એનો અર્થ એવો નહીં કરવાનો કે નાટકનું ભવિષ્ય ખરાબ છે. ના, લાઇવ પર્ફોર્મન્સ ક્યારેય મરે નહીં પણ હું કહીશ કે વેન્ટિલેટર પર પડીને જીવવાનો પણ શું અર્થ છે. ક્લાસિકલ મ્યુઝિકના કાર્યક્રમો, મ્યુઝિક ઑર્કેસ્ટ્રાના શો ને એવા બીજા બધા શો આજે થાય છે, પણ શું એ થયા બરાબર કહેવાય? મન મનાવવું હોય તો કહેવાય કે ગયા વર્ષે ત્રીસ નાટકો થયાં, પણ એ નાટકોમાં સત્ત્વશીલતા કેટલી અને કેવી હતી એ જોવા બેસો તો તમારા હાથમાં અફસોસ સિવાય કંઈ ન આવે.
વિપુલ મહેતા, ૫૦, ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ લેખક-દિગ્દર્શક
ચાર વર્ષનો હતો ત્યારે મેં પહેલી વાર નાટકમાં રોલ કર્યો. એ નાટકમાં હું રાજકુમાર બન્યો હતો. એ દિવસ અને આજનો દિવસ, હું નાટકથી દૂર નથી થયો. નાટક સિવાયના બીજા પ્રોજેક્ટ્સમાંથી આજે પણ હું જેવો ફ્રી થાઉં કે હું ફોન કરીને સામેથી મારા પ્રોડ્યુસરોને કહું કે અત્યારે હું ફ્રી છું ચાલો, આપણે કંઈક સરસ બનાવીએ. સ્ટેજના લાકડાની સુગંધ, સ્ટેજને લગાવેલા પડદામાંથી આવતી મહેકનું મને વળગણ છે એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય અને એ પછી પણ હું એટલું ચોક્કસ કહીશ કે એ દિવસો જેવી મજા અત્યારે નથી રહી. અફકોર્સ, મને એ સમય જેટલી મજા આવે જ છે, કારણ કે હું મારા કામને સમર્પિત થઈને જ રહું છું; પણ ગુજરાતી નાટ્યભૂમિ એટલે માત્ર હું તો નથી જ, મારા સિવાય પણ બીજા અનેક લોકો છે. એ સમયના મેકર્સમાં જે ચૅલેન્જ ઉપાડવાની ક્ષમતા હતી, નવું કરવાની જે ધગશ હતી એની હવે ક્યાંક ને ક્યાંક કમી દેખાય છે. તમને તમારા સમકાલીન સાથીઓનાં નાટકો જોવા જવાનો જે ઉત્સાહ જાગે એવાં નાટકો હવે બહુ ઓછાં બને છે અને મને લાગે છે કે એ વાત ખરેખર ખેદજનક છે.
મેં જૂની રંગભૂમિ કહેવાય એવી કે પછી પ્રવીણભાઈ (સોલંકી)એ કામ કર્યું છે એ અરસાને જોયો નથી પણ ચંદ્રવદન ભટ્ટ અને અરવિંદ ઠક્કર, કાન્તિ મડિયાવાળો સમય જોયો છે. તેમની સાથે કામ કરવાનો મને અવસર મળ્યો છે એટલે હું એ સમય અને આજના સમય વચ્ચે સહજ રીતે કમ્પૅરિઝન કરી શકું. મેં શરૂઆત કરી એ સમયે કલાકાર-કસબીઓમાં જે ડેડિકેશન હતું એ આજના સમયમાં ઘટ્યું છે. એનાં કારણોમાં આપણે નથી જવું પણ અભાવ છે એ હકીકત છે. મેં શરૂઆત કરી એ સમયે ટેક્નૉલૉજીની બાબતમાં રંગભૂમિ નૅચરલી પાછળ હતી, આજે ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ થઈ શકે છે પણ એનો ઉપયોગ થઈ શકે એવી વિષયવસ્તુઓ પર મેકર્સ કામ કરવા રાજી નથી. તેમને સેફ રમવું છે અને એમાં કશું ખોટું નથી, પણ જે રંગભૂમિએ તમને ઘણુંબધું આપ્યું છે એને આપણે પણ કંઈક તો આપવું જ રહ્યું એ વાત સૌકોઈને સમજાવી જોઈશે.
જૂનાં નાટકો રિવાઇવ થાય છે એ વાત પણ મને થોડી અકળાવે છે. હા, ‘બા રિટાયર થાય છે’, ‘લાલીલીલા’, ‘જંતર-મંતર’ જેવાં કલ્ટ થયેલાં નાટકો રિવાઇવ થાય તો સમજી શકાય કે ઑડિયન્સને એ જોવાં છે, પણ સામાન્ય એવાં નાટકોને પણ રિવાઇવ કરી નાખવામાં આવે એ મને યોગ્ય નથી લાગતું.
ઑડિયન્સ નાટક જોવા આવતું નથી. - આ ફરિયાદ વારંવાર કરવાનો પણ અર્થ નથી. આ ફરિયાદ કરવાને બદલે હવેના સમયના મેકર્સે વિચારવું જોઈએ કે ઑડિયન્સ નાટક જોવા શું કામ નથી આવતું. હું મારી વાત કરું તો મારા ‘એકલવ્ય’ નાટકમાં મને જે પ્રકારનું ઑડિયન્સ જોવા મળે છે એ જોઈને હું ખુશ થાઉં છું. લાઇફમાં પહેલી વાર નાટક જોવા આવ્યા હોય એવા યંગસ્ટર્સ મને ‘એકલવ્ય’માં મળ્યા છે. કહેવાનો ભાવાર્થ, કન્ટેન્ટની બાબતમાં આપણે પહેલાં કરતાં પછાત થયા છીએ, નવું કરવાની હિંમતની બાબતમાં મેકર્સ હવે પાછા પગ કરતા થઈ ગયા છે તો સાથોસાથ ટેક્નૉલૉજીની બાબતમાં આપણે સક્ષમ થયા છીએ; પણ એ ગૌણ છે કારણ કે વિષયવસ્તુ સારું ન હોય તો શ્રેષ્ઠ ટેક્નૉલૉજી પણ ઑડિયન્સને આકર્ષી ન શકે.
ખંજન ઠુંબર, ૩૨, પ્રતિભાવાન ઍક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર
નૅચરલી મેં દસકાઓ પહેલાંની રંગભૂમિ જોઈ નથી પણ હા, એની વાતો બહુ સાંભળી છે. એ વાતો હું જ્યારે સાંભળતો ત્યારે મારી આંખો પહોળી થઈ જતી. મને થતું કે વાહ, એ દુનિયા કેવી હશે અને મનમાં સજાવેલી એ કાલ્પનિક દુનિયાનાં સપનાંઓ જોતો જ હું રંગભૂમિ પર આવ્યો; પણ ખરું કહું તો મને એ દિવસો અને આજના દિવસો વચ્ચે જમીન-આસમાનનો તફાવત દેખાયો. એ સમયમાં બધું પ્લસ-પ્લસ-પ્લસ જ હતું અને આજના સમયમાં બધું માઇનસ-માઇનસ-માઇનસ જ છે અને એનો મને ખેદ છે.
સૌથી મોટો લૉસ જો કોઈ હોય તો એ કે આજે કલાકારોમાં ડેડિકેશન નથી રહ્યું. અફકોર્સ, હું કલાકાર છું પણ સાથોસાથ પ્રોડ્યુસર પણ છું એટલે મેં એ બરાબર નોટિસ કર્યું છે. તમને હમણાંનો જ એક કિસ્સો કહું. ડિરેક્ટર તરીકે મારું એક નાટક ફ્લોર પર છે. રિહર્સલ્સમાં મારી લીડ ઍક્ટ્રેસે નાટક છોડી દીધું. રીઝન, તેના મામાનું અવસાન થયું. મુંબઈમાં જ રહેતા મામા ગુજરી ગયા એટલે તેણે નાટક છોડ્યું. વાંધો ન હોત જો નાટક તાત્કાલિક ઓપન થવાનું હોત તો. નાટક તો અમારે મહિના પછી ઓપન કરવાનું છે અને એ એક મહિનાની અમે તેની પાછળ મહેનત લીધી છે એ પછી પણ તેણે નાટક છોડી દીધું. એની સામે બીજો એક કિસ્સો કહું. મારા જ નાટકના મારા એક સાથી કલાકારના પપ્પા ગુજરી ગયા અને મારા એ મિત્રએ બપોર અને સાંજના એમ એ દિવસના બન્ને શો કર્યા અને પછી તે ઘરે ગયો. લાઇવ આર્ટમાં ડેડિકેશન બહુ જરૂરી છે, પણ ઑપોર્ચ્યુનિટી વધવાના કારણે હવે બધા જાણે છે કે તેમને ગમે ત્યાં કામ મળી જશે, જો એવું જ મનમાં હોય તો રંગભૂમિ પર આવવું જ શું કામ જોઈએ?
રંગભૂમિ એક મંદિર છે અને કલાના આ મંદિર માટે નિષ્ઠા હોવી જોઈએ, જે અગાઉ ભારોભાર જોવા મળતી.
આજના સમયની એક જ સારી વાત છે કે નાટક ઉપરાંત પણ બીજા રસ્તાઓ ખૂલ્યા છે જે રસ્તા પર કામ સરળતાથી મળી જાય છે અને એમાં પણ જ્યારે પ્રોડ્યુસરને ખબર પડે કે તમે નાટકનું બૅકગ્રાઉન્ડ ધરાવો છો તો તેમનો રિસ્પેક્ટ પણ વધી જાય છે; પણ અફસોસ, આ જ પ્લસ પૉઇન્ટનો આજના કલાકાર-કસબી મિસયુઝ બહુ કરે છે. તેમની પ્રાયોરિટી નાટક હોતી જ નથી, પણ પોતાના એક્સપીરિયન્સમાં રંગભૂમિ શબ્દ ઉમેરવા માટે તે અહીં આવે છે અને થોડો સમય કામ કરી ટીવી તરફ નજર કરે છે. ટીવી હું પણ કરું છું, પણ મારી પ્રાયોરિટી નાટક જ હોય છે.
મને એ પણ કહેવું છે કે નાટક હવે બૉક્સ-ઑફિસ માટે નહીં, હવે માત્ર ઑડિયન્સ માટે જ બને છે. એ ઑડિયન્સ માટે જે બે જણ જોવા આવે છે અને નક્કી કરે છે કે પોતાના બેચાર હજાર મેમ્બરને નાટક ગમશે કે નહીં. નૉનસેન્સ લાગે એવી આ વાત બધા જાણે છે પણ અફસોસ એ છે કે બધા એ ફૉલો કરે છે. જો આવું જ ચાલુ રહ્યું તો નાટક-ઇન્ડસ્ટ્રી સર્વાઇવ ચોક્કસ કરશે, પણ એ AI જેવી બની જશે. મજા તો કરાવશે પણ એમાં આત્મા નહીં હોય.

