મજબુત વિષયની ધારદાર છતાંય સંવેદનશીલ રજુઆત
Film Review
‘મેડલ’ નું પોસ્ટર
ફિલ્મ : મેડલ
કાસ્ટ : જયેશ મોરે, કિંજલ રાજપ્રિયા, મૌલિક નાયક, હેમાંગ દવે, આકાશ ઝાલા, અર્ચન ત્રિવેદી, વૈશાખ રતનબેન, પ્રાપ્તિ અજવાલિયા, ચેતન દૈયા, શૌનક વ્યાસ, આર્ય સાગર, રિષી પંચાલ, રિષભ ઠાકોર, કરણ પટેલ, ભવ્યા શિરોહી, નિયતી સ્યુથાર, કબીર દૈયા, નિસર્ગ ત્રિવેદી
ADVERTISEMENT
લેખક : વૈશાખ રતનબેન
ડિરેક્ટર : ધવલ શુકલ
રેટિંગ : ૪/૫
પ્લસ પોઇન્ટ : વાર્તા, અભિનય, લોકેશન
માઇનસ પોઇન્ટ : લંબાઇ, એડિટિંગ
ફિલ્મની વાર્તા
પીટી શિક્ષકની તાલીમ મેળવેલા અજિત (જયેશ મોરે)ના પાત્રને એંગર ઇશ્યૂઝ છે. આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં સારા પગારની નોકરી છોડીને એ નાનકડા ગામ ટિંમ્બલીની નિશાળમાં અંગ્રેજીના શિક્ષક તરીકે જોડાય છે. તેમનું ગામે પહોંચવું, એક ચોક્કસ ઘરમાં જ રહેવું, સ્કૂલના શિક્ષકોનો રેઢિયાળ અભિગમ તેમના અવરોધો છે. જાતિવાદમાં કટ્ટરપણે માનનારા સરપંચ અને હેરાનગતી કરવા તૈયાર રહેનારા એક સાથી શિક્ષક સાથેના તેમના સંઘર્ષ વાર્તાને આગળ વધારે છે. ખેલ મહા કૂંભમાં નિશાળના છોકરાઓને મેડલ અપાવવાનું નક્કી કરીને અજિત પોતાનું કામ કરે છે. તોફાની છોકરાઓ કાબુમાં તો આવે છે પણ હેરાનગતિઓ પણ વધતી જાય છે. ભૂતકાળની એક ઘટના અજિતના મનનો જાણે કોઇ વળગાડ છે, ઝનુન છે. બાળકોને મેડલ જીતાડવાના સપનાને એ જ ભૂતકાળ સાથે કનેક્શન છે. શું છોકરાઓ મેડલ જીતે છે? શું આ માત્ર કથિરમાંથી કંચન બનાવવાની વાર્તા છે? એ માટે ફિલ્મ જોવી રહી.
પરફોર્મન્સ
અજીતના પાત્રમાં અભિનેતા જયેશ મોરે મન મોહી લે તેવો અભિનય કરે છે. ફિલ્મમાં તેમનો ગુસ્સો અને જુસ્સો બન્ને જોરદાર છે. ઘણા સમય પછી અભિનેતા સ્ક્રીન પર પોલીસ સિવાય બીજા કોઈ પાત્રમાં દેખાયા છે. જયેશ મોરે પાત્રના ઇમોશન્સના અપ્સ એન્ડ ડાઉનને એક કાબેલ અભિનેતાની જેમ ન્યાય આપે છે.
અભિનેતા હેમાંગ દવે કૉમિક અભિનેતા તરીકે ઓળખાય છે. પરંતુ આ ફિલ્મમાં પ્રોફેસર મોહન તરીકે વિલનના પાત્રને જાણે તે ઘોળીને પી ગયા છે. એક્સપ્રેશન હોય કે વિલનની એ ચાલબાજ હરકતો તેમાં તેમણે સુંદર અભિનય કર્યો છે.
ફિલ્મમાં ચૅરી ઓન ધ કેક કહી શકાય એવું પાત્ર છે રમણનું, એટલે કે અભિનેતા મૌલિક નાયક. ભાષા, લહેકો, ઉચ્ચાર બધું જ એટલું પર્ફેક્ટ છે કે સાંભળ્યા કરવાની ઇચ્છા થાય. આખી ફિલ્મમાં મૌલિકની એક્ટિંગ અને હાવભાવ માટે ધાંસુ – જોરદાર – સૉલિડ જેવા વિશેષણો વાપરવા પડે. મૌલિક નાયક વગર આ ફિલ્મનો પ્રભાવ કદાચ બે મેડલ ઓછો હોત એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
કિંજલ રાજપ્રિયા, ચેતન દૈયા, અર્ચન ત્રિવેદી, વૈશાખ રતનબેન, પ્રાપ્તિ અજવાલિયાએ તેમના ભાગે આવેલી જવાબદારી સુપેરે નિભાવી છે.
ફિલ્મનો મુખ્ય ભાગ એટલે બાળ કલાકારો. બાળકોનો અભિનય મોટેભાગે સાહજિક હોય અને એમાં ય તોફાન બતાડવાના હોય ત્યારે તો આ સાહજિકતા સ્ક્રીન પર દેખાઇ જ આવે. તમામ બાળ કલાકારોએ પોતાના રોલ્સને મસ્ત નિભાવ્યા છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની સ્ક્રિપ્ટ વૈશાખ રતનબેને લખી છે. વાર્તા અને વિષય બન્ને બહુ સારા છે. ગામડામાં નાત-જાતના ભેદનો મુદ્દો, શાળાઓની પરિસ્થિતિ અને એક વ્યક્તિની અંગત વાર્તા બધા જ પાસા એક જ નાવમાં બેલેન્સ કરીને બરાબર રીતે કિનારે પહોચે છે. ફિલ્મનું ક્લાઇમેક્સ અપેક્ષા કરતા સાવ જ અલગ અને અદ્ભુત છે. પેશનેટ ફિલ્મમાં આંખ ભીની થઇ જાય એવું ભાગ્યે જ બને પણ આ ફિલ્મ તમને એક દર્શક તરીકે આ સ્કોપ પણ આપે છે.
ડિરેક્શન ધવલ શુકલનું છે. દિગ્દર્શકના પ્રયત્નો દાદ આપવા જેવા છે. જોકે, ફિલ્મનો સમય જાળવવામાં દિગ્દર્શક થોડાક કાચા પડ્યા છે. ફિલ્મ લાંબી હોવા છતા તે છેલ્લે સુધી દર્શકોને જકડી રાખવામાં સફળ રહે છે.
મ્યુઝિક
ફિલ્મમાં સંગીત કુશલ ચોક્સીએ આપ્યું છે અને ગીતો મુનાફ લુહારે લખ્યા છે. ફિલ્મની પરિસ્થિતિ સાથે ગીતો બંધબેસતા છે. જોકે, તરત યાદ રહી જાય તેવું એકેય ગીત નથી.
બેકગ્રાઉન્ડ સ્કૉર ક્યાંક કોઈક સીનમાં કાચો પડે છે. કેટલાક મહત્વના સીનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ન હોવાથી સીનની મજા મરી જાય છે.
ફિલ્મ જોવી કે નહીં?
અભિનયના બાદશાહોને એક સાથે સ્ક્રીન પર જોવા અને બાળ કલાકારોની મહેનતને બિરદાવવા ‘મેડલ’ ફિલ્મ થિયેટરમાં ચોકક્સ જોવી જ જોઈએ.