મનોજ શાહના નવા નાટક ‘તબિયત’માં તબિયતની નારાજગી જોવા મળશે, તેઓ કહે છે કે આ નાટક જોઈને લોકો હસશે અને શરીરને માનતા પણ થઈ જશે
`તબિયત` નાટકનો સીન (ડાબે) અને નાટકના દિગ્દર્શક મનોજ શાહ
‘આપણે જેને સૌથી વધુ અવગણીએ છીએ એ છે આપણી તબિયત. આ નાટકમાં તબિયત ભાગી ગઈ છે, કારણ કે એને માઠું લાગી ગયું છે કે આ તો મારું ધ્યાન રાખતા નથી તો હવે હું ચોક્કસ બદલો લઈશ. આ નાટકમાં કોઈ ઉપદેશ નથી. કોઈ જડીબુટ્ટી હું વેચવા બેઠો નથી. આ નાટક જોઈને લોકો ખૂબ હસશે અને શરીરને માનતા પણ થઈ જશે.’
આ શબ્દો છે પોતાનાં અલગ પ્રકારનાં નાટકો માટે જાણીતા નાટ્યકાર મનોજ શાહના જેમાં તેઓ પોતાના નવાનક્કોર નાટક ‘તબિયત’ વિશે જણાવે છે. એનો પહેલો કમર્શિયલ શો તાજેતરમાં NCPAમાં યોજાવાનો છે. ‘તબિયત’ નામ માત્રથી જ સમજી શકાય કે આ નાટક સ્વાસ્થ્યની વાત કરી રહ્યું છે.
ADVERTISEMENT
આ નાટકમાં કહેવામાં આવેલી મૂળ વાતને વધુ સ્પષ્ટ કરતાં મનોજ શાહ કહે છે, ‘આજકાલ દુનિયામાં આપણે બહારની તરફ વધુ જોઈ રહ્યા છીએ, જ્યારે આપણા જીવનની જર્ની આંતરિક હોવી જોઈએ. અંદર તો નજર કરતા જ નથી આપણે. દુનિયામાં અઢળક શોધખોળ ચાલી રહી છે પણ ખરી શોધખોળ તો આપણે દરેકે કરવાની છે અને એ છે ખુદની. શરીર તો આપણું બોલે છે અને આપણને બધું જ કહે છે, પણ આપણે ક્યાં એની કોઈ વાત સાંભળીએ છીએ.’
મનોજ શાહના વિખ્યાત નાટક ‘મરીઝ’માં ધર્મેન્દ્ર ગોહિલને પ્રેક્ષકોએ ખૂબ વખાણ્યા હતા એ પછી હવે ‘તબિયત’માં બન્ને ફરી સાથે કામ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર ગોહિલ સાથે આ નાટકના મુખ્ય કલાકાર છે દિશા સાવલા, હર્ષ જોશી અને માનસી જોશી. આ નાટકના લેખક સતચિત પુરાણિક છે અને દિગ્દર્શન મનોજ શાહે કર્યું છે. નાટકનો પ્રકાશ હુસૈની દારૂવાલા સંભાળી રહ્યા છે તો સંગીત માર્મિક શુક્લનું છે.
આ નાટકની ખાસિયત એ છે કે નાટકમાં દરેક કલાકારે લાઇવ સિન્ગિંગ કર્યું છે એ વિશે વાત કરતાં મનોજ શાહ કહે છે, ‘મને નાટક જેટલું બને એટલું ઑથેન્ટિક રાખવું ગમે. રેકૉર્ડ કરેલું ગીત હોય તો કદાચ એ વધુ સુરીલું હોઈ શકે, પરંતુ સ્ટેજ પરથી લાઇવ ગવાતા ગીતની ફીલ અલગ છે જે મને ગમે છે. બાકી આટલાં વર્ષોથી એક પ્રેક્ષકગણ તૈયાર થયો છે જે મારાં નાટકો એટલે જોવા આવે છે કે તેમને વિશ્વાસ છે કે કશુંક નવું કે અતરંગી હું તેમને પીરસીશ. એ અતરંગી અલગ વસ્તુનો આસ્વાદ તો દરેક નાટકની જેમ આમાં પણ છે જ.’
નાટક - તબિયત
તારીખ - ૩૦ નવેમ્બર
સમય - સાંજે પાંચ વાગ્યે
સ્થળ - NCPA