કેતકી દવેએ કહ્યું, ‘Show Must Go On’ : નાટકના દિગ્દર્શક કિરણ ભટ્ટ કહે છે, ‘કેતકીએ સમાજની મહિલાઓ માટે ઉદાહરણ ખડું કર્યું’
રસિક અને કેતકી દવેની ફાઇલ તસવીર, ‘ખેલ ખેલે ખેલૈયા’ નાટકના દિગ્દર્શક કિરણ ભટ્ટ
ગુજરાતી તખ્તા અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા રસિક દવે (Rasik Dave)નું ૨૯ જુલાઇના રોજ મુંબઈમાં ૬૫ વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનથી આખી ગુજરાતી રંગભૂમિ શોકમાં ગરકાવ થઈ ગઈ છે. પરિવારજનો પણ શોકમાં ડુબેલા છે. પણ તેમની ધર્મ પત્ની અને અભિનેત્રી કેતકી દવે (Ketki Dave)એ સમાજ માટે અને રંગભૂમિ માટે એક નવો દાખલો ઉભો કર્યો છે. એ છે, ‘Show Must Go On…’નો. પતિના નિધનના બે જ દિવસ બાદ અભિનેત્રીએ નાટકનો જીવ જાળવ્યો હતો.
વાત એમ છે કે, ૩૧ જુલાઇ એટલે કે રવિવારે સાંજે ઘાટકોપરના ઝવેરબેન ઑડિટોરિયમમાં કિરણ ભટ્ટ (Kiran Bhatt) દિગ્દર્શિત અને કેતકી દવે (Ketki Dave) અભિનિત નાટક ‘ખેલ ખેલે ખેલૈયા’નો શો હતો. જેમા પતિના મૃત્યુનું દુઃખ બાજુએ મુકીને અભિનેત્રી કેતકી દવેએ રંગભૂમિના પ્રેક્ષકોને ખુશ રાખવાનું નક્કી કર્યું હતું. પતિના મૃત્યુને બે જ દિવસ થયા હતા, છતા તેમણે પર્ફોમન્સ આપ્યું હતું.
ADVERTISEMENT
આ વિશે ગુજારતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા નાટકના દિગ્દર્શક કિરણ ભટ્ટે કહ્યું હતું કે, ‘Show Must Go Onની પ્રકૃતિ એ સંપુર્ણ પરિવારની ગળથુથીમાં જ છે. હું, રસિક અને કેતકી બહુ સારા મિત્રો છીએ. રસિકની તબિયત લથડી તે સમયે જ્યારે કોઈ વાતમાં વાત નીકળી હોય તો રસિક હંમેશા કહેતો કે ભવિષયમાં મને કઈ પણ થાયને તો તમારે કોઈએ નાટકનો શો કેન્સલ કરવો નહીં. આ જ વાત તે હંમેશા કેતકીને પણ કહેતો. અને કેતકી પણ હંમેશા કહેતી કે, રસિક તુ ચિંતા ન કર હું પ્રેક્ષકોનું મનોરંજન હંમેશા કરતી રહીશ.’
‘કેતકી દવેએ એક વાર પણ એવી ઇચ્છા સુદ્ધા નહોતી દર્શાવી કે મારી પરિસ્થિતિ આવી છે તો નાટકના શોનું શું! તેણે એક જ વાક્ય ઉચ્ચાર્યું હતું કે, Show Must Go On…કારણકે તે એમ જ માને છે કે અત્યારે મારો દુઃખનો સમય છે પ્રેક્ષકોનો નહીં ને! મારા દુખમાં હું એ બધાને શું કામ સામેલ કરું.’, એમ કિરણ ભટ્ટે ઉમેર્યું હતું.
ગઈકાલે ‘ખેલ ખેલે ખેલૈયા’ નાટકના શો બાદ અભિનેત્રી કેતકી દવેને ઑડિયન્સે સ્ટેન્ડિંગ ઑવેશેન આપ્યું હતું. કિરણ ભટ્ટે કહ્યું કે, ‘જીવનસાથીના મૃત્યુને બે જ દિવસ થયા હોય ત્યારે પત્ની તરીકેનું દુઃખ બાજુએ મુકીને એક કલાકાર તરીકેની ફરજ નિભાવીને કેતકી દવેએ સમાજની મહિલાઓ માટે એક ઉદાહરણ ખડું કર્યું છે. તેમજ એક કલાકાર તરીકેની પોતાની ફરજ તે ચુકી નથી.’
આ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે અભિનેત્રી કેતકી દવેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ સ્વર્ગીય અભિનેતા અને પતિ રસિક દવેની પ્રાર્થનાસભામાં વ્યસ્ત હોવાથી સંપર્ક થઈ શક્યો નહોતો.
નોંધનીય છે કે, આ કઠીન પરિસ્થિતિમાં પણ ‘ખેલ ખેલે ખેલૈયા’ નાટકના એકેય શો કેન્સલ કરવામાં નથી આવ્યા. માત્ર આજનો એટલે કે પહેલી ઑગસ્ટનો શો રસિક દવેની પ્રાર્થના સભા સમયે જ હોવાથી તેને કારણે મોકુફ રાખવામાં આવ્યો છે. બાકી આ અઠવાડિયાના મુંબઈ અને સુરતના બધા જ શો થવાના છે.