નવકાર પ્રોડકશન દ્વારા નિર્મિત ફિલ્મ 22 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થવાની છે. જયેશ મોરે અને કિંજલ રાજપ્રિયા સિવાય આ ફિલ્મમાં હેમાંગ દવે અને ચેતન દૈયા પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે.
ફિલ્મનું પોસ્ટર
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી દર્શકોને તેની માતૃભાષામાં વિવિધ વિષયોની ફિલ્મ જોવા મળી છે. `ફક્ત મહિલાઓ માટે`, `રાડો`, `નાયિકાદેવી` અને `હું તારી હીર` જેવી વિવિધ ફિલ્મો બાદ ફરી એક અલગ સ્ટોરી સાથે દર્શકોને મોટિવેશનનો ડોઝ આપતી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ છે `મેડલ`(Medal).જયેશ મોરે(Jayesh More)અને કિંજલ રાજપ્રિયા(Kinjal Rajpriya)અભિનિત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
ફિલ્મના મુખ્ય અભિનેતા જયેશ મોરે અજીતનું પાત્ર ભજવી રહ્યાં છે, જે એક શિક્ષક છે. આ ગુજરાતી ફિલ્મ સસ્પેન્સ અને મોટિવેશનનું ઉત્તમ મિશ્રણ છે. ફિલ્મ દેશભક્તિ અને દેશ માટે મેડલ જીતવા જરૂરી ટીમ વર્ક પર આધારિત છે. `મેડલ` ફિલ્મમાં વાત તો મેડલની જ કરવામાં આવી છે, પરંતુ એ મેડલ કેવી રીતે કોના સહયોગથી અને કેટલા સંઘર્ષ બાદ મળે છે તેની વાર્તા રસપ્રદ અને પ્રેરણાદાયી છે.
ADVERTISEMENT
ટ્રેલરની શરૂઆતમાં જોવા મળે છે, અજીત(જયેશ મોરે) મેગા સીટી અમદાવાદની ઈન્ટરનેશનલ સ્કૂલની શિક્ષકની નોકરી છોડી એક ખોબા જેવડા ગામની નિશાળમાં શિક્ષક તરીકે જોડાવવાનું નક્કી કરે છે. તેના આ નિર્ણય માટે ઘરના સભ્યો તેને મુર્ખ ગણે છે પરંતુ તે નિશ્ચિત કરેલા તેના ઉદ્દેશને પુર્ણ કરવા અને આત્મસંતોષ માટે ટિમ્બલી ગામની શાળાએ પહોંચી જાય છે. અને ત્યાં બાળકોને અંગ્રેજી ભણાવવાનું શરૂ કરે છે. સાથે સાથે તે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા તરફ દોરે છે.
આ દરમિયાન અજીત ગામના રુઆબી લોકોના રુઆબનો સામનો તો કરે છે, સાથે સાથે શાળામાં શિક્ષકોની અદેખાઈ સામે પણ લડે છે. વાર્તામાં આગળ જોઈએ તો અજીત વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભનું મહત્વ સમજાવી તેમને રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે. પછી તો શું? શરૂ થાય છે મહેનત, લગન, સંઘર્ષ અને જુસ્સાથી મેડલ જીતવાની તૈયારી. પરંતુ મેડલ મળશે કે નહીં? અને મળશે તો કોને અને કેવી રીતે? એતો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.
નવકાર પ્રોડકશન દ્વારા નિર્મિત ફિલ્મ 22 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થવાની છે. જયેશ મોરે અને કિંજલ રાજપ્રિયા સિવાય આ ફિલ્મમાં હેમાંગ દવે અને ચેતન દૈયા પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે.

