રાહુલ કોળી માત્ર ૧૦ વર્ષનો હતો : લ્યૂકેમિયાથી પીડાતો હતો બાળ કલાકાર : ત્રણ દિવસ પછી રિલીઝ થવાની છે ફિલ્મ ‘છેલ્લો શો’
‘છેલ્લો શો’ ફિલ્મના બાળ કલાકારો સાથે રાહુલ કોળી (ડાબેથી ત્રીજો)
૧૩ ઑક્ટોબરે રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (Chhello Show)ને ઑસ્કરમાં એન્ટ્રી મળતા આખી ઇન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ હતો. ત્યાં જાણે આ ખુશી પર ગ્રહણ લાગ્યુ છે. ફિલ્મના બાળ કલાકારોમાંથી એક બાળ કલાકારનું મૃત્યુ થયું છે. દસ વર્ષીય રાહુલ કોળી (Rahul Koli)નું લ્યૂકેમિયા (Leukemia)ને કારણે નિધન થયું છે.
મળતી માહિતી પ્રમાણે, ‘છેલ્લો શો’નો બાળ કલાકાર રાહુલ કોળી માત્ર દસ વર્ષનો હતો. લ્યૂકેમિયાનાને કારણે અમદાવાદની કેન્સર હૉસ્પિટલમાં બીજી ઑક્ટોબરના રોજ તેનું નિધન થયું હતું. સોમવારે ભાવનગર પાસે આવેલા ગામ હાપામાં તેની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી.
ADVERTISEMENT
ન્યૂઝ પોર્ટલને રાહુલ કોળીના પિતાએ કહ્યું કે, ‘રાહુલ ફિલ્મ રિલીઝથી બહુ જ ખુશ હતો. હંમેશા કહેતો કે ૧૪ ઑક્ટોબર પછી આપણી જિંદગી બદલાઈ જશે. હવે ૧૪ ઑક્ટોબરે જ તેનું ૧૩મું કરવું પડશે અને આ રીતે અમારી જિંદગી બદલાઇ જશે તેવો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. રાહુલે રવિવારે નાસ્તો કર્યો હતો અને પછી તેને સતત તાવ આવતો હતો. જે બાદ તેને લોહીની ઉલટી થવા લાગી હતી. બાળકના નિધનથી મારો પરિવાર તૂટી ગયો છે. પરંતુ અમે તેના અંતિમ સંસ્કાર કર્યા પછી તેની ફિલ્મ ‘છેલ્લો શો’ ચોક્કસ જોઈશું.’ રાહુલના પિતા રામૂ રિક્ષા ચલાવે છે.
રાહુલ કોળીએ આ ફિલ્મમાં મનુનું પાત્ર ભજવ્યું હતું, જે એક રેલવે સિગ્નલમેનનો પુત્ર હતો અને મુખ્ય ભૂમિકા ભજવતા પાત્રનો ખાસ મિત્ર હતો. ‘છેલ્લો શો’ ફિલ્મમાં છ બાળ કલાકારો છે.
તમને જણાવી દઈએ કે, લ્યૂકેમિયા એક પ્રકારનું બ્લડ કેન્સર છે. કેન્સરથી પીડિત રાહુલ છેલ્લા ચાર મહિનાથી અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહ્યો હતો. ફિલ્મનું શૂટિંગ પૂરું થયાના ચાર મહિના પછી રાહુલને આ બીમારી હોવાની ખબર પડી હતી.
ફિલ્મ ‘છેલ્લો શો’નું નિર્દેશન યુએસ સ્થિત ડિરેક્ટર પાન નલિન (Pan Nalin) દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા તેમના પોતાના જીવન પરથી પ્રેરિત છે. તેઓ સૌરાષ્ટ્રમાં ઉછર્યા અને ફિલ્મની દિશામાં કઈ રીતે આગળ વધ્યા તે બાબત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.