મલ્હાર ઠાકર શાંત સ્વભાવનો છે!
મલ્હાર ઠાકર
28 ફેબ્રુઆરીથી થિએટરમાં રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ 'ગોળકેરી' માં પ્રેક્ષકોને મલ્હાર ઠાકરના અભિનયનું તદ્દન નવું પાસું જોવા મળશે. આ ફિલ્મમાં મલ્હાર એક શાંત સ્વભાવના વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. વાસ્તવિક જીવનમાં તેનું વ્યક્તિત્વ શાંત નથી. એટલે ફિલ્મમાં સાહિલના પાત્ર માટે તેને થોડીક વિશેષ તૈયારીઓ કરવી પડી હતી.
ફિલ્મ અને તેના પાત્ર વિષે મલ્હારે કહ્યું હતું કે, ગોળકેરીમાં સાહિલ ઉર્ફ સમોસુનું જે પાત્ર છે એવું મૈ ક્યારેય નથી ભજવ્યું. એટલે આ પાત્ર ભજવવા હું તત્પર હતો. સાહિલનો સ્વભાવ બહુ શાંત છે. જ્યારે હું રિયલ લાઇફમાં એટલો શાંત નથી. મને મસ્તી મજાક કરવી બહુ ગમે છે. એટલે કૅમેરા સામે મારે શાંત દેખાવાનું હતું જે મારા માટે થોડુક મુશ્કેલ હતું.
ADVERTISEMENT
ગોળકેરી ફિલ્મનુ દ્રશ્ય
મલ્હારે વધુમાં ઉમેર્યું હતું કે, પાત્ર કઈ રીતે લખાય છે અને કઈ રીતે પ્રસ્તુત થાય છે એ અભિનેતા માટે અગત્યનું હોય છે. મને અહીં એ ગુણવત્તા જોવા મળી. ફિલ્મનું કાસ્ટિંગ રસપ્રદ હતું અને સાહિલ તરીકેનું મારૂ પાત્ર પણ અદ્ભુત રીતે લખાયું હતું એટલે શૂટિંગ કરતી વખતે પણ બહુ મજા આવી. સંબંધોની સાદગીને દર્શાવતી આ ફિલ્મમાં ચારેય મુખ્ય પાત્રો સમાન રીતે ભાર વહેચી લે છે. આખી ફિલ્મનું શૂટિંગ 24 દિવસમાં થયું છે. એટલે આ સમય દરમ્યાન અમને કલાકારોને એકબીજા સાથે સમય પસાર કરવાનો અને જાણવાનો પણ મોકો મળ્યો હતો.
ગોળકેરી ફિલ્મને વિરલ શાહે ડાઇરેક્ટ કરી છે.

