‘૩ એક્કા’, ‘બુશર્ટ-ટીશર્ટ’એ બૉક્સ-ઑફિસ પર તોફાન મચાવ્યું તો ‘વશ’ અને ‘હું ઇકબાલ’ જેવી ફિલ્મે આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને એક નવા આયામ પર મૂકી દીધી
ઍન્ડ ઍકશન...
ભવ્ય ગાંધી
આ વર્ષે પણ ગુજરાતી ફિલ્મો અઢળક આવી. જો આંકડાની વાત કરવી હોય તો કહી શકાય કે ફિફ્ટી પ્લસ ફિલ્મ રિલીઝ થઈ, જેમાં ડિરેક્ટલી ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મો આવી ગઈ, પણ એ બધી ફિલ્મોમાંથી જો ખરેખર બૉક્સ-ઑફિસ પર કોઈ ફિલ્મે ધમાલ મચાવી હોય તો એવી બે જ ફિલ્મો છે, એક ‘૩ એક્કા’ અને બીજી ‘બુશર્ટ-ટીશર્ટ’. આ બન્ને ફિલ્મોએ ખરા અર્થમાં બિઝનેસ કર્યો અને એ બિઝનેસ પણ એ સ્તરે રહ્યો કે તમે ધારણા પણ ન માંડી શકો. ‘૩ એક્કા’એ તો ૨૦ કરોડના ફિગર્સ પણ ક્રૉસ કરી લીધા અને કહે છે કે હવે એ હિન્દીમાં બનવાની છે. સાચું-ખોટું રામ જાણે. મને તો એ જ ફિલ્મની ઍક્ટર્સ-ટીમમાંથી ખબર પડી છે કે હવે હિન્દીની તૈયારી ચાલી રહી છે અને એ થવી પણ જોઈએ. જો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હજી પણ આગળ લઈ જવી હોય તો આપણે એવું કામ કરવું પડશે જેને લીધે આખા દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન આપણી તરફ ખેંચાય. એ કામ જો કોઈએ અત્યારે કર્યું હોય તો એ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું છે. તેમણે બનાવેલી ફિલ્મ ‘વશ’ની હિન્દી રીમેક બને છે એ વાત હવે જૂની થઈ ગઈ છે, પણ એનો અર્થ એવો પણ નથી થતો કે આપણે તેમના ડિરેક્ટરની મહેનતને હવે સાઇડ પર મૂકી દઈએ.
કૃષ્ણદેવ યાજ્ઞિકે બનાવેલી ‘વશ’નું જે ટેમ્પરામેન્ટ હતું, એનો જે પાવર હતો, એની જે થ્રિલ હતી એ અદ્ભુત હતી. તમે ફિલ્મ જોતાં-જોતાં રીતસર મૂંઝાઈ જાઓ. તમે અડધી સેકન્ડ પણ આગળ-પાછળનો વિચાર ન કરી શકો અને સ્ટોરીમાં હવે શું થશે એની તો તમે કલ્પના પણ ન કરી શકો. ત્યારે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે હૅટ્સ ઑફ. એક તો એને માટે જ્યારે ગુજરાતી ફિલ્મમાં એક્સપરિમેન્ટ્સ કરવાની વાતો આવે છે ત્યારે કૃષ્ણદેવ યાજ્ઞિકે એવો પ્રયાસ કર્યો કે બધાની બોલતી બંધ થઈ ગઈ. ‘વશ’નું પોસ્ટર પણ એ સ્તરે બન્યું હતું કે એ જોનારાને ધ્રુજારી ચડાવી દે, આપણે એ પણ સ્વીકારવું જ રહ્યું.
ADVERTISEMENT
‘વશ’ની જેમ જ જો કોઈ નવો પ્રયાસ થયો હોય તો એ હતો ‘હું ઇકબાલ’માં, પણ અનફૉર્ચ્યુનેટલી ફિલ્મ ચાલી નહીં અને એનું નહીં ચાલવા પાછળનું કારણ હતું માર્કેટિંગ. ફિલ્મ લોકો સુધી પહોંચી નહોતી. બાકી હું આજે પણ કહું છું કે જેણે પણ એ ફિલ્મ જોઈ હતી એ બધા ફિલ્મથી બહુ ઇમ્પ્રેસ થયા હતા. પર્સનલી ‘લકીરો’ પણ સરસ હતી અને એણે બિઝનેસ પણ ઠીક-ઠીક કર્યો હતો, પણ એ ફિલ્મની જે ક્ષમતા હતી એ ક્ષમતા પ્રમાણે તો બિઝનેસ નહોતો જ કર્યો એ પણ આપણે સ્વીકારવું રહ્યું. ચર્ચા ફરી વખત એ જ વાત પર આવીને ઊભી રહે છે, માર્કેટિંગ.
જો માર્કેટિંગ પર ધ્યાન નહીં આપવામાં આવે, જો લોકો સુધી ફિલ્મ પહોંચાડવામાં નહીં આવે તો આપણે સતત ફેલ થતા રહીશું. હમણાં જ આવેલી ફિલ્મ ‘મીરા’ની પણ એ જ હાલત થઈ છે. ફિલ્મ સારી, પણ માર્કેટિંગ-બજેટ લિમિટેડ અને એને લીધે બન્યું એવું કે ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ઊતરી ગઈ એની ખબર જ ન પડી. કરેલું સારું કામ પણ લોકો સુધી પહોંચે તો લોકો એનો સ્વીકાર કરે. ફિલ્મ એ કંઈ ગુપ્તદાન નથી કે તમે દેરાસરમાં જઈને ફન્ડ આપી આવો અને કોઈને ખબર ન પડે તો પણ ચાલે. એવા દાનને ઉપરવાળો જોઈ લેતો હોય છે એટલે પુણ્યનું ભાથું બંધાઈ જાય, પણ ફિલ્મ એ કંઈ એવું કાર્ય છે નહીં કે આપણે પુણ્યથી સંતોષ માની લઈએ. ના, ફિલ્મ એ બિઝનેસ છે અને આપણે એને બિઝનેસના ભાગરૂપે જ જોવી પડશે. હું તો ત્યાં સુધી કહીશ કે ફિલ્મ એક એવો બિઝનેસ છે જેમાં વૉર ફ્રન્ટ પર રહીને માર્કેટિંગ કરવાનું છે. આજે તમે જુઓ જ છો કે હિન્દીની અનેક ઍવરેજ ફિલ્મ પણ માત્ર અને માત્ર એના માર્કેટિંગને કારણે સુપરહિટ થઈ જાય છે. સિરિયલમાં પણ એ જ થાય છે.
ફાલતુ લાગતી ટીવી-સિરિયલ જોતી વખતે તમને સતત એવું થયા કરે કે લોકો આ કેમ જોતા હશે, પણ માર્કેટિંગ. સિરિયલ રિલીઝ થાય એ પહેલાં લગાવવામાં આવતાં તોતિંગ હોર્ડિંગ્સ અને પાનાંઓ ભરી-ભરીને કરવામાં આવતી જાહેરખબરો તથા લખાવવામાં આવતા આર્ટિકલ્સ.
માર્કેટિંગ માટે કરવામાં આવતા ખર્ચની મર્યાદાને કારણે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ઑલમોસ્ટ ૯૦ ટકા ફિલ્મ ફ્લૉપ ગઈ છે અને એ ફ્લૉપ ફિલ્મને કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બદનામી થઈ છે. અનેક ઊગતા પ્રોડ્યુસરો ફરીથી પોતાના ઓરિજિનલ બિઝનેસ પર લાગી ગયા અને અનેક ડિરેક્ટરોએ પોતાનો બેનિફિટ લઈ લીધો. શબ્દો થોડા કડવા હોઈ શકે છે, પણ આપણે ત્યાં કહેવાયું જ છેને કે સત્ય હંમેશાં કડવું હોય છે અને એ જ સચ્ચાઈ અહીં પણ લાગુ પડે છે.