મુંબઈ આવી રહ્યો છે 'હીરો આલોમ', થઈ જાવ તૈયાર
બાંગ્લાદેશના સુપરસ્ટાર હીરો આલોમનું નામ તો તમે સાંભળ્યું જ હશે. નામ નહીં સાંભળ્યું હોય તો વીડિયો તો જોયા જ હશે. ન જોયા હોય તો હવે જોઈ લેજો. પરંતુ પહેલા એ વાંચી લો કે અમે આજે તમને હીરો આલોમને કેમ યાદ કરાવી રહ્યા છે. આ 'હીરો આલોમ' મુંબઈ પધારી રહ્યા છે. તમને થશે કે એમાં શું તો જરા વાત સમજી લો 'હીરો આલોમ' અત્યાર સુધી અમદાવાદ હતા અને ત્યાં લોકોની સંખ્યાબંધ તાળીઓ અને પ્રશંસા મેળવ્યા બાદ હવે મુંબઈના ગુજરાતીઓનું મનોરંજન કરવા મુંબઈ આવી રહ્યો છે.
ADVERTISEMENT
અરે ભાઈ કન્ફ્યુઝ ન થાવ વાત છે ગુજરાતી નાટક 'હીરો આલોમ'ની. જેમાં કરસનદાસ પે એન્ડ યુઝ ફેમ હેમાંગ શાહ લીડ રોલમાં છે. આ નાટક બાંગ્લાદેશના સુપરસ્ટાર હીરો આલોમની લાઈફ પરથી ઈન્સ્પાયર્ડ છે. આ નાટક વિશે વાત કરતા એક્ટર હેમાંગ શાહ કહે છે કે,'હીરો આલોમ ચણાચોર ગરમ વેચતો હતો, ત્યાંથી કેવી રીતે સ્ટાર બન્યો તેની વાત આ નાટકમાં છે. હીરો આલોમની લાઈફ પર આધારિત નાટક છે, પરંતુ તેમાં ફિક્શન પણ એડ કરાયું છે.'
વધુમાં હેમાંગ શાહ ઉમેરે છે કે,'હીરો આલોમ સુંદર નથી, તેમ છતાંય હિટ છે. એટલે આ નાટક પણ બાહ્ય સુંદરતા નહીં પરંતુ ટેલેન્ટ અને આંતરિક સુંદરતા વચ્ચેના ભેદને રજૂ કરે છે. મૂળ વાત લોકોના જજ કરવાની છે. કે તમે કોઈને ત્યારે જજ કરી શકો જ્યારે તમે એ લેવલ પર હો.' હેમાંગ શાહ સાથે આ નાટકમાં નિસર્ગ પુરોહિત, હેતવી શાહ, સૌરભ પાંડે અને કરણ જોશી સહિતના કલાકરાો છે.
નાટકને મહેશ ઘોડેસવારે લખ્યું છે. 1 કલાક 20 મિનિટના નાટકને ડિરેક્ટ પણ મહેશ ઘોડેસવારે જ કર્યું છે. અત્યાર સુધી અમદાવાદમાં આ નાટકના દરેક શો હિટ રહ્યા છે. હવે મુંબઈના અંધેરીના ફાઈવ સેન્સમાં 11 અને 12મેના રોજ 'હીરો આલોમ' ભજવાવા જઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ નાના પડદાથી સિલ્વર સ્ક્રીન સુધી આવી રહી છે 'ટપુ' ઉર્ફે ભવ્ય ગાંધીની સફર
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હેમાંગ શાહ છેલ્લે ક્રિષ્નદેવ યાજ્ઞિકની ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યુઝ'માં દેખાયા હતા. અને હાલ તે અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું શૂટિંગ પુરુ કરી ચૂક્યા છે. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત હેમાંગ શાહની ફિલ્મ 'પાત્ર' પણ આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.