દર્શન પંડ્યાની દમદાર એક્ટિંગ : યુવા કલાકારોનું નોંધનિય પ્રદર્શન
Film Review
‘હેલ્લો’નું પોસ્ટર
ફિલ્મ : હેલ્લો
કાસ્ટ : જયેશ મોરે, દર્શન પંડ્યા, માઝલ વ્યાસ, રિષભ જોષી, નીલ ગગદાણી, આયુષી ધોળકિયા, નિધિ સેઠ
ADVERTISEMENT
લેખક : સુરેશ રાજડા
દિગ્દર્શક : નિરજ જોષી
રેટિંગ : ૩/૫
પ્લસ પોઇન્ટ : અભિનય, વાર્તા, સસ્પેન્સ
માઇનસ પોઇન્ટ : સ્ટોરી ડેવલપમેન્ટ, ડાયલૉગ્સ
ફિલ્મની વાર્તા
ફિલ્મમાં કૉલેજના મિત્રો આહાના (માઝલ વ્યાસ), યુગ (રિષભ જોષી), વેદિકા (આયુષી ધોળકિયા) અને ઈશાન (નીલ ગગદાણી) મજાક મજાકમાં અજાણ્યા લોકોને પ્રેન્ક કૉલ્સ કરે છે. તેમાંથી એક ફોન કનિષ્ક ભારદ્વાજ (દર્શન પંડ્યા)ને લાગી જાય છે. ત્યારે આખી બાજી પલટાઈ જાય છે. યુવાનોએ મજાકમાં કરેલો આ ફોન અચાનક તેમના પર જ ભારે પડે છે. આ ફોનથી કનિષ્ક ભારદ્વાજ અને યુવાનોની આખી બાજી પલટાઈ જાય છે. દરમિયાન એન્ટ્રી થાય છે પોલીસ ઇન્સપેક્ટર ચૌહાણ (જયેશ મોરે)ની. આ બધા વચ્ચે શું કનેક્શન છે? એક ફોનને કારણે કેટલાં રાઝ ખુલ્લા પડે છે? તે દરમિયાન આ યુવાનોની શું પરિસ્થિતિ થાય છે તે બાબતોમાં છેલ્લે સુધી સસ્પેન્સ જળવાયું છે.
પરફોર્મન્સ
કનિષ્ક ભારદ્વાજનું પાત્ર ભજવતા અભિનેતા દર્શન પંડ્યાનું પાત્ર જ એક સસપેન્સ છે. જેને અભિનેતાએ પુરેપુરો ન્યાય આપ્યો છે. ફિલ્મના બીજા સિનિયર કલાકાર જયેશ મોરે ફરી એકવાર પોલીસ ઇન્સપેક્ટરના પાત્રમાં છે. ભલે તેમના પાત્રનો સ્ક્રિન ટાઈમ ઓછો હોય પણ એક સમજદાર પીઆઇની ભૂમિકા તેમણે સુપેરે નિભાવી છે.
ફિલ્મના યુવા કલાકારોના પરફોર્મન્સને ખરેખર દાદ આપવી પડે. માઝલ વ્યાસ, રિષભ જોષી, નીલ ગગદાણી, આયુષી ધોળકિયા ચારેય યુવાનો આ ફિલ્મ દ્વારા પોતાની છાપ છોડવામાં સફળ રહ્યાં છે. શેરલોક હોમ્સની જેમ જાસૂસીનો શોખ ધરાવતા યુગ એટલે રિષભ જોષી ફિલ્મમાં સુત્રધારની ભૂમિકા ભજવે છે અને તેનો સાથ આપે છે નીલ ગગદાણી. બન્ને યુવાનોના અભિનય પ્રશંસાને પાત્ર છે. માઝલ વ્યાસ અને આયુષી ધોળકિયાનો અભિનય પાત્રને ન્યાય આપે છે પણ ગુજરાતી ભાષામાં માર ખાઈ જાય છે.
આ પણ વાંચો - ‘Hello’ ટ્રેલર : અજાણ્યો ફોન કૉલ લઈને આવશે અણધારી સમસ્યાઓ
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની વાર્તા, પટકથા અને સંવાદ સુરેશ રાજડાના છે. વાર્તાની વાત કરીએ તો, કેટલાક પાત્રોની બૅક સ્ટૉરી વિશે પુરતી માહિતી ન હોવાથી પાત્રો સાથે કનેક્ટ થવામાં સમય લાગે છે. જેને કારણે કેટલાક સંવાદોનો સંદર્ભ સમજવામાં ઘણો સમય લાગે છે. તે સિવાય વાર્તામાં એકબીજા સાથે જોડાતાં તાર સમજી શકાય તેવા હોવાથી ફિલ્મમાં મજા આવે છે.
‘હેલ્લો’નું દિગ્દર્શન નિરજ જોષીએ કર્યું છે. ફિલ્મની વાર્તા અને ડિરેક્શન બન્નેમાં કેરેક્ટરાઈઝેશનનો અભાવ જોવા મળે છે. અમુક સીનને અને સ્ટોરી ડેવલપમેન્ટને સમય ઓછો અપાયો છે. એકંદરે સસ્પેન્સ અને થ્રિલરના આ નવા પાસાંને ઉજાગર કરવામાં દિગ્દર્શક સફળ રહ્યાં છે.
મ્યુઝિક
ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સંગીત પાર્થ ભરત ઠક્કરનું છે. જે ફિલ્મના સસપેન્સ અને થ્રિલરને જાળવી રાખવામાં યોગ્ય ન્યાય આપે છે. બાકી ફિલ્મમાં માત્ર ટાઇટલ ગીત છે, ‘ચહેરા પાછળ ચહેરો એનો’. જેના બોલ વિની પટેલના છે અને કંઠ ભૂમિ ત્રિવેદીએ આપ્યો છે. ફિલ્મમાં હજી થોડુંક મ્યુઝિક હોત તો દર્શકોના મન પર છાપ છોડવામાં ફિલ્મ વધુ સફળ રહી હોત.
ફિલ્મ જોવી કે નહીં?
ગુજરાતી ફિલ્મોમાં થઈ રહેલા નવા પ્રયોગને પ્રોત્સાહન આપવા અને સસપેન્સનો અનુભવ કરવા ફિલ્મ ‘હેલ્લો’ થિયેટરમાં ચોક્કસ જોવી જોઈએ.