`રોકી ઔર રાની કી પ્રેમ કહાની`નું આ પોસ્ટર મૌલિક ચૌહાણ (Maulik Chauhan) અને ભૂમિકા બારોટ (Bhumika Barot) અભિનીત ગુજરાતી ફિલ્મ `દેવભૂમિ` (Dev Bhoomi) સાથે ઘણી સમાનતા ધરાવે છે
Exclusive
`દેવભૂમિ` અને `રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું પોસ્ટર`
કરણ જોહરની આગામી ફિલ્મ `રોકી ઔર રાની કી પ્રેમ કહાની` (Rocky Aur Rani Kii Prem Kahaani)નું નવું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ થયું છે. રસપ્રદ વાત એ છે કે, `રોકી ઔર રાની કી પ્રેમ કહાની`નું આ પોસ્ટર મૌલિક ચૌહાણ (Maulik Chauhan) અને ભૂમિકા બારોટ (Bhumika Barot) અભિનીત ગુજરાતી ફિલ્મ `દેવભૂમિ` (Dev Bhoomi) સાથે ઘણી સમાનતા ધરાવે છે. બંને પોસ્ટરમાં ઘણી બધી સામ્યતા છે. બંને પોસ્ટરમાં મુખ્ય પાત્રો સમાન રોમેન્ટિક પોઝમાં છે. પાછળનું બેકગ્રાઉન્ડ પણ કલરફૂલ છે. પોસ્ટરની ડિઝાઇન પેટર્ન પણ સમાન છે. `રોકી ઔર રાની કી પ્રેમ કહાની`નું આ પોસ્ટર હજી ગઇકાલે જ રિલીઝ કરવામાં આવ્યું છે, જ્યારે દેવભૂમિનું પોસ્ટર માર્ચમાં બહાર પાડવામાં આવ્યું હતું.
બંને પોસ્ટરમાં સામ્યતા એક સંયોગ?
ADVERTISEMENT
બંને પોસ્ટરમાં સામ્યતા જોતાં નેટિઝન્સ આરોપ લગાવી રહ્યા છે કે `રોકી ઔર રાની કી પ્રેમ કહાની`નું પોસ્ટર ગુજરાતી ફિલ્મ ‘દેવભૂમિ’ના પોસ્ટર પરથી કૉપી કરવામાં આવ્યું છે. આ વિશે પ્રતિક્રિયા મેળવવા જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ‘દેવભૂમિ’ના લીડ એક્ટર મૌલિક ચૌહાણ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, “મને એવું લાગે કે આ માત્ર એક સંયોગ છે, કારણ કે બે મેકર્સની સમાન વિચારસરણી હોઈ જ શકે છે. હું એવો દાવો નથી કરતો કે આ પોસ્ટર કૉપી કરવામાં આવ્યું છે. સમાન પોસ્ટર છતાં બંને ફિલ્મોની વિષયવસ્તુમાં તફાવત છે.”
મૌલિક ચૌહાણ
ફિલ્મ વિશે વધુ જણાવતા મૌલિક કહે છે કે, “‘દેવભૂમિ’ દ્વારકાની લવ સ્ટોરી છે. આ ફિલ્મ લવ સ્ટોરી અને થ્રીલરનું કૉમ્બો છે જે આજની પેઢીને સુંદર મેસેજ પણ આપે છે. ‘દેવભૂમિ’ ૨૦૨૩માં જ મોટા પડદા પર રિલીઝ થશે. અમે આ ફિલ્મ દ્વારકા અને અમદાવાદ શૂટ કરી હતી. ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ પૂરું થઈ ગયું છે. હાલ માત્ર એક ગીતનું જ શૂટિંગ બાકી છે.”
‘દેવભૂમિ’ના લીડ એક્ટર મૌલિક ચૌહાણ અભિનેતા સાથે હોમિયોપેથી ડૉક્ટર પણ છે. મૌલિક ચૌહાણે ‘રૉન્ગ સાઇડ રાજુ’ અને ‘થઈ જશે’ જેવી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો સાથે એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં `પેટીપેક` અને `પ્રેમ પ્રકરણ`માં પણ તેમણે કામ કર્યું હતું. તાજેતરમાં તેમણે `ટીશર્ટ-બુશર્ટ` અને `વેલકમ પૂર્ણિમા`માં સપોર્ટિંગ રોલ કર્યો હતો. ‘દેવભૂમિ’ સહિત ’૨૦ આર્સ’, ‘મૌનમ અને મીરા’ જેવી આગામી ગુજરાતી ફિલ્મોમાં પણ મૌલિક જોવા મળશે.
ફિલ્મ ‘દેવભૂમિ’ની વાત કરીએ તો તેમાં મૌલિક ચૌહાણ અને ભૂમિકા બારોટ સાથે નિસર્ગ ત્રિવેદી, કલ્પેશ પટેલ, કિન્નલ નાયક, કામિની પટેલ, સોનલ નાયર, મિનાક્ષી જોબનપુત્રા, વંદના સોલંકી, શિવાની પટેલ અને ચાર્મી કેલૈયા પણ જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન દેવેશ રાવલે કર્યું છે. તો ફિલ્મ દેવેશ રાવલ અને ચેતન દૈયાએ સાથે લખી છે. દેવભૂમિનું નિર્માણ સાહેબ મલિક, ચિન્મય ગોસ્વામી અને અંકુર પ્રજાપતિએ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે `દેવભૂમિ` આ વર્ષે નવરાત્રીમાં સિનેમા ઘરોમાં રિલીઝ થશે.