ગુજરાતી અભિનેત્રી મેઘના રૉયનું 66 વર્ષની વયે નિધન
મેઘના રૉય
પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી મેઘના રૉય (Meghna Roy)નું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારીથી પીડિત મેઘના રૉયનું આજે 23 ડિસેમ્બરે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. માંદગીને કારણે તેઓ છેલ્લા એક વર્ષથી બેડ રેસ્ટ પર હતા. તાજેતરમાં આઠ ડિસેમ્બરે પરિવારે તેમનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.
મેઘના રૉયે ગુજરાતની રંગભૂમિ, ફિલ્મ્સ અને સિરિયલોમાં ઘણું યોગદાન આપ્યું છે. નાની ઉંમરમાં થયેલા તેમના નિધનથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બહુ જ ખોટ પડશે. અભિનેત્રીએ અનેક લોકપ્રિય ટીવી સિરીયલમાં અભિનય કર્યો છે. ગુજરાતી બિઝનેસમેન પુરષોત્તમ નાણાવટીના પરિવાર અને તેમના જીવનના આસપાસ ફરતી વાર્તા દર્શાવતી સિરીયલ ‘એક મહેલ હો સપનો કા’માં મેઘના રૉયે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે સિરીયલ ‘તીન બહુરાનિયા’ દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી હતી. સિરીયલો અને નાટકો ઉપરાંત તેમણે ‘સતી તોરલ’, ‘મા અંબા ગબ્બરવાલી’, ‘જય જય સંતોષી માં’ વગેરે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
ADVERTISEMENT
ઉપરાંત ગુજરાતી સિનેમા અને થિયેટરમાં તેમના યોગદાન બદલ 12મા ગુજરાતી સ્ક્રીન એવોર્ડમાં તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે 2020નું વર્ષ ખરેખર ખરાબ રહ્યું છે. અનેક મહાન કલાકારોએ દુનિયામાંથી વિદાય લીધી છે. હવે આ યાદીમાં અભિનેત્રી મેઘના રૉયના નામનો પણ સમાવેશ થઈ ગયો છે.

