નવા નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ના પોસ્ટરમાં હીરો ત્રણ માદા શ્વાનને લઈને ફરવા નીકળ્યો છે એવું લાગ્યું એટલે સર્જાયો વિવાદ : નાટકના નિર્માતા અને હીરો સંજય ગોરડિયાએ માફી માગી
નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’નું પોસ્ટર
ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયાનું ૧૦ નવેમ્બરે રિલીઝ થતું નવું નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ ગઈ કાલે એના પોસ્ટરને કારણે જબરદસ્ત વિવાદમાં ફસાયું અને સંજય ગોરડિયા સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટીકાપાત્ર બન્યા. વિવાદની જાણ થતાં સંજયભાઈએ પોતાના અને સાથી-કલાકારોના સોશ્યલ મીડિયા પરથી પોસ્ટર તો હટાવી દીધું, પણ ત્યાં સુધી વિવાદે વંટોળ પકડી લીધો અને નાટકના બૉયકૉટથી માંડીને સંજય ગોરડિયા બહુપત્ની-પ્રથાને પ્રોત્સાહન આપે છે એવી કમેન્ટ્સ શરૂ થઈ ગઈ. પદ્મશ્રીથી સન્માનિત જાણીતા સાહિત્યકાર વિષ્ણુ પંડ્યાએ નાટકના પોસ્ટરને પોતાના સોશ્યલ મીડિયા પર ટૅગ કરીને આ પ્રકારનાં નાટકોનો બહિષ્કાર કરવો જોઈએ એવી ડિમાન્ડ કરી. વિષ્ણુભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મેં પોસ્ટર ટૅગ કર્યું એ પછી મને કોઈકે કહ્યું કે આ ભાઈનાં તો બધાં નાટકમાં બાયડીની જ વાત હોય છે. ‘સુંદર બે બાયડીવાળો’, ‘બૈરાંઓનો બાહુબલી’ અને એવાં તો કેટકેટલાં નાટકો તેમણે કર્યાં છે. આ બંધ થવું જોઈએ, પણ એને માટે એકત્રિત થવું પડશે. સાહિત્યકારો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સ, મહિલા સંસ્થાઓ અને મીડિયા આગળ આવે અને આ ઝુંબેશ ઉપાડે તો સરકાર સુધી વાત પહોંચે અને કંઈક નક્કર પરિણામ આવે; બાકી તો બસ, આ બધું આમ જ ચાલ્યા કરશે.’
પોસ્ટર સાથે કરવામાં આવેલી કમેન્ટ્સમાં સંજયભાઈનાં અગાઉનાં નાટકોનાં ટાઇટલ વિશે પણ ટીકા કરવામાં આવી છે. વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે ‘પોસ્ટરમાં હીરો ત્રણ ફીમેલ-ડૉગને લઈને ફરવા નીકળ્યો છે એવું પ્રદાન થાય છે. હું તો કહીશ કે હિરોઇને પણ આ પ્રકારના ફોટો શું કામ પડાવવા જોઈએ. નારીમર્યાદાનું ઉલ્લંઘન ન થાય એ જોવાની જવાબદારી પહેલાં તેમની છે. હું તો કહીશ કે આ પ્રકારના બે અને ત્રણ બાયડીવાળા ટાઇટલને પરમિશન જ ન મળવી જોઈએ. આ તો બહુપત્ની-પ્રથાને ચમકાવવા જેવું થયું.’
ADVERTISEMENT
શું કહે છે સંજય ગોરડિયા?
છેલ્લા એક વીકથી દુબઈમાં વેકેશન કરીને ગઈ કાલે મુંબઈ પાછા આવેલા સંજય ગોરડિયા સાથે જ્યારે આ વિશે વાત થઈ ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મારા સુધી લોકોની લાગણી પહોંચી અને મેં તેમની ભાવના સમજીને પોસ્ટર તરત હટાવી લીધું. હું તેમની માફી પણ માગું છું કે મારો એવો કોઈ ભાવ નથી. હું કૉમેડિયન છું. મારી તો એકમાત્ર ઇચ્છા હોય કે લોકો હસે. તો પછી હું શું કામ કોઈને દુખી કરું? હું પ્રૉમિસ કરું છું કે હવે પછી આ પ્રકારે લાગણી દુભાય એવું એક પણ પોસ્ટર કે ઍડ અમે રિલીઝ નહીં કરીએ.’
ત્રણ ફીમેલ ડૉગી સાથે ફરવા નીકળેલા હીરોને દર્શાવતા પોસ્ટર માટે ચોખવટ કરતાં સંજય ગોરડિયાએ કહ્યું કે ‘આ લોકોનું ખોટું અર્થઘટન છે. ત્રણ અશ્વના રથ પર હીરો જઈ રહ્યો છે એવું દર્શાવવાનો ભાવ છે. બીજી વાત, હું એમ કહેવા માગું છું કે જીવનનો સંગ્રામ પાર કરવાનું કામ એવા સમયે જ શક્ય બને જ્યારે આગેવાની મહિલાના હાથમાં હોય. હા, આ વાતમાં કૉમેડી ઍડ કરવામાં કાચું કપાયું, પણ કૂતરા-કૂતરીવાળી વાત સાવ વાહિયાત છે. બહુપત્ની-પ્રથાની જે વાતો થાય છે એને માટે પણ મારે ચોખવટ કરવાની કે નાટક જોયા વિના કંઈ પણ નક્કી ન કરવું જોઈએ. નાટક ઓપન થાય ત્યારે તમે આવો, નાટક જુઓ અને તમને જો એવું લાગે કે એમાં બહુપત્ની-પ્રથાની વાત છે તો તમે આરોપ લગાડો.’
ટાઇટલ શું કામ બદલે ભાઈ?
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સહિત ટ્રોલિંગ કરતા કેટલાક લોકો અને અમુક સંસ્થાઓએ ડિમાન્ડ કરી છે કે નાટકનું ટાઇટલ ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ ચેન્જ કરવું જોઈએ, પણ એવું કરવાની સંજય ગોરડિયાએ ચોખ્ખી ના પાડી દેતાં કહ્યું કે એ શક્ય જ નથી. સંજયભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ટાઇટલ તો આ જ રહેશે અને એને માટે જરૂર પડશે તો હું કોર્ટમાં લડી લેવા પણ તૈયાર છું. ટાઇટલ એ મારી જીદ નહીં, મારા નાટકની જરૂરિયાત છે. વાર્તા મારી, નાટક મારું, ટાઇટલ મારું, તો મને જ ખબર હોયને કે નાટક માટે શું જરૂરી છે. હું માત્ર એટલું કહીશ કે ખોટેખોટાં અનુમાન બાંધી લેવા કરતાં પહેલાં નાટક જુઓ. મુરતિયો જોયા વિના કેવી રીતે નક્કી થાય કે તે કાણો કે ફાંગો છે?’