કોરોનાનો નહીં પણ નેગેટીવીટીની મહામારીનો ડર સતાવે છે મલ્હાર ઠાકરને
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે ઓળખાતા અભિનેતા મલ્હાર ઠાકરે છેલ્લા એક અઠવાડિયાથી સોશ્યલ મીડિયામાંયી બ્રેક લીધો હતો. પરંતુ તેની પાછળ શું કારણ હોઈ શકે તેની જાણ ફૅન્સને નહોતી. પણ આજે અભિનેતાએ આપેલા સત્તાવાર નિવેદનમાં ખબર પડી કે, અભિનેતા ટ્રોલિંગને દ્વારા ફેલાવવામાં આવતી નેગેટીવીટીથી પરેશાન થયો છે. તેને કોરોના મહામારીનો નહીં પણ નેગેટીવીટીની મહામારીનો ડર સતાવે છે.
મલ્હાર ઠાકરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલ પોતાના સત્તાવાર નિવેદનમાં લખ્યું હતું કે, 'કોરોના મહામારીની સાથે કદાચ બીજી કેટલીય બિમારી પ્રસરી છે ને એમાંની એક એટલે નકારાત્મકતા. કોઈ કંઈ પણ કરે એ નકામું છે, બિનજરૂરી છે, માત્ર પબ્લિસિટી સ્ટંટ છે એવું માનવા માંડવાનું, એટલું જ નહીં, એવો પ્રચાર ને પ્રસાર પણ કરવાનો. કોરોનાની દવા તો કદાચ શોધાઈ જશે પણ આ નકારાત્મકતાની ?? મારી વાત કરું તો અત્યાર સુધી મેં કોઈ સાથે સંઘર્ષ નથી કર્યો, નથી કોઈ નિર્માતાને હેરાન કર્યા, નથી કોઈને માટે ઉતરતી ભાષા વાપરી, કંઈ જ નહીં. સતત વ્યસ્ત રહેનારો હું આ લોકડાઉન દરમ્યાન પણ મારા સાથી કલાકારો માટે ચિંતા કરતો રહ્યો, કંઈ કેટલીય જગ્યાએ દાન કર્યા, સોશિયલ મિડીયા પર જુદા જુદા કલાકારો, આર જે, પત્રકારો ને કવિ લેખકો સાથે જોડાતો રહ્યો. આ દરમ્યાન એકાદવાર એક પંક્તિની કવિતા ય ક્યાંક સ્ફુરી તો એને ય સોશિયલ મિડીયા પર મૂકી. બસ, જાણે કોઈનું ખૂન કરી નાખ્યું હોય એમ લોકો બગડ્યા. મારા નામે અસંખ્ય મિમ બનવા લાગ્યા, મારી એક એક વાતને વખોડવામાં આવી ( ગાળ અને અભદ્ર શબ્દો સાથે ), હું ચૂપ રહ્યો તો ય એમનાથી સહન ન થયું. મને જાતજાતના સંગઠનો તરફથી ધમકી અપાઈ, ગુજરાતી ટીવી ચેનલોએ માફી માંગવાની ફરજ પાડી ને એ પણ મારા માટે નિમ્ન સ્તરના શબ્દ પ્રયોગ સાથે રજૂ કરાઈ. આ નફરત કોના માટે ? એવું તો શું ચાલતું હશે એમના મગજમાં ? એમની સાથે આવું કંઇક થયું હોત તો ?? આવા કેટલાય વિચાર આવી ગયા. સાચું કહું તો કોઈને કશુંક કરવા માટે ધકેલવા એ પણ એક પ્રકારનો ગુનો બને છે એ કદાચ આમાંથી કોઈ નહીં જાણતું હોય. જેની સાથે આવું થતું હોય એની માનસિક પરિસ્થિતિ શું થઈ હશે એની દરકાર કોઈએ કરી નહીં. Humour ને bullying/trolling વચ્ચે બહુ મોટો ફરક છે એ કદાચ એમને ખ્યાલ નહીં આવ્યો હોય ને જે મારી સાથે થયું એ bullying હતું એવી સાદી સમજ રહી નહીં આ દરમ્યાન કોઈને. Corona pandemic તો જતો રહેશે પણ આ negative pandemicનું શું ?? આ અઠવાડિયા માટે સોશિયલ મીડીયા પરથી બ્રેક લીધો પછી બે જ સત્ય સામે આવ્યા છે. ૧) આવા લોકોએ પોતાની સારવાર કરાવવાની જરૂર છે, પોતાનામાં રહેલી નકારાત્મકતા દૂર કરવાની જરૂર છે અને ૨) આ દરમ્યાન મારી પડખે રહેલા લોકો અને તમે, મારા ચાહકો, હું તમારો મલ્હાર છું અને હંમેશા રહીશ...
ADVERTISEMENT
- તમારો મલ્હાર ઠાકર'
મલ્હાર ઠાકરની આ પોસ્ટ બાદ અભિનેત્રી આરોહી પટેલ, નેત્રી ત્રિવેદી, ગાયક જીગરદાન ગઢવી સહિતના સેલેબ્ઝના તેના સપોર્ટમાં આવ્યા હતા અને કહ્યું હતું કે, અમે તારી સાથે છીએ.
કોરોના વાયરસ મહામારીને લીધે લાદવામાં આવેલા લૉકડાઉન દરમ્યાન મલ્હાર ઠાકરે અનેક જરૂરિયાતમંદોની મદદ કરી હતી. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના દૈનિક વેતન કામદારો, પીએમ કૅર્સ ફન્ડ, રસ્તા પરના શ્વાનને ભોજન પુરુ પાડવું જેવા અનેક સેવાકાર્યો કરીને દેશ પ્રત્યેની પોતાની ફરજ પુરી કરી હતી. આ બાબતની જાહેરાત અભિનેતાએ સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા કરી હતી. એટલે એવી અટકળો બાંધી શકાય કે, દાન કરવાની વાતને અભિનેતાએ સોશ્યલ મીડિયા પર જાહેર કરી એટલે તેને ટ્રોલિંગનો ભોગ બનાવવામાં આવ્યો હતો.