મ્યુઝિક મનને ચોક્કસ ગમશે : માનસી પારેખનો પર્ફેક્ટ અભિનય : શર્મન જોશી અપેક્ષાની રેખા પાર ન કરી શક્યા
Film Review
‘કોન્ગ્રેચ્યુલેશન્સ’નું પોસ્ટર
ફિલ્મ : કોન્ગ્રેચ્યુલેશન્સ
કાસ્ટ : શર્મન જોશી, માનસી પારેખ, જયેશ બારભાયા, અમી ભાયાણી, અર્ચન ત્રિવેદી, સ્વાતિ દવે, મનીષ વૈધ
ADVERTISEMENT
લેખક : રેહાન ચૌધરી
દિગ્દર્શક : રેહાન ચૌધરી
રેટિંગ : ૨/૫
પ્લસ પોઇન્ટ : પ્લૉટ, મ્યુઝિક, કૉમિક ટાઇમિંગ
માઇનસ પોઇન્ટ : સ્ક્રિનપ્લે, ડાયલૉગ, ભાષા
ફિલ્મની વાર્તા
આદિત્ય (શર્મન જોશી) અને રાગિણી (માનસી પારેખ) લગ્ન પછી પરિવાર બનાવવાનું નક્કી કરે છે. બન્નેને બાળક જોઈતું હોય છે. પરંતુ રાગિણીની કસુવાવડ થાય છે. આદિત્યની ભૂલને કારણે રાગિણીનો એક્સિડન્ટ થાય છે અને રાગિણીનું બાળક મૃત જન્મે છે. પછી તે ગર્ભ ધારણ નથી કરી શકતી. ત્યારે તેમની મુલાકાત વૈજ્ઞાનિક ડૉક્ટર કાર્તિક (જયેશ બારભાયા) સાથે થાય છે. જે તેમને લેબમાં વિકસિત યુટર્સ દ્વારા પ્રેગનેન્સીનો ઉપાય જણાવે છે. પરંતુ રાગિણીની અસ્વસ્થતાને કારણે તે પણ શક્ય ન હોવાથી આદિત્ય આ સર્જરી પોતાના પર કરાવવાનું નક્કી કરે છે. પછી તે ગર્ભધારણ કરે છે. ત્યારે ઘરના સભ્યો સહિત સમાજ આદિત્યના આ નિર્ણયને વખોડે છે. પરંતુ આદિત્ય એ બાબત સાબિત કરવા માંગે છે કે, તેને પોતાની પત્ની માટે આ પગલું ભર્યું છે અને માતૃત્તવને લિંગ સાથે કોઈ લેવાદેવા નથી.
પરફોર્મન્સ
ફિલ્મમાં મિડલ ક્લાસ ઘરની વહુ જે કારકિર્દીની સાથે પરિવારને પણ ઝંખે છે. આ પાત્રમાં માનસી પારેખે સુંદર અભિનય કર્યો છે. તેના ઈમોશન દરેક સ્ત્રીના મનની વાત કહી જતા હોય તેવું લાગે છે.
પિતા (આમ તો માતા) બનવા જઈ રહેલા બોલિવૂડ સ્ટાર શર્મન જોશી પાસેથી ગુજરાતી પ્રેક્ષકોને વધુ અપેક્ષા હોય પણ તેઓ આ અપેક્ષાની રેખા સુધી પણ પહોંચી શક્યા નથી. તેમની ગુજરાતી ભાષામાં પણ કચાશ જોવા મળે છે. પણ હા, પ્રેગનેન્સી દરમિયાન તેમના ઈમોશન્સ નિખરી આવે છે.
ફિલ્મમાં હજી એક કલાકારના વખાણ કરવા પડે તે છે, જયેશ બારભાયા. તેમણે ડૉક્ટર કાર્તિકનું પાત્ર ભજવ્યું છે. જે એક વૈજ્ઞાનિક છે અને શર્મનની પુરુષ પ્રેગનેન્સીની સર્જરી કરે છે.
તે સિવાય શર્મનના પિતાની ભૂમિકામાં સિનિયર અભિનેતા અર્ચન ત્રિવેદી તેમના કૉમિક ટાઇમિંગને કારણે સ્ક્રિન પર દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યાં છે.
આ પણ વાંચો - ‘ભગવાન બચાવે’ Review : ‘લાલચ બુરી બલા હૈ’ને રસપ્રદ રીતે રજૂ કરતી ફિલ્મ
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મનું લેખન અને દિગ્દર્શન રેહાન ચૌધરીએ કર્યું છે. ફિલ્મનો પ્લોટ સારો છે પરંતુ લખાણમાં ક્યાંક કચાશ દેખાય છે. અમુક સીનમાં જ્યાં શરુઆતમાં સમય આપવાની જરુર હતી ત્યાં ડેવલપ કરવા માટે ઓછો સમય અપાયો છે. પરંતુ બીજા હાફમાં ઈમોશનલ સીન માટે પુરતો સમય આપતા ને નિખરી આવ્યા છે. બાકી ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારના કનસેપ્ટ પર ફિલ્મ લેખક-દિગ્દર્શક અને પ્રોડ્યુસરને શાબાશી આપી શકાય.
દિગ્દર્શનની વાત કરીએ તો ડેલી સોપ જેવી ઈમોશનલ ડ્રામા ફિલ્મ ટ્રેલર પરથી જ સમજાય જાય છે. ફિલ્મમાં વૈજ્ઞાનિકોએ જેમ પુરુષ પ્રેગનેન્સી સાથે પ્રયોગ કર્યો છે તેમ દિગ્દર્શનમાં કંઈ નવો પ્રયોગ જોવા નથી મળ્યો.
ફિલ્મમાં એક નબળું પાસું કહી શકાય તે હતું ગુજરાતી ભાષા. મુખ્ય કલાકારોથી માંડીને બધા જ સર્પોટિવ કલાકારોનું ગુજરાતી ભાષા પરની પકડ બહુ જ ઢીલી છે.
મ્યુઝિક
ફિલ્મમાં સંગીત અને બૅકગ્રાઉન્ડ સ્કૉર કેદાર અને ભાર્ગવના છે. ફિલ્મમાં હાલરડાં સહિત ત્રણ ગીતો છે. દરેક ગીત ઈમોશનલી દિલને સપર્શી જાય તેવું છે. ગીતકાર ભાર્ગવ પુરોહિત છે.
આ પણ વાંચો - ‘કચ્છ એક્સપ્રેસ’નો શો થશે મૂક બધિરો માટે, જાણો મેકર્સ આ માટે શું કરી રહ્યા છે
ફિલ્મ જોવી કે નહીં?
આમ તો ફિલ્મની વાર્તા ટ્રેલર પરથી સમજાય જાય છે. પરંતુ ગુજરાતી ભાષામાં અનોખો પ્લોટ જોવો હોય તો એકવાર થિયેટરના પગથિયાં ચોક્કસ ચડવા જોઈએ.