ચલ મન જીતવા જઈએ - 1ની શાનદાર સફળતા બાદ દર્શકો બીજો ભાગ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે
ફાઇલ તસવીર
ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ-2’ (Chal Man Jeetva Jaiye 2)નું ટૂંક સમયમાં જ વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. શેમારૂમી (ShemarooMe) દ્વારા તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના દર્શકોની વચ્ચે એક ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં દર્શકો કઈ ફિલ્મ જોવા ઈચ્છે છે તે પૂછવામાં આવ્યું હતું. આ સર્વેમાં સૌથી વધુ ડિમાન્ડ ‘ચલ મન જીતવા જઈએ-2’ની આવી હતી. હવે એપ પોતાના દર્શકોની ઈચ્છા પૂરી કરવા માટે આ ખાસ ફિલ્મને પબ્લિક ડિમાન્ડ પર રજૂ કરી રહ્યું છે.
મન અને મસ્તિષ્ક વચ્ચેનો સંઘર્ષ દર્શાવતી ‘ચલ મન જીતવા જઈએ’ ફિલ્મની સિરીઝે દર્શકોના મન પર ઊંડી છાપ છોડી છે. ફિલ્મની પ્રિક્વલનો મૂળ વિચાર સત્ય શોધીને, સત્યનું અનુકરણ કરવાનો હતો, જ્યારે સિક્વલમાં મનોબળ અને આત્મવિશ્વાસની વાત કરવામાં આવી છે. આ સિક્વલમાં એવા પાત્રોની કથા છે, જે પોતાની આંતરિક શક્તિને જાણે છે અને આત્મવિશ્વાસ તેમ જ દ્રઢ મનોબળથી આગળ વધે છે.
ADVERTISEMENT
ફિલ્મના બીજા ભાગમાં મુખ્ય પાત્રોના પરિવારના બાળકોને ટ્રેઝર હન્ટ રમતા દર્શાવાયા છે, જે દરમિયાન તેઓ પોતાની જાતને શોધે છે, પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળીને વિજેતા બને છે. આ જ કારણે આ ફિલ્મ બોક્સઓફિસ પર પણ સફળ સાબિત થઈ છે.
દિપેશ શાહ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ 2’માં ધર્મન્દ્ર ગોહિલ, રાજીવ મહેતા, કૃષ્ણા ભારદ્વાજ, હેમેન ચૌહાણ, હર્ષ ખુરાના, સુચેતા ત્રિવેદી, શીતલ પંડ્યા અને અનાહિતા જહાંબક્ષ જેવા ખમતીધર કલાકારો જોવા મળશે. કલાકારોના દમદાર અભિનય દ્વારા આ ફિલ્મ વધુ અસરકારક બની છે.
આ પણ વાંચો: શીતલ પંડ્યા માટે કેમ ખાસ છે ચલ મન જીતવા જઈએ? અભિનેત્રીએ કર્યો ખુલાસો
ફિલ્મના OTT પ્રીમિયર માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં, દિગ્દર્શક દિપેશ શાહે કહ્યું કે, “અમે શેમારૂમી પર ‘ચલ મન જીતવા જઈએ – 2’ના ભવ્ય OTT પ્રીમિયરને લઈને રોમાંચિત છીએ. પહેલી ફિલ્મની નોંધપાત્ર સફળતા બાદ દર્શકોએ ઉમળકાભેર વધાવેલી આ ફિલ્મને અમે એક ફ્રેન્ચાઈઝી બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મ મારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે આ ફિલ્મ એક વાર્તા કરતા કંઈક વધારે છે. આ દરેક વ્યક્તિના અડગ મનોબળને, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સપના પૂરી કરવાની નિશ્યાત્મકતાને દર્શાવે છે. આ માસ્ટરપીસ તૈયાર કરવામાં કલાકારો અને ક્રૂએ સખત મહેનત કરી છે અને મને આનંદ છે કે તે હવે 25મી મેથી શેમારૂમી દ્વારા વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચશે.”