Kaashi Raaghav Casting Director Avani Soni: આ ફિલ્મમાં લીડ અભિનેત્રી દીક્ષા જોષીની દીકરીનું પાત્ર જે બાળકીએ ભજવ્યું છે તે માટે 52 બાળકોનું ઑડિશન લેવામાં આવ્યું હતું જેમાંથી અમદાવાદથી સાત વર્ષની ખૂબ જ ટેલેન્ટેડ પિયુશ્રી ગઢવીને પસંદ કરવામાં આવી.
કાશી રાઘવ ફિલ્મનું પોસ્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોની
કી હાઇલાઇટ્સ
- ત્રીજી જાન્યુઆરીએ ‘કાશી રાઘવ’ ફિલ્મ રિલીઝ થશે
- ફિલ્મમાં ગુજરાતી સાથે બંગાળી કલાકારો પણ જોવા મળશે
- ‘કાશી રાઘવ’માં દીક્ષા જોષી લીડ રોલમાં જોવા મળવાની છે.
ફિલ્મો હોય કે પછી ટીવી સિરિયલો તેની સારી સ્ટોરી અને સારા પાત્રો લોકોને ખૂબ જ ગમી જતાં તે પ્રખ્યાત બની જાય છે. સિરિયલ હોય કે પછી આપણી મનપસંદ ગુજરાતી ફિલ્મ તેના અનેક પાત્રો આપણાં મનમાં વસી જાય છે. જોકે આ પાત્રો ભજવવા માટે એકદમ પરફેક્ટ ઍક્ટર્સની પસંદગી કરવી તે ખૂબ મહત્ત્વનું અને મુશ્કેલ કામ હોય છે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ (Casting Director Avani Soni) સાથે છે અવની સોની જે 2011માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જોડાયા આજે તેઓ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. અવની સોનીએ આગામી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘કાશી રાઘવ’માં પણ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામગીરી બજવી છે. તો ચાલો જાણીએ અવની સોની અને તેમના કામ બાબતે.
પોતાની જર્ની વિશે જણાવતાં અવની સોની કહે છે કે “કરિયરની શરૂઆતમાં ગુજરાતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Casting Director Avani Soni) કામ કરવા માટે ખૂબ જ ઓછી તકો મળતી હતી અને મને મુંબઈથી ઘણી ઑફર્સ મળી હતી.” એકતા કપૂરની ટીવી સિરિયલો હોય કે પછી સીઆઇડી જેવા ખૂબ જ પ્રખ્યાત શો અવની સોનીએ તેમાં ઍક્ટર્સની કાસ્ટિંગ કરી છે. કરિયરની પહેલી ફિલ્મ બાબતે અવનીએ જણાવ્યું કે “2016માં મને પહેલી વખત ફિલ્મમાં એક કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરવાની તક મળી. આ ફિલ્મ હતી ‘તંબૂરો’ જેનાથી મેં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું.” અવની સોનીએ લવ ની લવ સ્ટોરીઝ, બચુભાઈ, તંબુરો અને છૂટી જશે છક્કા સહીત અનેક નોંધપાત્ર ફિલ્મોમાં કસ્ટિંગ કર્યું છે.
ADVERTISEMENT
અવની સોનીએ (Casting Director Avani Soni) કાસ્ટિંગ ડિરેક્ટરના તેમના કામ બાબતે પોતાનો મત જણાવતા કહ્યું “પરફેક્ટ કાસ્ટની પસંદ કરવાની પ્રક્રિયાનો ફિલ્મને યુનિક બનાવવામાં 51 ટકા ફાળો હોય છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયા તે પહેલા જ આ માટે કામ શરૂ થાય છે. હું મારા કામ પહેલા આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખું છું. સૌથી પહેલું મને ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચવા મળે, તે બાદ ફિલ્મના ડિરેક્ટર પાસેથી ફિલ્મની વાર્તાનું વર્ણન જાણવા મળે અને છેલ્લે સ્ક્રીપ્ટને ફરીથી સરખી રીતે સમજીને ફિલ્મમાં કેવા પ્રકારના પત્રોની જરૂર છે તે આખી ટીમ સાથે સમજીને હું ફિલ્મની કાસ્ટિંગ કરું છું.”
View this post on Instagram
ત્રીજી જાન્યુઆરીએ દિક્ષા જોષી સ્ટારર (Casting Director Avani Soni) ગુજરાતી ફિલ્મ ‘કાશી રાઘવ’ રિલીઝ થવા જઈ રહી છે જેનું કાસ્ટિંગ પણ અવની સોનીએ કર્યું છે. ફિલ્મ બાબતે તેઓ કહે છે કે “કાશી રાઘવ આ ફિલ્મ મારી માટે એકદમ ખાસ છે. આ ફિલ્મની વાર્તા સમાજમાં થતી ઘણી બાબતોથી પ્રેરણા લઈને લખાઈ છે અને તેની સ્ટોરી જાણીને મને તેમાં કામ કરવું જ છે એ એવું મેં નક્કી કર્યું.” આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ બંગાળમાં થયું છે જેથી ગુજરાતી સાથે બંગાળી ઍક્ટર્સને પણ કાસ્ટ કરવાનું ચેલેન્જ અવની સોની સામે હતું. આ ફિલ્મ માટે કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ અને ગુજરાતથી કલાકારો શોધવામાં આવ્યા છે. આ ફિલ્મમાં લીડ અભિનેત્રી દીક્ષા જોષીની દીકરીનું પાત્ર જે બાળકીએ ભજવ્યું છે તે માટે 52 બાળ કલાકારોનું ઑડિશન લેવામાં આવ્યું હતું જેમાંથી અમદાવાદથી સાત વર્ષની ખૂબ જ ટેલેન્ટેડ પિયુશ્રી ગઢવીને રોલ પ્લે કરવા માટે પસંદ કરવામાં આવી. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મમાં દીક્ષા જોષી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે અને આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. "કાશી રાઘવ" ફિલ્મમાં દીક્ષા જોશી "પ્રોસ્ટિટ્યૂટ"ની ભૂમિકા ભજવી રહી છે.
ફિલ્મ બાબતે અવની સોની કહે છે કે “કાશી રાઘવને (Casting Director Avani Soni)બનાવવામાં લાગેલી આઠ વર્ષની રિસર્ચ અને મહેનત ત્રીજી જાન્યુઆરી 2025ના રોજ સફળ થવા જઈ રહી છે. આ ફિલ્મને નવા વર્ષમાં લોકોનો ભરપૂર પ્રેમ મળશે.” કરિયરના આગામી તબક્કામાં શું કરશે તે અંગે અવનીએ કહ્યું “ગુજરાતી ફિલ્મોને હું પ્રાથમિકતા આપીશ. ગુજરાતમાં એટલા ઉત્તમ કલાકારો છે અને નવા કલાકારો ઘડાઈ રહ્યા છે, પરંતુ તેમને ઓછી તકો મળી રહી છે. જેથી આવા કલાકારોને સારું પ્લેટફોર્મ માટે તે માટે હું કામ કરું છું.” આ સાથે અવની સોની 2025 માં વધુ ત્રણ પ્રોજેક્ટ્સ સાથે પણ જોડાયા છે.