ટાર્ગેટ પુરા કરવાના અને વધુ મેળવવાના ચક્કરમાં ક્યારે તમારે તમારી જાતને ટકોર કરવી જોઈએ એ સજાગતા સમાજમાં આવવી જરુરી છે તેવો સંદેશ આપે છે ફિલ્મ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ફિલ્મ : ભગવાન બચાવે
કાસ્ટ : જીનલ બેલાણી, ભૌમિક સંપટ, મુની ઝા, ભાવિની જાની, પ્રેમ ગઢવી, હેમાંગ દવે, મેહુલ બુચ, અનુરાગ પ્રપન્ન, વૈશાખ રતનબેન
ADVERTISEMENT
લેખક : જીનલ બેલાણી
ડિરેક્ટર : જીનલ બેલાણી, ભૌમિક સંપટ
પ્રોડયુસર : જીનલ બેલાણી, ભૌમિક સંપટ
રેટિંગ : ૩.૫/૫
પ્લસ પોઇન્ટ : કૉમિક ટાઇમિંગ, કનસેપ્ટ
માઇનસ પોઇન્ટ : ફિલ્મની લંબાઈ
ફિલ્મની વાર્તા
લોન અને ક્રેડિટ કાર્ડના ચક્કરમાં એક શ્રીમંત રવિરાજ જોશી (અનુરાગ પ્રપન્ન)નો જુવાન દીકરો આત્મહત્યા કરે છે. તેનો બદલો લેવા માટે તે ક્રેડિટ કાર્ડ વેચતી મંજરી અંતાણી (જીનલ બેલાણી), રિકવરી એજન્ટ જતિન દેસાઈ (ભૌમિક સંપટ) અને બેન્ક મેનેજર ઘનશ્યામ પટેલ (મુની જા)ને એક નાટકમાં ફસાવે છે. આ ત્રણેય મધ્યમવર્ગીય વ્યક્તિને શ્રીમંત વ્યક્તિના કરોડો રુપિયાના વારસાદ હોવાની વાત ખબર પડે છે. પછી આ ત્રિપુટી શ્રીમંતો જેવું જીવન જીવવા લાગે છે. પણ આ જીવન ક્ષણિક હોય છે. આ શ્રીમંતાઈ તેમના માટે ટેન્શન બની જાય છે જ્યારે તેમને ખબર પડે છે કે, એ શ્રીમંત વારસદારે નાણાં ધીરનાર (પ્રેમ ગઢવી) પાસેથી લીધેલા નાણાના બદલામાં આઠ કરોડ ભરવાના છે. તે સિવાય સબ-ઇન્સ્પેક્ટર જાડેજા (વૈશાખ રતનબેન) પાસેથી ૬૫ લાખ રુપિયા ક્રેડિટ પર લીધા હોય છે તે બધા પાછા કરવાના છે. નાટકમાં વકીલ (મેહુલ બુચ) પણ તેમની મદદ કરે છે. આ દરમિયાન આ ત્રિપુટીની પરિસ્થિતિ એવી થાય છે કે, ભગવાન જ તેમને બચાવી શકે. આ દરમિયાન તેમને પણ શીખ મળે છે કે લોન જોઈએ તો જ લેવી, ક્રેડિટ કાર્ડનો વપરાશ વણજોઈતો ન કરવો વગેરે સંદેશ ફિલ્મ આપે છે.
પરફોર્મન્સ
એક આળસુ છોકરીના પાત્રમાં જીનલ બેલાણી ચુલબુલી ભૂમિકામાં જોવા મળે છે. જે ઘરેથી લગ્નના દિવસે ભાગીને આઝાદીની જિંદગી જીવવા આવે છે. બેન્કમાં દર મહિને સૌથી વધુ ક્રેડિટ કાર્ડ વેચવાનો રેકોર્ડ ધરાવતી મંજરી એટલી આળસુ છે કે પેન લેવાનો પણ કંટાળો આવે. પણ પૈસાની વાત આવે ત્યારે તેનું મગજ સૌથી વધુ એક્ટિવ થઈ જાય છે.
મમ્મી (ભાવિની જાની)નો લાડકો દિકરો ભૌમિક સંપટ બેન્કમાં કામ કરવાનું નાટક કરે છે પણ હકીકતમાં તે બેન્કનો રિકવરિ એજન્ટ છે. ગુસ્સો, ટપોરિગીરી, માતા પ્રત્યેનો પ્રેમ, દુઃખ દરેક ઈમોશન્સને સારી રીતે ભજવ્યા છે. પરંતુ ક્યાંક ગુજરાતીમાં થોડીક કચાશ લાગે છે.
બ્રાન્ચ મેનેજરના પાત્રમાં કાકા મુની ઝા એક વડીલ તરીકે દરેક જવાબદારી સુપેરે નિભાવે છે. કૉમિક ટાઇમિંગમાં તેમની માસ્ટરી છે.
આખી ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રનો અભિનય બહુ સાહજિક છે. એક પણ ક્ષણ માટે તેઓ પાત્રને છોડતા નથી. તેમને જોવાની મજા જ પડે છે.
સાથે જ નાણા ધિરનારના પાત્રમાં પ્રેમ ગઢવીની ગુંડાગીરી જોવાની મજા આવે છે. તો વૈશાખ રતનબેન એક લાલચી ઇન્સ્ટપેક્ટરના પાત્રમાં જીવ રેડી દે છે. માતાના પાત્રમાં ભાવિની જાનીને જોવાની મજા પડી જાય છે. તદઉપરાંત ઓજસ રાવલ અને રૌનક કામદાર મહેમાન ભૂમિકામાં છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મનું લેખન જીનલ બેલાણીએ કર્યું છે. વાર્તા અને સ્ટોરી લાઈન સારી છે. પરંતુ ફિલ્મ સહેજ લાંબી લાગે છે. જોકે, લેખક તરીકે જીનલ બેલાણીની આવડતને બે ને બદલે પાંચ ક્રેડિટ કાર્ડનું ક્રેડિટ તો મળવું જ જોઈએ. ફ્લિમની વાર્તા માત્ર કૉમેડી સુધી સિમિત ન રાખતા જીવનની સચ્ચાઈ અને દુનિયાની રીતથી અવગત કરાવ્યા છે.
દિગ્દર્શનની જવાબદારી પણ જીનલ બેલાણી અને ભૌમિક સંપટે નિભાવી છે. ફિલ્મ એક સરળ વાર્તાની જેમ ચાલે છે. ફિલ્મમાં અમુક સીનને જરુર કરતા વધારે સમય આપ્યો છે જેથી તે લાંબી લાગે છે. સેકેન્ડ હાફમાં અમુક બાબતો જે કહેવા માંગે છે તે પાત્રોના અભિનયને કારણે સમજાઈ જાય છે. એટલે લંબાઈ થોડીક વધારે લાગે છે.
મ્યુઝિક
આ ફિલ્મમાં જીનલ બેલાણી અત્ર-તત્ર-સર્વત્ર છે. ફિલ્મનું ટાઇટલ ગીતના શબ્દો જીનલે લખ્યા છે અને ગીત દિવ્યકુમારે ગાયુ છે. ફિલ્મમાં ‘કોને ખબર’ ગીત સહુને ઈમોશનલ કરી જાય છે. આ ગીત સોનુ નિગમે ગાયુ છે અને શબ્દો મિલિંગ ગઢવીના છે. આ ગીતોને મ્યુઝિક ભાવેશ શાહે આપ્યું છે. ઈમોશનલ ગીત સિવાય બીજા એકેય ગીત મન પર છાપ છોડવામાં એટલા સફળ રહ્યાં નથી.
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક દરેક સીનમાં સુર પુરાવે છે.
ફિલ્મ જોવી કે નહીં?
જીનલ બેલાણી ત્રેવડી ભૂમિકામાં કેટલા પાર ઉતર્યા છે તે જોવા ચોક્કસ થિયેટરમાં ફિલ્મ જોવી જોઈએ.