સંદીપ પટેલે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ ‘લવ સ્ટૉરી’ના બાદશાહ છે : મલ્હાર ઠાકર અને આરોહી પટેલની ક્યૂટ કૅમેસ્ટ્રી કરશે દિવાના
Film Review
‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું પોસ્ટર
ફિલ્મ : ઓમ મંગલમ્ સિંગલમ્
કાસ્ટ : મલ્હાર ઠાકર, આરોહી પટેલ, તત્સત મુનશી, ભામિની ઓઝા ગાંધી, દર્શન જરીવાલા, આરતી પટેલ, દેવાંગી, નિસર્ગ ત્રિવેદી, સંજય ગલસર
ADVERTISEMENT
લેખક : મીતાઈ શુક્લ, નેહલ બક્ષી
ડિરેક્ટર : સંદીપ પટેલ
રેટિંગ : ૪/૫
પ્લસ પોઇન્ટ : સ્ટૉરી લાઇન, મ્યુઝિક, ડિરેક્શન, કૉમિક ટાઇમિંગ
માઇનસ પોઇન્ટ : ફિલ્મની લંબાઈ
ફિલ્મની વાર્તા
ફિલ્મની વાર્તા સિધ્ધાર્થ (મલ્હાર ઠાકર) અને વાણી વ્યાસ (આરોહી પટેલ)ની શાળા સમયની દોસ્તી જે ધીમે-ધીમે પ્રેમ અને એક મેચ્યોર રિલેશનશિપમાં ફેરવાય છે તેની આસપાસ ફરે છે. પાંચમા ધોરણથી શરુ થયેલી દોસ્તી અને રિલેશનશિપના બાર વર્ષ પછી તેઓ ઘરમાં વાત કરીને લગ્ન કરવાનું નક્કી કરે છે અને ત્યારે સિધ્ધાર્થને એવો અહેસાસ થાય છે કે તે ક્યારેય સિંગલ લાઈફ જીવ્યો જ નથી. સિદ્ધુ અને વાણી બે વ્યક્તિ તરીકે નહીં પણ એક જીવ તરીકે જીવન જીવ્યાં છે. સિંગલ લોકોની લાઇફ કેવી હોય તેનો સિદ્ધાર્થ અને વાણીને અનુભવ કરવો છે. એટલે તેઓ રિલેશનશિપ પર પૉઝ મુકીને સિંગલ તરીકે જીવનમાં આગળ વધવાનું નક્કી કરે છે. બસ એ પછી સિદ્ધુના જીવનમાં ઈવેન્ટ પ્લાનર ઈશિતા (ભામિની ઓઝા ગાંધી)ની અને વાણીના જીવનમાં અમદાવાદના ફેમસ કોરિયોગ્રાફર મેક્સ (તત્સત મુનશી)ની એન્ટ્રી થાય છે પછી બન્નેનું જીવન પૉઝ થાય છે કે રિવાઇન્ડ થાય છે તે જોવા જેવું છે.
આ પણ વાંચો – ઓમ મંગલમ્ સિંગલમ્ : અમદાવાદના રસ્તાઓ પર આરોહીએ કર્યો ‘લટકો’
પરફોર્મન્સ
સિદ્ધાર્થ તરીકે મલ્હાર તેના ઓરિજનલ અવતારમાં એટલે કે અમદાવાદી યુવાનની ભૂમિકા સુપેરે નિભાવે છે. પપ્પાની ફૅક્ટરીએ જઈને બેસવાને બદલે સોશ્યલ મીડિયા મેનેજર તરીકે કામ કરતા સિદ્ધાર્થનો અભિનય મજાનો છે. ફિલ્મની શરુઆતથી અંત સુધી આઉટ એન્ડ આઉટ અમદાવાદી યુવકના પાત્રમાં મલ્હારના સંવાદો સાંભળવાની, એક્સપ્રેશન જોવાની અને કૉમિક ટાઇમિંગ માણવાની બહુ મજા આવશે.
ફિલ્મમાં વાણીના પિતા પ્રોફેસર વ્યાસનું પાત્ર ભજવતા અભિનેતા દર્શન જરીવાલા સાથે મલ્હારના જેટલા પણ સીન છે તે જોવાની ખરેખર બહુ મજા પડે છે. બન્ને વચ્ચેના એક્શન-રિએક્શનના અને કૉમિક ટાઇમિંગ બહુ જબરજસ્ત છે. એ જ રીતે મલ્હારના તેના પિતાની ભૂમિકા ભજવતા અભિનેતા નિર્સગ ત્રિવેદી સાથેના સીન જોવાનો પણ જલસો પડી જાય છે. પિતાથી ડરતો પણ સાથે ખભે-ખભો મિલાવીને રહેતો મલ્હાર ફિલ્મમાં કૉમિક ટાઇમિંગને કારણે મજા કરાવી જાય છે.
પિતાની લાડકી દીકરી તરીકે વાણી વ્યાસ એટલે કે આરોહીમાં ડાન્સનો ગજબ ટેલેન્ટ છે. પિતાને ડબલ ગ્રેજ્યુએટ દીકરી માટે મોટા સપનાં છે તો દીકરી ગ્રેજ્યુએટ બૉયફ્રેન્ડ માટે પોતાના પપ્પાને કેવી રીતે મનાવે છે એ આખી ઘટના જોવાના જલસા પડે છે. આ ફિલ્મમાં આરોહીએ સાબિત કર્યું છે કે પોતે એક અચ્છી ડાન્સર પણ છે. ગર્લ નેક્સ્ટ ડૉરના બધા જ લક્ષણ આરોહીએ સરસ રીતે પડદે ઉતાર્યા છે.
બેસ્ટફ્રેન્ડ તરીકે હોય કે કપલ તરીકે ફિલ્મમાં આરોહી અને મ્લહારની કૅમેસ્ટ્રી બહુ જ ક્યૂટ છે.
મેક્સનું પાત્ર ભજવતો તત્સત મુનશી આ ફિલ્મ દ્વારા ઢોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. કોરિયોગ્રાફરના પાત્રમાં મેક્સની પર્સનાલિટી જોરદાર પડે છે. અભિનય પણ ગમી જાય તેવો છે.
એક નોન-ઈમોશનલ અને સમય સાથે ચાલતી ઇવેન્ટ પ્લાનરની ભૂમિકાને ભામિનિ ઓઝા ગાંધીએ ન્યાય આપ્યો છે.
ફિલ્મના પ્રોડ્યુસર અને અભિનેત્રી આરતી પટેલ મલ્હારની મમ્મીના રોલમાં એકદમ નેચરલ લાગે છે અને એમના દીકરા સાથેની વાતચીતના રિસ્પોન્સિઝ સહજ અને વાસ્તવિકતાની નજીક વર્તાય છે.
અભિનેતા સંજય ગલસરે મલ્હારના મિત્ર તરીકે નાની પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મના લેખક મીતાઈ શુક્લ અને નેહલ બક્ષી છે. સ્કુલ ટાઇમથી શરુ થયેલી લવ સ્ટૉરીને યુવાવસ્થામાં પહોંચવા સુધી બહુ સરસ રીતે લઈ જવામાં આવી છે. આજની મોર્ડન જનરેશનમાં પ્રેમની સાથે પોતાનું કેટલું મહત્વ છે તે બાબત યોગ્ય રીતે દર્શાવી છે. જોકે, સેકેન્ડ હાફમાં વાર્તા થોડીક લાંબી લાગે છે. પણ ઑવરઑલ ઇમોશન્સને અને આજની પેઢીના ગુંચવાડાઓને એક નવો વળાંક આપ્યો છે જે પ્રશંસનીય છે.
દિગ્દર્શક સંદીપ પટેલે ચોક્સાઇ અને ચીવટથી કરેલું કામ સ્ક્રીન પર જોઈ શકાય છે. લવ સ્ટૉરીને થિયેટર સુધી લઈ જવામાં તેઓ કેટલા પાવરધા છે તે ફરી એકવાર પુરવાર થઈ જાય છે. ગુજરાતી ફિલ્મમાં લૉકેશન કેવી રીતે એક્સપ્લોર થાય છે તે આ ફિલ્મમાં જાણી શકાય છે. પોળોના જંગલો હવે લગ્ન માટે ડેસ્ટિનેશન બને તો નવાઇ નહીં.
આ પણ જુઓ – ગુજરાતી મિડ-ડેની ઑફિસમાં આરોહી પટેલના બર્થ-ડેનું સેલિબ્રેશન, જુઓ તસવીરો
મ્યુઝિક
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે ગીતો બધું જ ઉત્તમ છે. ફિલ્મમાં મ્યુઝિક સચિન-જીગરનું છે અને શબ્દો નિરેન ભટ્ટના છે. ‘સહિયર’ હોય કે ‘ખુણેથી ખુણેથી’ બન્ને ગીત તમને ઈમોશનલ કરી દે છે. તો ‘લટકો’ સાંભળીને તમને ચોક્કસ લટકા-મટકા કરવાની ઈચ્છા થશે જે. ફિલ્મનું ગીત ‘સાંવરિયા’ પણ કાનમાં ગૂંજ્યા કરશે.
ફિલ્મ જોવી કે નહીં?
આ ફિલ્મ થિયેટરમાં જોવાના અનેક કારણો છે.. મલ્હાર-આરોહીની કૅમેસ્ટ્રી હોય કે સંદીપ પટેલનું દિગ્દર્શન કે પછી સચિન-જીગરનું સંગીત – તમામનો મોટા પડદા પર અનુભવ કરવા માટે ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ જોવી જ પડે.