‘લવની ભવાઈ’ની આરોહી પટેલના બૉલીવુડમાં આવવાના કોઈ પ્લાન નથી. તેણે બાળ કલાકાર તરીકે ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’માં કામ કર્યું હતું.
આરોહી પટેલ
‘લવની ભવાઈ’ની આરોહી પટેલના બૉલીવુડમાં આવવાના કોઈ પ્લાન નથી. તેણે બાળ કલાકાર તરીકે ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’માં કામ કર્યું હતું. ગયા વર્ષે તેની ‘ઓમ મંગલમ સિંગલમ’ રિલીઝ થઈ હતી. તે ‘પ્રેમજી : રાઇઝ ઑફ અ વૉરિયર’ દ્વારા ખૂબ ફેમસ થઈ હતી. આરોહી એક ઍક્ટરની સાથે જ પ્રોડ્યુસર અને વિડિયો એડિટર પણ છે. તે આઠ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ પ્રોડ્યુસર જોડી સંદીપ અને આરતી પટેલની તે દીકરી છે. ‘લવની ભવાઈ’ આરોહીના પિતાએ બનાવી હતી. એ ફિલ્મ વિશે આરોહીએ કહ્યું કે ‘મારે મારા પિતાની ફિલ્મ ‘લવની ભવાઈ’માં લીડ ઍક્ટ્રેસનો રોલ નહોતો કરવો. એ વિશે કદી પણ નહોતું વિચાર્યું. મારો ઉછેર ફિલ્મના સેટ પર જ થયો હતો. એથી મેં કહ્યું હતું કે મને કાં તો સ્પૉટ બૉયનું કામ આપો કાં તો ઍક્ટ્રેસ બનાવો, પરંતુ મને સેટ પર રહેવા દો. મારે સેટ્સ પર મારા પિતાને અસિસ્ટ કરવા હતા. જોકે છેલ્લી ઘડીએ તેમને કોઈ યોગ્ય ઍક્ટ્રેસ ન મળતાં તેમણે મને પસંદ કરી. શરૂઆતમાં તો તેમને પણ શંકા હતી કે શું હું આ રોલ કરી શકીશ, પરંતુ પહેલો શૉટ આપ્યા બાદ તો તેમને મારા પર ગર્વ થયો. હું ડિરેક્ટર સંદીપ પટેલ અને પ્રોડ્યુસર-ઍક્ટર આરતી પટેલની દીકરી હોવાથી જો હું સારું પર્ફોર્મ કરીશ તો લોકો કહેશે કે તે નક્કી સારું પર્ફોર્મ કરશે, કેમ કે તે આમની દીકરી છે. જો મારો પર્ફોર્મન્સ ખરાબ હશે તો લોકો કહેશે કે આમની દીકરી હોવા છતાં પણ તેણે ખૂબ ખરાબ પર્ફોર્મ કર્યું છે. મને નથી લાગતું કે મને કદી પણ શ્રેય આપવામાં આવશે.’
તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે પણ બૉલીવુડમાં કરીઅર બનાવવાનું વિચારે છે? એનો જવાબ આપતાં આરોહીએ કહ્યું કે ‘મને અમદાવાદ ગમે છે. હું દિલથી ગુજરાતી છું. હું એવી કન્ટેન્ટ ક્રીએટ અને પ્રોડ્યુસ કરવા માગું છું કે જેથી મુંબઈના મેકર્સ ગુજરાત તરફ
તકો મેળવવા માટે આવે. હું અહીં જ રહેવાની છું.’