હની સિંહ પર લગાવવામાં આવેલા આરોપોને તેણે પાયાવિહોણા જણાવ્યા છે
હની સિંહ
હની સિંહ પર લગાવવામાં આવેલા આરોપોને તેણે પાયાવિહોણા જણાવ્યા છે. હાલમાં જ એક ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના માલિક વિવેક રમણે તેના પર અપહરણનો આરોપ મૂકતાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં તેની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો. સાથે જ હની સિંહની ધરપકડ કરવામાં આવે એવી પણ તેણે માગણી કરી હતી. આ બધા આરોપોને ફગાવતાં હની સિંહે ચોખવટ આપી છે. ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને હની સિંહે લખ્યું કે ‘એ ફરિયાદ અને આરોપો ખોટાં અને પાયાવિહોણાં છે. સવારથી જે પ્રકારે મીડિયા દેખાડી રહ્યું છે એવા કોઈ પણ સંબંધો કે ઍગ્રીમેન્ટ મારી કંપની અને એ ફરિયાદી વચ્ચે નથી થયાં. હું ટ્રાઇબવાઇબ નામની પ્રતિષ્ઠિત કંપની કે જે બુક માય શો સાથે જોડાયેલી છે એના મુંબઈના શો માટે સંકળાયેલો છું. મેં એટલો સમય સુધી પર્ફોર્મ કર્યું જેટલાની પરમિશન મળી હતી. બાકી બધા આરોપો તો ખોટા અને મારી ઇમેજને ખરડાવવાના પ્રયાસ છે. મારી લીગલ ટીમ હવે તેમની વિરુદ્ધ માનહાનિનો દાવો માંડવા માટે કામ કરી રહી છે.’