વિનોદ સરવૈયા દ્વારા લેખિત અને કિરણ ભટ્ટ દ્વારા નિર્દેશિત `ખેલ ખેલે ખેલૈયા` નાટકમાં કેતકી દવે દર્શકોને હસાવવા માટે તૈયાર છે.
અભિનેત્રી કેતકી દવે
અ..ર..ર.. શબ્દ જ્યારે કાનમાં પડે ત્યારે એક જ વ્યક્તિ યાદ આવે, અને એ છે સૌની લોકપ્રિય અભિનેત્રી કેતકી દવે. તેમનો હાસ્યાસ્પદ અંદાજ અને જબરદસ્ત એક્ટિંગના સૌ કોઈ દિવાના છે. કોરોના કાળ પહેલા આપણે તેમના કામને નાટકો, સીરિયલ અને ફિલ્મો દ્વારા ખુબ માણ્યું છે. ત્યારે હવે કોરોના બાદ ફરી ઘણાં લાંબા સમય બાદ તે રંગમંચ પર પેટ પકડીને હસાવવા માટે આવી રહ્યાં છે. જી હા, અભિનેત્રી કેતકી દવે આશરે 3 વર્ષ બાદ `ખેલ ખેલે ખેલૈયા` નાટકમાં લાફ્ટરનો તડકો લઈને આવી રહ્યાં છે.
વિનોદ સરવૈયા દ્વારા લેખિત અને કિરણ ભટ્ટ દ્વારા નિર્દેશિત આ નાટકમાં કેતકી દવે દર્શકોના ચહેરા પર સ્માઈલ લાવવા માટે તૈયાર છે. કેતકી દવેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે "રંગમંચ મારા માટે જિંદગી છે. મારો જન્મ જ નાટ્ય કલાકારોના ઘરમાં થયો હોવાથી હું જન્મી ત્યારથી જ આની સાથે સંકળાયેલી છું."
ADVERTISEMENT
અભિનેત્રી કેતકી દવેએ જણાવ્યું હતું કે કોમેડીને અસરકાર બનાવવા માટે સેન્સ ઓફ હ્યુમર ખુબ જ જરૂરી છે. આપણે જિંદગીને એક હ્યુમરસ લેવલ પર જોઈએ ત્યારે આપમેળે એ આપણાં વર્તનમાં આવે છે અને આપણે તેમાં ઢળી જઈએ છીએ. આને કારણે જ્યારે પણ સ્ટેજ પર પર્ફોમ કરીએ ત્યારે દિલથી પર્ફોમન્સ થાય છે. અને જે દિલથી રજૂ થાય એ અવશ્ય દર્શકો સુધી પહોંચે છે.
ખેલ ખેલે ખેલૈયા વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે `ઘણાં વર્ષો પછી મેં કોઈ સ્ક્રિપ્ટ હાથમાં લીધી છે. આ નાટકની વાર્તા મને ખુબ પસંદ આવી અને તેમાં મારો રોલ પણ એક્સાઈટમેન્ટ વાળો લાગ્યો, તેથી હું નાટરમાં જોડાઈ છું. એકદમ ફની કેરેક્ટર હોવાથી હું આ પાત્ર ભજવવા માટે ખુબ આતુર અને ઉત્સાહિત છું.` આ સાથે જ તેમણે ખાતરી આપી કે લોકોને પણ નાટક ચોક્કસ ગમશે.
ઉલ્લખનીય છે કે કેતકી દવે અભિનિત,વિનોદ સરવૈયા દ્વારા લેખિત અને કિરણ ભટ્ટ દ્વારા નિર્દેશિત `ખેલ ખેલે ખેલૈયા` નાટક 10મી જુલાઈએ આવી રહ્યું છે.

