સુરેશ રાજડાઃરંગભૂમિને નવા કલાકારો આપવા નિસ્વાર્થ ભાવે કામ કરે છે કલાક
સંજય ગોરડિયા સાથે સુરેશ રાજડા
સુરેશ રાજડા, આ નામ ગુજરાતી નાટકો, રંગભૂમિના તખ્તા પર અજાણ્યું નથી. જો તમે ગુજરાતી અખબારોમાં નાટકની જાહેરાતો જોતા હશો તો તમે અનેક નાટકોમાં 'સુરેશ રાજડા લિખિત-દિગ્દર્શિત' આ શબ્દો જરૂર વાંચ્યા હશે. એક આખી પેઢી સુરેશ રાજડાના નાટકો જોઈને મોટી થઈ છે. ફક્ત દર્શકો જ નહીં, આજના જાણીતા સેલિબ્રિટી કલાકારોની એક પેઢી પણ છે, જેમણે કરિયરની શરૂઆતમાં સુરેશ રાજડાના નાટકોમાં કામ કર્યું છે.
170 કરતા વધુ નાટકો સુરેશભાઈ ડિરેક્ટ કરી ચૂક્યા છે. અને અંદાજે 60 જેટલા નાટકો તેમણે લખ્યા છે. જો તેમના હિટ નાટકોની યાદી કરીએ તો 2-4 ફકરા થઈ જાય, પરંતુ તેમ છતાંય તેમના સૌથી જાણીતા નાટકોની વાત કરીએ મેરેજ ફિક્સિંગ, સખણાં રહેજો રાજ, કુંવર વહેલા રે પધારજો અને હોનારત આ નામ તો મૂકવા જ પડે. તેમના લખેલા કેટલાક નાટકો આજે પણ તખ્તા પર ભજવાય છે.
ADVERTISEMENT
પોતાની કરિયરને યાદ કરતા સુરેશ રાજડા કહે છે કે મારી કરિયરની શરૂઆત આમ તો એક્ટર તરીકે થઈ હતી. જી ટી હાઈસ્કૂલમાં સ્કૂલિંગ કર્યા બાદ હું જે પી કોલેજમાં ગ્રેજ્યુએશન કરતો હતો. ત્યારે તે જમાનાના જાણીતા એક્ટર ડિરેક્ટર પ્રવીણ જોશી એ જ કોલેજમાં રિહર્સલ કરતા. પ્રવીણ જોશી તે સમયે INTના ડિરેક્ટર હતા. હું પણ કોલેજમાં એકાંકીઓમાં ભાગ લેતો. એટલે મને એક્ટિંગમાં અને નાટકમાં પહેલેથી જ રસ ખરો. હવે હું પ્રવીણ જોશીના નાટકના રિહર્સલમાં આખો દિવસ બેસી રહેતો. તેઓ જે કામ આપે એ કરતો. પણ એ તો એમના કામમાં વ્યસ્ત હોય. આખરે એક દિવસ નસીબ જોગે એમના નાટકમાં રિપ્લેસમેન્ટ આવ્યું. આ નાટકમાં દીના પાઠક જેવા દિગ્ગજ અભિનેત્રી અને ખુદ પ્રવીણ જોશી એક્ટિંગ કરતા હતા. નાટકની અમદાવાદની ટૂરમાં એક કલાકાર જઈ શકે એમ નહોતો. એટલે પ્રવીણભાઈને કોઈએ કહ્યું કે આ છોકરો જે રિહર્સલમાં બેસી રહે છે, એ પણ એક્ટિંગ કરે છે. એટલે પ્રવીણભાઈએ મને મળવા બોલાવ્યો, અને કહ્યું કે કેટલા દિવસમાં તૈયાર થઈશ. મેં જવાબ આપ્યો અર્જન્ટ જરૂર હોય તો કાલે જ. બસ એ ઈમ્પ્રેસ થઈ ગયા અને રોલ મળી ગયો. આ જ નાટકમાં મારી એક્ટિંગ નોટિસ થઈ અને યાત્રા શરૂ થઈ ગઈ.
સુરેશ રાજડા 35 વર્ષ સુધી INTના જુદા જુદા નાટકોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે, સંખ્યાબંધ નાટકો ડિરેક્ટ કરી ચૂક્યા છે. ડિરેક્ટર તરીકે પણ તેમને જે બ્રેક મળ્યો તે પણ આકસ્મિક જ હતો. INTએ એકાંકી સ્પર્ધાના કલાકારોને લઈ એક નાટક ભજવવાનું નક્કી કર્યું અને ડિરેક્ટર રીકે સુરેશભાઈને પસંદ કરાયા. આ નાટક હતું વેંટ છેટું મોત. જેની સ્ટારકાસ્ટમાં હતા આજના જાણીતા એક્ટર્સ પરેશ રાવલ અને સિદ્ધાર્થ રાંદેરિયા. પહેલા જ ડિરેક્ટ કરેલા નાટકને પ્રાઈઝ મળ્યું અને સુરેશભાઈ ડિરેક્ટ તરીકે પણ પંકાઈ ગયા. પછી તો સુરેશભાઈ પરેશ રાવલ, સરિતા જોષી, પદ્મારાણી, રોહિણી અટંગણી, રીમા લાગુ, કેતકી દવે, સિદ્ધાર્થ રાંદેરિયા, જતીન કણકીયા, ટીકુ તલસાણિયા જેવા શાનદાર કલાકારોને પણ અનેક નાટકોમાં ડિરેક્ટ કર્યા. જો કે ભાષા પર પ્રભુત્વના કારણે તેમણે પાછળથી નાટકો લખવાની પણ શરૂઆત કરી. અને તેમણે લખેલા નાટકો પણ હિટ રહ્યા.
સુરેશ રાજડા માને છે કે માત્ર નાટકો લખીને કે નાટકો ભજવીને અથવા ડિરેક્ટ કરીને તેમણે રંગભૂમિ માટે કોઈ ખાસ કામ કર્યું નથી. એટલે જ તેઓ તખ્તા માટે એક આખી ભાવિ પેઢી તૈયાર કરી રહ્યા છે. સુરેશ રાજડાએ જાણે ગુજરાતી નાટકોને સારા કલાકારો આપવા માટે ભેખ લીધો છે. તેઓ મુંબઈમાં દર વર્ષે એક વર્કશોપ યોજે છે. જેમાં નાટકના જુદા જુદા પાસાં સમજવા અને શીખવા ઈચ્છતા લોકોને નિશુલ્ક તાલીમ આપવામાં આવે છે. એ પણ 10 દિવસ સુધી રોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી. અને આ વર્કશોપમાં દિગ્ગજ કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, અપરા મહેતા, કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડિયા, પ્રવીણ સોલંકી, સંજય છેલ જેવા માંધાતાઓ આવીને તાલીમ આપે છે.
આ પણ વાંચોઃ જામનગરમાં ભણેલા આ યુવકના ઈશારે નાચે છે આખું બોલીવુડ, જાણો અજાણી વાતો
સુરેશભાઈ આ વર્કશોપ વિશે વાત કરતા કહે છે કે INTએ મને ડિરેક્શનનો વધુ અભ્યાસ કરવા માટે લંડન મોકલ્યો. એ પછી મને લાગ્યું કે આપણી રંગભૂમિને હજી વધુ સમૃદ્ધ કરવાની જરૂર છે. એટલે જ મેં આ ફ્રી વર્કશોપની શરૂઆત કરી. સુરેશભાઈની આ વર્કશોપ પણ ગુજરાતી રંગભૂમિને કેટલાક જાણીતા કલાકારો આપી ચૂકી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાભાભી ઉર્ફે દિશા વાકાણી પણ આવી જ વર્કશોપમાં એક્ટિંગની તાલીમ લઈ ચૂક્યા છે. આ વખતે પણ તેમની વર્કશોપ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે.