જ્યારે બન્ને અવૉર્ડ હાથમાં પકડ્યા ત્યારે લાગ્યું કે હું દુનિયાને દેખાડી રહી છું કે જુઓ... લગ્ન પછી છોકરીઓ આગળ ન વધી શકે, બાળક જન્મે પછી તેનાં સપનાં પૂરાં ન થઈ શકે એ બધી વાતો ખોટી છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ અવૉર્ડ્સ સ્વીકારતી માનસી પારેખ
માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે બે નૅશનલ અવૉર્ડ મળ્યા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ અવૉર્ડ્સ સ્વીકારતી વખતે લાગણીઓના ઘોડાપૂર સામે તેનાં આંસુ ટકી ન શક્યાં અને દડદડ વહેવા લાગ્યાં. બબ્બે નૅશનલ અવૉર્ડ જીતવાની ફીલિંગ્સ મિડ-ડેનાં જિગીષા જૈન સાથે શૅર કરતાં માનસી કહે છે...
સર્વશ્રેષ્ઠ અભિનેત્રી કા પુરસ્કાર ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ કે લિએ પ્રાપ્ત કર રહીં હૈં માનસી પારેખ ગોહિલ. રાષ્ટ્રીય, સામાજિક ઔર પર્યાવરણીય મૂલ્યો પર આધારિત સર્વશ્રેષ્ઠ ફિલ્મ કા પુરસ્કાર ભી મિલ રહા હૈ ‘કચ્છ એક્સપ્રેસ’ કો હી ઔર ફિલ્મ કે નિર્માતા ભી હૈં માનસી પારેખ ગોહિલ, જો ગ્રહણ કર રહીં હૈં દો પુરસ્કાર. આપકો રજત કમલ કા પુરસ્કાર.
ADVERTISEMENT
આ શબ્દો પોતાની સાથે મારી અંદર અચાનક ઇમોશન્સનું વાવાઝોડું તાણી લાવ્યા. એક સામાન્ય મિડલ-ક્લાસ ઘરની ગુજરાતી છોકરી, તેનાં સપનાં, એ સપનાં પાછળની અથાગ મહેનત, ૨૦ વર્ષની કરીઅરના ઉતાર-ચડાવ, મારા પ્રિયજનો અને તેમનો અવિરત સાથ એ બધું મળીને આજે હું ક્યાં ઊભી હતી? નૅશનલ અવૉર્ડ લેવા માટેની લાઇનમાં! એ લાઇનમાંથી આગળ વધતાં અને સ્ટેજ પર ચડતાં-ચડતાં મારી અંદરની કૃતજ્ઞતાને હું ખાળી ન શકી અને એ દડદડ આંસુઓ સાથે બહાર વહેવા લાગી. એ આંસુઓએ એ પણ ન વિચાર્યું કે કદાચ આ એ જગ્યા નથી, બંધ રૂમમાં પણ એ વહી શક્યાં હોત; પણ લાગણીઓના ઘોડાપૂર સામે બિચારાં આંસુની શું વિસાત! એટલે એ સરી પડ્યાં...
ઑગસ્ટ મહિનામાં જ્યારે અવૉર્ડ અનાઉન્સ થયા ત્યારે હું ખૂબ ખુશ થઈ હતી. આટલું મોટું સન્માન મને મળી રહ્યું છે એ વાત મારા માટે અતિમહત્ત્વની હતી, પણ એ સમયે હું એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. એક મહિનો અમદાવાદ રહી આવી. કામમાં એટલી વ્યસ્ત હતી કે ન્યુઝ આવ્યા તો હતા અને હરખ થયો હતો, પણ એ ન્યુઝને પ્રોસેસ કરવાનો કે પચાવવાનો મારી પાસે સમય જ નહોતો. બધું એટલું વેગીલું હતું કે આંખના એક પલકારામાં દિવસ અને બીજા પલકારામાં રાત થઈ રહી હતી. એક પછી એક કામ હું આટોપ્યે જતી હતી. શૂટિંગ પતાવીને હજી હું આવી જ હતી ત્યાં નવરાત્રિ આવી ગઈ. એમાં અમે બિઝી થઈ ગયાં. ચાલુ નવરાત્રિએ અવૉર્ડ માટે દિલ્હી જવાનું હતું. એનું મૅનેજમેન્ટ બિલકુલ સહેલું નહોતું.
કોણ-કોણ જશે, તેમની ટિકિટ્સ, ત્યાંની બધી વ્યવસ્થા, ત્યારનાં કપડાં, સ્ટાઇલ, સંખ્યાબંધ ઇન્ટરવ્યુઝ બધું બૅક-ટુ-બૅક હતું. ન્યુ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આ અવૉર્ડ-સેરેમની હતી. મમ્મી-પપ્પા અને નિર્વી સાથે હું દિલ્હી પહોંચી. નવરાત્રિને કારણે પાર્થિવ નીકળી શકે એમ નહોતો. તૈયાર થઈને એક કલાક વહેલાં ત્યાં પહોંચી જવાનું હતું. નિર્વીને ત્યાં એન્ટ્રી નહોતી, કારણ કે તેની ઉંમર હજી નાની હતી એટલે પપ્પા સાથે તે હોટેલ પર રોકાઈ. અમે ત્યાં પહોંચ્યાં. મને પહેલી હરોળમાં બેસવાનું સ્થાન મળ્યું. મને અને મારી સાથે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો હતો એ નિત્યા મેનનને બાજુ-બાજુમાં બેસાડ્યાં હતાં. અમારી બાજુમાં અયાન મુખરજી, કરણ જોહર બેઠા હતા. મણિ રત્નમ સર, એ. આર. રહમાન સર, મિથુનદા, નીના ગુપ્તા બધાં ત્યાં હાજર હતાં. તેમની વચ્ચે હું તેમનામાંની એક બનીને બેઠી હતી. બધું જ મને અતિકાલ્પનિક કહો કે ફિલ્મી કહો એવું લાગી રહ્યું હતું.
સામાન્ય રીતે તમે પૅશનથી કામ કરો છો, મહેનત કરો છો, ઇચ્છો છો કે તમે એવું કંઈક કરો જે કળાની દૃષ્ટિએ સર્વોત્તમ હોય, લોકોને ખૂબ જ ગમે; પરંતુ આ મહેનત એક દિવસ તમને દેશના સર્વોચ્ચ સન્માન તરફ લઈ જશે એવું તો તમે વિચાર્યું જ નથી હોતું. નૅશનલ અવૉર્ડ આપણા ઑસ્કર્સ છે. ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મમાં અમને ઘણી તકલીફ પડી હતી. વચ્ચે લૉકડાઉન આવી ગયું હતું. એક વર્ષ બ્રેક લાગ્યો. ફિલ્મ બનતાં વાર લાગી એટલે પૈસાનું પણ ઘણું નુકસાન વેઠ્યું, પણ છેલ્લે પ્રેક્ષકોને એ ખૂબ ગમી અને એટલે જ એને ઘણા કમર્શિયલ અવૉર્ડ્સ પણ મળ્યા, પણ આ ફિલ્મ અમને નૅશનલ અવૉર્ડ સુધી લઈ ગઈ ત્યારે એવું લાગ્યું કે કોઈકે સાચું જ કહ્યું છે કે બસ સારું કામ કર્યા કરો. એક દિવસ એનું મીઠું ફળ તમને ચોક્કસ મળશે. એ ફળ અમને આ નૅશનલ અવૉર્ડના નામે મળ્યું. એ પણ વિચારો કે નવરાત્રિ દરમ્યાન આ અવૉર્ડ મળ્યો એને હું માતાજીની ખરી કૃપા જ માનું છું.
જ્યારે અવૉર્ડ હાથમાં પકડ્યા ત્યારે લાગ્યું કે હું દુનિયાને દેખાડી રહી છું કે ‘જુઓ, તમે માનો છો એ સાચું નથી. લગ્ન પછી છોકરીઓ આગળ ન વધી શકે, બાળક જન્મે પછી તેનાં સપનાં પૂરાં ન થઈ શકે એ બધી વાતો ખોટી છે. એક સ્ત્રી તેના ઘર, પરિવાર અને તેનાં સપનાં બધાંને ખૂબ હેતથી સાચવી શકે છે અને એટલે જ ખંતથી સીંચી શકે છે.’
જ્યારે સ્ટેજ પરથી ઊતરી ત્યારે એક સામાન્ય છોકરીની જેમ મને ચિંતા થવા લાગી કે અરે, મારા બધા ફોટો રડતા જ આવ્યા હશે, એકમાં પણ હું હસતી નહીં દેખાઉં. ત્યાં મને મનોજ બાજપાઈ મળ્યા. તેમણે મને કહ્યું કે અહીં બેઠેલા બધા આ જ લાગણી અનુભવી રહ્યા છે જે તું અનુભવી રહી છે, પરંતુ એ લાગણીને દર્શાવવાની હિંમત ફક્ત તારામાં હતી.
આ વાતે બીજાં બે આંસુ વધુ ટપકી પડ્યાં અને એને મારા અવૉર્ડ્સે ઝીલી લીધાં.