રાત્રે સૂતી વખતે લીધેલી ગોળી ગળામાં અટકી ગઈ અને શ્વાસ રૂંધાવા લાગ્યો
ઝીનત અમાન
મંગળવારે બનેલી ચોંકાવનારી ઘટનામાં ૭૩ વર્ષનાં ઍક્ટ્રેસ ઝીનત અમાનનો જીવ માંડ-માંડ બચ્યો હતો. હકીકતમાં રાતે ઝીનત અમાન સૂતાં પહેલાં દરરોજ બ્લડપ્રેશરની ટૅબ્લેટ ખાય છે. ૨૧ જાન્યુઆરીએ રાતે તેમણે જેવી ગોળી ખાધી કે તરત એ ગળામાં ફસાઈ ગઈ હતી અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. તેમણે દીકરા ઝહાનને ફોન કર્યો અને તે તરત ઘરે જઈને મમ્મીને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ઝીનતે સોશ્યલ મીડિયા પર પોતાની આપવીતી જણાવી છે અને સાથે-સાથે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પણ શૅર કરી છે.
પોતાની સાથે બનેલી આ દુર્ઘટના વિશે જણાવતાં ઝીનત અમાને કહ્યું હતું કે ‘હું અંધેરી-ઈસ્ટમાં આવેલા એક સ્ટુડિયોમાં આખો દિવસ શૂટિંગ કર્યા પછી ઘરે આવી હતી. રાતે સૂતી વખતે મેં બ્લડપ્રેશરની ગોળી ખાધી હતી, પણ મને તકલીફ થવા માંડી હતી. મેં ગોળી મોઢામાં મૂકીને પાણી પીધું, પણ ગોળી મારા ગળામાં ફસાઈ ગઈ હતી. વારંવાર પાણી પીધા પછી પણ એ ગળામાં જ અટકેલી રહી. એ સમયે ઘરમાં કોઈ નહોતું અને હું બહુ ગભરાઈ ગઈ હતી. મેં ડૉક્ટરને ફોન કર્યો તો તેમનો ફોન સતત બિઝી આવતો હતો. એ પછી મેં દીકરા ઝહાનને ફોન કર્યો. તે એ સમયે બહાર હતો, પણ મારા ફોન પછી તરત ઘરે આવી ગયો હતો. દીકરો ઘરે આવ્યો ત્યારે મારી હાલત બહુ ખરાબ હતી. એ પછી ઝહાન મને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે મને કહ્યું કે ગોળી ધીમે-ધીમે ઓગળી જશે. હું થોડા કલાક સુધી ગરમ પાણી પીતી રહી ત્યારે માંડ-માંડ મારી હાલત વ્યવસ્થિત થઈ.’

