બીજા ભાગમાં હૃતિક રોશન અને ત્રીજા ઇન્સ્ટૉલમેન્ટમાં આમિર ખાન કદી ન જોયો હોય એવા અવતારમાં જોવા મળ્યો હતો
ફાઇલ તસવીર
જૉન એબ્રાહમ ‘ધૂમ’ની ફ્રૅન્ચાઇઝીમાં ફરીથી દેખાય એવી શક્યતા છે. યશરાજ ફિલ્મ્સની આ સિરીઝ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. એના પહેલા ભાગમાં જૉન એબ્રાહમ હતો અને તેની બાઇક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઈ હતી. બીજા ભાગમાં હૃતિક રોશન અને ત્રીજા ઇન્સ્ટૉલમેન્ટમાં આમિર ખાન કદી ન જોયો હોય એવા અવતારમાં જોવા મળ્યો હતો. હવે ‘ધૂમ’ના ચોથા પાર્ટની ચર્ચા ચાલી રહી છે. એમાં કયા ઍક્ટર્સ લીડ રોલમાં દેખાશે એ ચર્ચાનો વિષય છે. એવું જાણવા મળ્યું છે કે શાહરુખ ખાન મુખ્ય વિલન તરીકે જોવા મળશે. જોકે કાંઈ કન્ફર્મ નથી. એ બધાની વચ્ચે જૉનના નામની ચર્ચા વધુ ચાલી રહી છે. ઇન્ડસ્ટ્રીના નજીકના સૂત્રએ જણાવ્યું છે કે ‘પઠાન’માં જૉનના પર્ફોર્મન્સથી તેના ફૅન્સ પણ ખુશ છે. એથી જો યશરાજ ફિલ્મ્સ તેને ફરીથી આ ફિલ્મમાં લે તો નવાઈ નહીં. છેલ્લા થોડા દિવસોથી યશરાજ ફિલ્મ્સ અને જૉન વચ્ચે ઘણી મીટિંગ્સ પણ થઈ છે. જૉનની ‘ધૂમ’ની વાત કરીએ તો ક્લાઇમૅક્સમાં ચોખવટ નહોતી કરવામાં આવી કે જૉનના પાત્રનું નિધન થયું છે કે પછી તે નાસી ગયો છે. આ જ વસ્તુને આગળ ધપાવીને ચોથા ભાગમાં જૉનની એન્ટ્રીની શક્યતાઓ વધુ છે. જોકે જ્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે જ ફિલ્મના લીડ ઍક્ટરના નામનો ખુલાસો થશે.