સન ઑફ સરદાર 2ના યુનાઇટેડ કિંગડમમાં ચાલતા શૂટિંગ વખતની ઘટના: પ્રોડ્યુસર કહે છે કે તેની માગણીઓ ખૂબ વધી ગઈ હતી એટલે કાઢી મૂક્યો
વિજય રાઝ
અજય દેવગને તેની ફિલ્મ ‘સન ઑફ સરદર 2’નું શૂટિંગ યુનાઇટેડ કિંગડમમાં શરૂ કરી દીધું છે એવામાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાંથી વિજય રાઝને પડતો મૂકવામાં આવ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે વિજય પર તેના ખરાબ વર્તન અને વધતી ડિમાન્ડનો આરોપ કર્યો છે. જોકે વિજય રાઝ કહે છે કે ફિલ્મમાંથી કાઢવાનું કારણ એ છે કે મેં અજય દેવગનને ગ્રીટ નહોતો કર્યો. આ રોલ હવે સંજય મિશ્રાને આપવામાં આવ્યો છે. આ આખી ઘટનાને વિસ્તારપૂર્વક જણાવતાં કુમાર મંગત પાઠક કહે છે, ‘હા, અમે વિજય રાઝને તેના વર્તનને કારણે ફિલ્મમાંથી પડતો મૂક્યો છે. તે મોટી રૂમ, વૅનિટી વૅન અને સ્પૉટબૉય્ઝ માટે વધારે પૈસા માગતો હતો. ખરું કહું તો તેના સ્પૉટબૉયને એક રાતના ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવતા હતા, જે અતિશય વધારે હતા. યુકે મોંઘું છે એથી દરેકને સ્ટેન્ડર્ડ રૂમ આપવામાં આવી હતી, પરંતુ એ પ્રીમિયમ સ્વીટ માગતો હતો. ખર્ચની માહિતી અમે જ્યારે તેને આપતા ત્યારે તે કહેતો કે આપ લોગોં ને મુઝે અપ્રોચ કિયા હૈ, મૈં કૌનસા સામને સે આયા થા કામ માંગને. અમે તેની ડિમાન્ડ પૂરી કરવાનો પ્રયાસ કરતા હતા છતાં તેનું વર્તન વધારે ખરાબ થવા માંડ્યું હતું. તેની માગણીઓ ખતમ જ નહોતી થતી. તે ત્રણ સ્ટાફ માટે બે કાર માગતો હતો. એ કેવી રીતે શક્ય બને? એથી છેવટે અમે તેને ફિલ્મમાંથી પડતો મૂકવાનું નક્કી કર્યું. આ એક રીતે સારું થયું કે શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ તેને ફિલ્મમાંથી કાઢી મૂક્યો, કેમ કે તેની હાજરી અને તેનું વર્તન વધુ સમસ્યા ઊભી કરી શક્યાં હોત. તે હવે ઍડ્વાન્સ આપેલા રૂપિયા આપવાની પણ ના પાડી રહ્યો છે.’
બીજી તરફ વિજય રાઝની સ્ટોરી કાંઈક અલગ જ છે. વિજય કહે છે, ‘હું લોકેશન પર સમય પહેલાં પહોંચી ગયો હતો. હું વૅનમાંથી બહાર આવ્યો ત્યારે મેં જોયું કે અજય દેવગન ૨૫ મીટરના અંતરે હતો. તે બિઝી હોવાથી હું તેને હાય-હલો કરવા ન ગયો અને મારા ફ્રેન્ડ્સ સાથે સતત વાતો કરી રહ્યો હતો. પચીસ મિનિટ બાદ કુમાર મંગત પાઠકે આવીને મને કહ્યું કે આપ ફિલ્મ સે નિકલ જાઇઅે, હમ આપકો નિકાલ રહે હૈં. મારી એટલી જ ભૂલ હતી કે મેં અજય દેવગનને ગ્રીટ નહોતો કર્યો. અન્ય ક્રૂને ન મળ્યો એથી અહીં ખરાબ વર્તન કરવાની તો વાત જ નથી આવતી.’

