આ બીમારીમાં વ્યક્તિ તેનું બૅલૅન્સ ગુમાવી બેસે છે
કઈ બીમારીથી પીડાય છે વરુણ ધવન?
વરુણ ધવન વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. આ બીમારીમાં વ્યક્તિ તેનું બૅલૅન્સ ગુમાવી બેસે છે. કાનની અંદરના ભાગની અંદરની સિસ્ટમ જ્યારે કામ કરતી બંધ થાય ત્યારે આ તકલીફ થાય છે. આ બીમારીમાં દરદીને બ્રેઇન સુધી મેસેજ પહોંચાડવામાં મુશ્કેલી પડે છે અને એને કારણે દિમાગ પર માઠી અસર થાય છે. આ જ બીમારીનો વરુણ ભોગ બન્યો છે. એ વિશે વરુણ ધવને કહ્યું કે ‘તમે જ્યારે ઘરના દરવાજા ખોલો તો તમને એવું નથી લાગતું કે તમે એક દોડમાં સામેલ થયા છો? તમારામાંથી કેટલા લોકો કહી શકે છે કે તેઓ બદલાઈ ગયા છે? મારું માનવું છે કે લોકો હવે પહેલાં કરતાં વધુ મહેનત કરવા માંડ્યા છે. મેં મારી ‘જુગ જુગ જિયો’ માટે ખૂબ મહેનત કરી હતી. મને એવું લાગ્યું કે હું કોઈ ઇલેક્શન લડી રહ્યો છું. ખબર નહીં કેમ, પણ મેં શું કામ આટલું બધું પ્રેશર લઈ લીધું. જોકે હાલમાં જ મેં થોડો બ્રેક લીધો છે. મને વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન નામની બીમારી થઈ છે, જેમાં તમારું બૅલૅન્સ ડગમગી જાય. જોકે મેં ખૂબ મહેનત કરી છે. આપણે માત્ર રેસમાં દોડ્યા જ કરીએ છીએ. કોઈ પૂછતું નથી શું કામ. મને લાગે છે કે આપણે બધા એક ધ્યેય પૂરું કરવા માટે અહીં છીએ. હું મારો ઉદ્દેશ શોધી રહ્યો છું. આશા છે કે લોકોને પણ તેમનો ટાર્ગેટ મળી જાય.’