અભિનેતાએ આપેલા એક નિવેદનને લીધે થઈ હતી બબાલ
પરવેઝ મુશર્રફ, ફિરોઝ ખાન
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)નું રવિવારના રોજ લાંબી બિમારી બાદ ૭૯ વર્ષની ઉંમરે નિધન થયું હતું. પરવેઝ મુશર્રફ તેમને લીધેલા અનેક નિર્ણયોને લઈને ચર્ચામાં રહ્યા હતા. તેમના કેટલાક નિર્ણયો પર વિવાદ પણ થયા હતા. આવો જ એક નિર્ણય પરવેઝ મુશર્રફે બોલિવૂડ અભિનેતા ફિરોઝ ખાન (Feroz Khan)ને લઈને લીધો હતો. જેને કારણે અભિનેતાને પાકિસ્તાનમાં ‘નો એન્ટ્રી’ હતી.
પરવેઝ મુશર્રફે ફિરોઝ ખાનના પાકિસ્તાનમાં પ્રવેશ પર કાયમ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલું જ નહીં, તેણે પાકિસ્તાની હાઈ કમિશનરને કડક સૂચના આપી હતી કે ફિરોઝ ખાનને કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનના વિઝા ન આપવા. આનું કારણ ફિરોઝ ખાને પાકિસ્તાનમાં જ કહેલી કેટલીક વાતો હતી, જેનાથી પરવેઝ મુશર્રફને ઘણું દુઃખ થયું હતું.
ADVERTISEMENT
આ ઘટના વર્ષ ૨૦૦૬ની છે. ફિરોઝ ખાન ભાઈ અકબર ખાનની ફિલ્મ `તાજમહેલ`ના પ્રમોશન માટે પાકિસ્તાન ગયા હતા. ફિરોઝ ખાનને વિધિવત આમંત્રણ આપ્યા બાદ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ન તો ભારતીય અને પાકિસ્તાની કલાકારોના સાથે કામ કરવા પર પ્રતિબંધ હતો કે ન તો હિલચાલ પર કડક પ્રતિબંધ હતો. જોકે, વર્ષ ૨૦૦૫માં રિલીઝ થયેલી `તાજમહેલ : એન એટરનલ લવ સ્ટોરી`માં કેટલાક પાકિસ્તાની કલાકારો પણ હતા. ત્યારે ફિરોઝ ખાન પાકિસ્તાન ગયા હતા અને ત્યાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ઘણા પાકિસ્તાની કલાકારોને મળ્યા હતા. પરંતુ પાર્ટીમાં ફિરોઝ ખાને એન્કર ફખર-એ-આલમ સાથે ઝઘડો કર્યો હતો.
પાર્ટીમાં ફિરોઝ ખાને ભારતના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, ‘આપણો દેશ ધર્મનિરપેક્ષ છે અને ત્યાં મુસ્લિમો પ્રગતિ કરી રહ્યા છે. ફિરોઝ ખાને કહ્યું હતું કે, પાકિસ્તાન ઇસ્લામના નામ પર બન્યું હતું, પરંતુ અહીં મુસ્લિમો જ મુસ્લિમોને મારી રહ્યા છે.’ ત્યાંના લોકો અને પરવેઝ મુશર્રફને આ વાત ખરાબ લાગી. વાત વધુ ત્યારે બગડી જ્યારે ફિરોઝ ખાને કહ્યું કે, તે’ પોતે પાકિસ્તાન આવ્યો નથી, પરંતુ તેને બોલાવવામાં આવ્યો હતો.’ ફિરોઝ ખાને કહ્યું હતું કે, ‘ભારતીય ફિલ્મો ખૂબ જ પાવરફુલ હોય છે અને પાકિસ્તાન સરકાર તેમને લાંબા સમય સુધી રોકી નહીં શકે.’
ફિરોઝ ખાનની આ વાત બાદ પાકિસ્તાનના લોકો રોષે ભરાયા હતા. પછી તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ફિરોઝ ખાનને પાકિસ્તાનના વિઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમજ પોતાના દેશ પાકિસ્તાનમાં અભિનેતાના પ્રવેશ પર કાયમ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.
આ પણ વાંચો - કારગિલ યુદ્ધના કાવતરાખોર મુશર્રફનું મોત
આ વિવાદના ત્રણ વર્ષ બાદ જ ફિરોઝ ખાનનું વર્ષ ૨૦૦૯માં અવસાન થયું હતું. ફેફસાના કેન્સરનું નિદાન થયા બાદ મુંભઈની બ્રિચ કેન્ડી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમનું નિધન થયું હતું.