એવી ચર્ચા ચાલી રહી છે કે આ બન્નેની રોકા સેરેમની નજીકનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં થઈ ગઈ છે
રાઘવ ચઢ્ઢા, પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડા ઑક્ટોબરમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરશે એવું જાણવા મળ્યું છે. આ બન્નેને તેમનાં લગ્ન વિશે સતત સવાલ પૂછવામાં આવે છે. જોકે તેમણે ચોક્કસ જવાબ આપ્યો નથી. એવી ચર્ચા ચાલી રહી છે કે આ બન્નેની રોકા સેરેમની નજીકનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં થઈ ગઈ છે. એથી એવું કહી શકાય કે પોતાના રિલેશનને તેઓ એક સ્ટેપ આગળ લઈ ગયાં છે. તાજેતરમાં જ પરિણીતીની રિન્ગ-ફિન્ગરમાં સિલ્વર બૅન્ડ દેખાયો હતો. એથી એવી અટકળો લગાવવામાં આવે છે કે તેમણે સગાઈ કરી લીધી છે. આ બન્નેએ ઑક્ટોબરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હોય એવું જાણવા મળ્યું છે, કેમ કે પરિણીતીને તેનાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પહેલાં પૂરાં કરવાં છે. આ જ કારણ છે કે તેમને હાલમાં લગ્નની કોઈ ઉતાવળ નથી. એ વાત તો નક્કી છે કે તેઓ આલીશાન રીતે લગ્ન કરશે. પરિણીતીને દુલ્હનના વેશમાં જોવા પર સૌની નજર મંડાયેલી છે.
લગ્નની ચર્ચા વચ્ચે પરિણીતી ફરી એક વખત સેલિબ્રિટી ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી હતી. બની શકે કે તે લગ્નના આઉટફિટની ડિઝાઇન માટે તેને મળવા પહોંચી હોય.