ઇમરાને કઈ સિદ્ધિ હાંસલ કરી?
ઇમરાને કઈ સિદ્ધિ હાંસલ કરી?
‘ચેહરે’માં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાને એક મોટી સિદ્ધિ માને છે ઇમરાન હાશ્મી. રૂમી જાફરી ડિરેક્ટેડ આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી, ક્રિસ્ટલ ડિસોઝા, અનુ કપૂર, રઘુવીર યાદવ, ધ્રિતીમન ચૅટરજી અને સિદ્ધાંત કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૯ એપ્રિલે રિલીઝ થવાની છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં ઇમરાન હાશ્મીએ કહ્યું, ‘મને એવું લાગ્યું કે હવે ઇન્તેઝાર ખતમ થઈ ગયો છે. અમિતાભ બચ્ચન સરનું અનુકરણ કરતાં અમે મોટા થયા છીએ. ઇન્ડસ્ટ્રીના દરેક કલાકારની ઇચ્છા તેમની સાથે કામ કરવાની હોય છે. એવું લાગ્યું જાણે મેં મારી કરીઅરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ઇન્ડસ્ટ્રીમાં પાંચ દાયકાથી કાર્યરત અમિતાભ બચ્ચન સરનું અનુશાસન ગજબનું છે. આપણી ઇન્ડસ્ટ્રી અનુશાસનમાં નથી માનતી, જે થોડું અઘરું બની જાય છે. તેમણે મારી જેમ અનેક લોકોને પણ તેમના મારર્ગે ચાલવા માટે પ્રેરિત કર્યા છે. તેઓ સમયનું ચુસ્ત પાલન કરનારા છે અને હંમેશાં સેટ પર સમયસર પહોંચી જાય છે. તેમના આ જ નિયમનું હું હંમેશાં પાલન કરું છું. તેઓ પોતાની કળાને જે પ્રકારે માન આપે છે એ ઉલ્લેખનીય છે. આ જ કારણ છે કે મારી સાથે સમગ્ર ઇન્ડસ્ટ્રી, દર્શકો અને દરેક લોકોને તેમના પ્રત્યે પ્રેમભાવ અને અપાર માન છે.’

