‘ઓહ માય ગૉડ 2’ અને ‘ગદર 2’ને મળેલી સફળતાને જોઈને દર્શકોનો આભાર માનતાં આવું કહ્યું અક્ષયકુમારે
અક્ષય કુમાર
અક્ષયકુમારે તેની ‘OMG 2’ અને સની દેઓલની ‘ગદર 2’ને જે પ્રકારે લોકો પ્રેમ આપી રહ્યા છે એનો આભાર માન્યો છે. આ બન્ને ફિલ્મો ગયા શુક્રવારે રિલીઝ થઈ છે. ‘ગદર 2’એ બુધવારના ૩૨.૩૭ કરોડની સાથે કુલ મળીને છ દિવસમાં ૨૬૧.૩૫ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. લોકો સની દેઓલ અને તેની આ ફિલ્મ પાછળ ઘેલા બની ગયા છે. બીજી તરફ અક્ષયકુમાર અને પંકજ િત્રપાઠીની ‘OMG 2’એ કૉમેડીના તડકા સાથે એક સામાજિક સંદેશ આપ્યો છે. ટીનેજર્સ માટે બનાવવામાં આવેલી આ ફિલ્મ જોવા માટે પણ લોકો થિયેટરમાં પહોંચી રહ્યા છે. ‘OMG 2’એ ૭.૨૦ કરોડની સાથે છ દિવસમાં ૭૯.૪૭ કરોડનો વકરો કર્યો છે. ફિલ્મ હવે સો કરોડના કલેક્શનથી દૂર નથી. આ બન્ને ફિલ્મોના પ્રેમ પર આભાર વ્યક્ત કરતાં ‘OMG 2’ની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી, ‘ઓહ માય ગદરને દર્શકોએ જે પ્રકારે પ્રેમ આપ્યો છે એ માટે ખૂબ આભાર. ભારતીય ફિલ્મના ઇતિહાસમાં આ અદ્ભુત અઠવાડિયુ છે. પ્રેમ અને આભાર. ‘ગદર 2’ સિનેમામાં જોઈ શકો છો. ‘ઓહ માય ગૉડ 2’ પણ થિયેટર્સમાં જોઈ શકો છો.’