બૉલીવુડમાં ડેબ્યુ પહેલાં ઇઝાબેલને શું સલાહ આપી કૅટરિનાએ?
બૉલીવુડમાં ડેબ્યુ પહેલાં ઇઝાબેલને શું સલાહ આપી કૅટરિનાએ?
કૅટરિના કૈફે તેની બહેન ઇઝાબેલ કૈફને સલાહ આપતાં જણાવ્યું છે કે કોઈ પણ બાબતથી ધ્યાન ભટકાવ્યા વગર માત્ર કામ પર જ ધ્યાન આપવું જોઈએ. ઇઝાબેલની ફિલ્મ ‘ટાઇમ ટુ ડાન્સ’ ગઈ કાલે રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેની સાથે સૂરજ પંચોલી, વેલુશા ડિસોઝા, રાજપાલ યાદવ અને સાકીબ સલીમ લીડ રોલમાં છે. એ ફિલ્મની રિલીઝ પહેલાં કૅટરિનાએ શું સલાહ આપી હતી એ વિશે ઇઝાબેલે કહ્યું હતું કે ‘કૅટરિનાએ ફિલ્મનું ટ્રેલર અને ગીતો જોયાં હતાં અને એ જોયા બાદ તેણે મને એક લાંબો મેસેજ મોકલ્યો હતો. ‘આપણે બન્ને એકબીજાથી દૂર છીએ. ફિલ્મોમાં તમારી ધારણા કરતાં પણ સખત મહેનત કરવાની જરૂર હોય છે. એથી પહેલાં તો કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને કોઈ પણ બાબતથી નાસીપાસ ન થવું.’ મારી બહેને એમ પણ કહ્યું હતું કે ‘તમને બધા લોકો પસંદ કરે એ જરૂરી નથી. જોકે એનાથી નિરાશ ન થવું. એ વસ્તુ ઠીક છે. દરેકને બધા પસંદ કરે એવું જરૂરી નથી. નિંદાને વ્યક્તિગત કે દિલ પર ન લેવી જેથી એ તમને દુ:ખી કરે.’
ગીતો જ્યારે રિલીઝ થયાં ત્યારે તેણે જોયાં હતાં અને મને કહ્યું કે તું ડાન્સ કરતી વખતે ખૂબ સુંદર દેખાઈ રહી છે. એથી હું ખુશ થઈ હતી.’
ફિલ્મની રિલીઝ પહેલાં નર્વસ હોવાનું જણાવતાં ઇઝાબેલે કહ્યું હતું કે ‘હું નર્વસ હતી કેમ કે આ મારી પહેલી ફિલ્મ છે. જોકે સાથે જ હું એ જાણવા માટે ઉત્સાહિત છું કે લોકો શું વિચારી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું ત્યારથી લોકોનાં રીઍક્શન આવવા માંડ્યાં છે એથી હું દરેક ક્ષણને હાલમાં એન્જૉય કરી રહી છું. આ મારી પહેલી ફિલ્મ છે. એથી લોકોની પ્રતિક્રિયા જાણવાની મારામાં તાલાવેલી છે. સાથે જ હું મારી બીજી ફિલ્મનું શૂટિંગ આગરામાં કરી રહી છું. એથી મારું દિમાગ પણ એમાં પૂરી રીતે સમાયેલું છે. એથી રિલીઝને લઈને કોઈ ગભરામણ પણ નથી, પરંતુ એક્સાઇટમેન્ટ છે.’

