‘વેલકમ’ની રિલીઝનાં ૧૬ વર્ષ પૂરાં અને ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ ચાલતું હોવાથી અક્ષયકુમારે આવું કહ્યું
પ્રતીકાત્મક તસવીર
અક્ષયકુમાર હાલમાં ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરી રહ્યો છે અને ગઈ કાલે ‘વેલકમ’ની રિલીઝનાં ૧૬ વર્ષ પૂરાં થયાં છે. એથી અક્ષયકુમાર એને સુંદર સંયોગ કહી રહ્યો છે. આ ફિલ્મને અહમદ ખાન ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અર્શદ વારસી, પરેશ રાવલ, જૉની લીવર, રાજપાલ યાદવ, રવીના ટંડન, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કિકુ શારદા, દલેર મેહંદી, મિકા સિંહ, મુકેશ તિવારી, લારા દત્તા, જૅકલિન ફર્નાન્ડિસ અને રાહુલ દેવ જેવા અનેક કલાકારો જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના શૂટિંગની નાનકડી વિડિયો ક્લિપ અક્ષયકુમારે શૅર કરી છે. એમાં અક્ષયકુમાર ઘોડા પર સવાર છે અને તેની પાછળ બાઇક પર સંજય દત્ત આવી રહ્યો છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘શું સુંદર સંયોગ છે કે અમે ‘વેલકમ’ની રિલીઝનાં ૧૬ વર્ષ પૂરાં કર્યાં અને આજે હું એ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરી રહ્યો છું. સાથે જ સંજુબાબા આ ફિલ્મમાં છે એ સારી બાબત છે. તમને શું લાગે છે?’