રસિક દવે છેલ્લા બે વર્ષથી કિડનીની સમસ્યાથી હેરાન થતા હતા અને કેટલાક દિવસોથી તે હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા
Actor`s Demise
રસિક દવે - તસવીર સૌજન્ય ફેસબૂક
પ્રખ્યાત અભિનેતા રસિક દવેનું મુંબઇ ખાતે 65 વર્ષની વયે નિધન થયું છે. રસિક દવે ગુજરાતી તખ્તા અને ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહી ચુક્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ ડાયાલિસીસ પર હતા અને થોડા દિવસથી તબિયત કથળતા મુંબઇની હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ખુબજ મિલનાસર સ્વભાવના હતા. તેમના હસતા ચહેરા તથા દમદાર અભિનયને કારણે તેઓ દર્શકોમાં પણ ખૂબ જ લોકપ્રિય હતા. તેમના નિધનથી ગુજરાતી નાટ્ય જગતમાં એક અણધારેલી ખોટ પડી છે. બી આર ચોપરાની સિરીયલ મહાભારતમાં તેમણે નંદનું પાત્ર ભજવ્યું હતું.
તેમના પરિવારમાં પત્ની કેતકી દવે તથા દીકરી રિદ્ધી અને દીકરો અભિષેક છે. રસિક દવેના નિધનને પગલે નાટ્ય વિશ્વના મિત્રોએ ગહેરો શોક વ્યક્ત કર્યો હતો અને સોશ્યલ મીડિયા પર તેમની સાથેની સ્મૃતિઓ શબ્દોમાં અને તસવીરોમાં શૅર કરી હતી. નાટ્ય વિશ્વ સાથેનો તેમનો સંગાથ લાંબા સમયનો છે અને તેમનાં સાસુ સરિતા જોષી પણ એક માતબર અભિનેત્રી છે. પરિવારમાં આવો કસોટીનો વખત ચાલતો હોવા છતાં તમામ સભ્યો સતત એકબીજાને પડખે, માનસિક રીતે પડી ભાંગ્યા વિના સઘળું મેનેજ કરતાં રહ્યા અને રસિક દવેની માંદગીની ચર્ચાનો ઘોંઘાટ ન થાય તેની પણ પુરી તકેદારી રાખી.
ADVERTISEMENT
સંજય ગોરડિયાએ આ તસવીરો સાથે ફેસબૂક પર નોંધ મુકી હતી.
લેખક, ડાયરેક્ટર દીપક અંતાણીએ પણ આ તસવીરો શૅર કરી સાથી કલાકારને શ્રધ્ધાંજલી આપી હતી.
ડાયરેક્ટર સ્વપ્ના વાઘમારે જોશીએ પણ આઘાત વ્યક્ત કરતાં આ પૉસ્ટ શૅર કરી હતી.
રસિક દવે તેમના અવાજ, તેમની ડાયલૉગ ડિલીવરી અને કોઇ અતિ સ્ટાઇલિશ સ્ટાર જેવા ઑરાને કારણે હંમેશાથી દર્શકોમાં ખૂબ પૉપ્યુલર હતા, ઇશ્વર દિવંગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.