રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી શનિવારે અમદાવાદમાં હતાં. તેમણે ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’નું ગીત ‘ચુમ્મા’ અમદાવાદમાં લૉન્ચ કર્યું હતું અને નવરાત્રિમાં પણ ગયાં હતાં.
શનિવારે અમદાવાદમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી.
૧૧ ઑક્ટોબરે રાજકુમાર રાવની ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ ફિલ્મ રિલીઝ થવાની છે. ટ્રેલર પરથી જ ખ્યાલ આવે છે કે આ ફિલ્મ કૉમેડી છે. ‘ડ્રીમ ગર્લ’ના બન્ને ભાગ બનાવનાર તથા કપિલ શર્માના શોના એપિસોડ લખનાર રાજ શાંડિલ્ય ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ના ડિરેક્ટર છે. ૨૦૧૮માં આવેલી રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી’ અને આ વર્ષે રિલીઝ થયેલો એનો બીજો ભાગ પણ સુપરહિટ રહ્યો. રાજ તેની કૉમેડી ફિલ્મોની સફર વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘મને ‘ન્યુટન’, ‘શાહિદ’, ‘ટ્રૅપ્ડ’ અને ‘અલીગઢ’ જેવી ફિલ્મો કરવી ખૂબ ગમે છે. આ પૅરૅલલ સિનેમા છે પણ કહીશ કે કૉમેડી ખૂબ અઘરી છે, ભલે કમર્શિયલ લાગે; પણ આ મને નહોતી ખબર. જ્યારે ‘બરેલી કી બર્ફી’ (૨૦૧૭) આવી ત્યારે ખબર પડી કે આ પણ મારો જૉન્ર છે. તમે ફરી ફિલ્મ જોશો તો ખ્યાલ આવશે કે મારું પ્રીતમ વિદ્રોહીનું પાત્ર પોતે કૉમેડી નથી કરતું, તેની તો વાટ લાગેલી છે. તેની આસપાસ કૉમેડી થાય છે. એ પાત્ર લોકોને ખૂબ ગમ્યું.’