વિકી કૌશલની લેટેસ્ટ ફિલ્મ ‘છાવા’ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મમાં વિકીએ છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજનો રોલ ભજવ્યો છે.
છત્રપતિ શિવાજી જયંતી પર વિકી કૌશલે રાયગડ ફોર્ટ જઈને કર્યાં વંદન
વિકી કૌશલની લેટેસ્ટ ફિલ્મ ‘છાવા’ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મમાં વિકીએ છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મને દર્શકોએ બહુ પસંદ કરી છે. ગઈ કાલે શિવાજી મહારાજની ૩૯૫મી જયંતી હતી અને એ નિમિત્તે વિકી કૌશલે પહેલી વખત રાયગડ કિલ્લાની મુલાકાત લીધી અને પછી શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી.
વિકીએ પોતાનો આ અનુભવ સોશ્યલ મીડિયામાં શૅર કરીને લખ્યું, ‘આજે છત્રપતિ શિવાજી જયંતીના અવસરે મને રાયગડ કિલ્લાની મુલાકાત લઈને તેમને સન્માન અર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું. મને પહેલી વખત અહીં આવવાની તક મળી. મહારાજ પાસેથી આશીર્વાદ લેવા માટે આનાથી વધારે શ્રેષ્ઠ સમય ન હોઈ શકે.’
ADVERTISEMENT
રાગયડના કિલ્લાનું છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં ઘણું મહત્ત્વ છે. શિવાજી મહારાજનો ઐતિહાસિક રાજ્યાભિષેક ૧૬૭૪ની ૬ જૂને રાયગડના કિલ્લામાં થયો હતો. આ ભવ્ય આયોજન દરમ્યાન શિવાજીને મરાઠા સામ્રાજ્યના સમ્રાટ જાહેર કરવામાં આવ્યા હતા. આ રાજ્યાભિષેક દરમ્યાન શિવાજી પર યમુના, સિંધુ, ગંગા, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા અને કાવેરી નદીના જળનો અભિષેક કરવામાં આવ્યો હતો. અહીં જ શિવાજીને શકકર્તા (યુગના સંસ્થાપક) અને છત્રપતિનું બિરુદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
છત્રપતિ શિવાજી મહારાજ જયંતી પર છાવાની ડબલ સેન્ચુરી થઈ ગઈ?
ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ જયંતી નિમિત્તે બૅન્ક હૉલિડે હતો એટલે ‘છાવા’એ બૉક્સ-ઑફિસ પર ડબલ સેન્ચુરી મારી દીધી હશે એવી શક્યતા ટ્રેડ-પંડિતોએ વ્યક્ત કરી હતી. ‘છાવા’એ ગઈ કાલે છઠ્ઠા દિવસે કેટલું કલેક્શન કર્યું એના આંકડા આજે સવારે આવશે. એ પહેલાંના પાંચ દિવસમાં ‘છાવા’એ ભારતમાં બૉક્સ-આૅફિસ પર ૧૭૧.૨૮ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું હતું.
છાવામાં કોને મળી છે કેટલી ફી?
૧૦ કરોડ રૂપિયા, ૪ કરોડ રૂપિયા, બે કરોડ રૂપિયા
વિકી કૌશલને છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં, રશ્મિકા મંદાનાને યેસુબાઈના રોલમાં અને અક્ષય ખન્નાને ઔરંગઝેબના રોલમાં ચમકાવતી ‘છાવા’ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે ત્યારે આ ફિલ્મમાં કામ કરવા માટે ઍક્ટર્સને કેટલી ફી ચૂકવવામાં આવી છે એના આંકડા બહાર આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં અક્ષય ખન્નાનો સ્ક્રીન-ટાઇમ ઘણો ઓછો હોવા છતાં તેને ઔરંગઝેબનો રોલ ભજવવા માટે બે કરોડ રૂપિયા, વિકી કૌશલને ૧૦ કરોડ રૂપિયા અને રશ્મિકા મંદાનાને ૪ કરોડ રૂપિયા ફી પેટે ચૂકવવામાં આવ્યા છે.

