લેફ્ટનન્ટ કર્નલ મોહનલાલે જાહેર કરી ત્રણ કરોડ રૂપિયાની સહાય
મોહનલાલ
કેરલાના વાયનાડમાં સોમવારે થયેલા ભૂસ્ખલને ભારે તારાજી સર્જી છે. એમાં અનેક લોકોનાં મોત થયાં છે તો કેટલાય હજી લાપતા છે. શનિવારે કેરલાની મલયાલમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મોહનલાલ અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવકાર્યનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને તેમણે ૩ કરોડ રૂપિયા રાહતકાર્ય માટે આપવાની જાહેરાત કરી હતી.
૨૦૦૯માં મોહનલાલને લેફ્ટનન્ટ કર્નલના પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આર્મીના યુનિફૉર્મમાં પહોંચીને મોહનલાલે મેપ્પાડીના આર્મી કૅમ્પમાં જઈને ઑફિસર્સ સાથે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ ટીમ સાથે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન મોહનલાલે કહ્યું કે ‘ભૂસ્ખલને જે પ્રકારે વિનાશ વેર્યો છે એનો તાગ પ્રત્યક્ષ જોયા બાદ જ મળી શકે. આર્મી, નેવી, ઍૅરફોર્સ, નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ, ફાયર ઍન્ડ રેસ્ક્યુ અને અન્ય સંસ્થાઓ તથા સ્થાનિક લોકોએ સાથે મળીને જે રાહત-બચાવકાર્ય કર્યું છે એ પ્રશંસનીય છે. હું જે વિશ્વનાથ ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું એણે પુનર્વસનનાં કાર્યો માટે ૩ કરોડ રૂપિયા ડોનેટ કરવાનો ફેંસલો કર્યો છે. જો જરૂર પડી તો વધુ નાણાકીય મદદ પણ કરીશ.’
ADVERTISEMENT
રામ ચરણ અને ચિરંજીવીએ એક કરોડ, અલ્લુ અર્જુને ૨૫ લાખ, નયનતારા-વિજ્ઞેશે ૨૦ લાખ રૂપિયા આપ્યા
કેરલાના વાયનાડમાં ભૂસ્ખલનથી પીડિત લોકોની મદદ માટે ગઈ કાલે તેલુગુ ફિલ્મોના સિતારાઓ ચિરંજીવી અને તેમના પુત્ર રામ ચરણે સાથે મળીને કેરલા CM રિલીફ ફન્ડમાં એક કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ચિરંજીવીએ લખ્યું છે, ‘વાયનાડમાં થોડા દિવસથી જે વિનાશ થયો છે અને સેંકડો નિર્દોષ લોકો કેરલાના ભૂસ્ખલનથી પીડિત છે એ જોઈને ખૂબ તકલીફ થઈ રહી છે. વાયનાડના પીડિત લોકો પ્રત્યે સંવેદના. રામ ચરણ અને મેં સાથે મળીને લોકોને સપોર્ટ કરવા કેરલા CM રિલીફ ફન્ડમાં એક કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું.’ આ ઉપરાંત તેલુગુ ફિલ્મોના જ સુપરસ્ટાર અલ્લુ અર્જુને પણ કેરલા CM રિલીફ ફન્ડમાં પચીસ લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. તામિલનાડુની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનાં નયનતારા અને તેના પતિ વિજ્ઞેશ શિવને પણ ૨૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

