કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ગઈ કાલે સવારે ૩.૩૦ વાગ્યે લીધા છેલ્લા શ્વાસ: આજે જુહુના પવનહંસ સ્મશાનભૂમિમાં થશે અંતિમ સંસ્કાર, દેશમાં શોકની લહેર: ક્રાન્તિ, ઉપકાર અને રોટી, કપડા ઔર મકાન તેમના જીવનની સૌથી બેસ્ટ ફિલ્મો હતી
મનોજ કુમાર
મૂળ નામ ઃ હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી
જન્મ ઃ ૨૭ જુલાઈ, ૧૯૩૭ (ઍબટાબાદ - પાકિસ્તાન)
ADVERTISEMENT
મૃત્યુ ઃ ૪ એપ્રિલ, ૨૦૨૫ (મુંબઈ)
ભારતકુમાર નામ પડ્યું- ‘ઉપકાર’માં મનોજકુમારે ભારતનું પાત્ર ભજવ્યું હતું અને ત્યારથી તેમનું નામ ભારતકુમાર પડી ગયું હતું.
બૉલીવુડના જાણીતા ઍક્ટર, ડિરેક્ટર, સ્ક્રીનરાઇટર અને ગીતકાર મનોજકુમારનું ગઈ કાલે સવારે ૩.૩૦ વાગ્યે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ૮૭ વર્ષની વયે નિધન થયું હતું. ક્રૉનિક હાર્ટ સંબંધી બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમની ફિલ્મો દેશપ્રેમ વિષયની હોવાથી લોકોએ પ્રેમ અને લાડથી તેમને ભારતકુમાર નામ આપ્યું હતું. ‘ક્રાન્તિ’, ‘ઉપકાર’ અને ‘રોટી, કપડા ઔર મકાન’ તેમના જીવનની સૌથી બેસ્ટ ફિલ્મો હતી.
તેમના ડેથ-સર્ટિફિકેટમાં લિવર સિરોસિસને મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ ડીકમ્પેન્સેટેડ લિવર સિરોસિસથી પીડાઈ રહ્યા હતા. તેમની તબિયત બગડ્યા બાદ કાર્ડિયોજેનિક શૉકને કારણે તેમને ૨૧ ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ એક એવી બીમારી છે જેમાં હાર્ટ યોગ્ય રીતે શરીરનાં મહત્ત્વપૂર્ણ અંગોને લોહીનો પુરવઠો પૂરો પાડી શકતું નથી.
હરિયાલી ઔર રાસ્તા
જન્મ પાકિસ્તાનમાં, કર્મભૂમિ ભારત
મનોજકુમારનો જન્મ ૧૯૩૭ની ૨૪ જુલાઈએ અવિભાજિત ભારતના ઍબટાબાદમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. તેઓ બ્રિટિશ ભારતમાં નૉર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (હાલમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા)માં એક પંજાબી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા અને માત્ર ૧૦ વર્ષના હતા ત્યારે ભારતને આઝાદી મળી હતી તથા ભારત અને પાકિસ્તાન એમ બે અલગ દેશ બન્યા હતા. આથી મનોજકુમારનો પરિવાર વિભાજન બાદ દિલ્હીમાં જંડિયાલા શેર ખાન વિસ્તારમાં વિસ્થાપિત તરીકે પહોંચ્યો હતો.
દિલ્હીમાં અભ્યાસ, મુંબઈમાં કરીઅર
વિભાજન બાદ ભારતમાં આવેલા મનોજકુમારે બાળપણમાં દેશના વિભાજનનું દુઃખ પોતાની નજરે જોયું હતું. મનોજકુમારે હિન્દુ કૉલેજમાંથી બૅચલર ઑફ આર્ટ્સ (BA)ની ડિગ્રી મેળવી હતી. તેઓ યુવા હતા ત્યારે તત્કાલીન મહાન ઍક્ટરો દિલીપકુમાર, અશોકકુમાર અને કામિની કૌશલને તેઓ પોતાનાં આદર્શ માનતાં હતાં. યુવાવયે તેઓ ઘણા હૅન્ડસમ દેખાતા હતા એથી તેઓ કૉલેજના થિયેટર-ગ્રુપમાં જોડાયા હતા અને તેમને ફિલ્મો જોવાનો અને ઍક્ટિંગનો શોખ હતો એથી ફિલ્મોમાં કરીઅર બનાવવા માટે દિલ્હીથી મુંબઈ આવ્યા હતા.
દિલીપકુમાર સાથે મનોજકુમાર
નામ મનોજકુમાર કેવી રીતે પડ્યું?
‘શબનમ’ ફિલ્મમાં દિલીપકુમારે જે વ્યક્તિની ભૂમિકા ભજવી હતી એનું નામ મનોજકુમાર હોવાથી હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામીએ પણ પોતાનું ફિલ્મી નામ મનોજકુમાર રાખ્યું હતું.
કરીઅર ઃ ૧૯૫૭થી ૧૯૬૪ (પદાર્પણ અને ખ્યાતિ)
મનોજકુમારે ૧૯૫૭ની ફિલ્મ ‘ફૅશન’થી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું, પણ તેમની ખાસ નોંધ લેવાઈ નહોતી. ત્યાર બાદ ૧૯૫૮ની ‘સહારા’, ૧૯૫૯ની ‘ચાંદ’ અને ૧૯૬૦ની ‘હનીમૂન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું, પણ એમાં તેમને કોઈ ખ્યાતિ કે નામ મળ્યું નહોતું. જોકે ૧૯૬૧ની ‘કાંચ કી ગુડિયા’માં તેઓ લીડ રોલ તરીકે સોનેરી પડદે દેખાયા હતા, પણ તેમને ત્યારેય નસીબે કે ફિલ્મી પડદાએ સાથ નહોતો આપ્યો. ૧૯૬૧માં આવેલી તેમની ત્રણ ફિલ્મો ‘પિયા મિલન કી આસ’, ‘સુહાગ સિંદૂર’ અને ‘રેશમી રૂમાલ’ પણ કોઈ કમાલ નહોતી બતાવી શકી.
હરિયાલી ઔર રાસ્તાએ નસીબ આડેનું પાંદડું ખસેડ્યું
૧૯૬૨માં વિજય ભટ્ટની ‘હરિયાલી ઔર રાસ્તા’એ તેમના નસીબ આડેનું પાંદડું ખસેડી દીધું હતું. માલા સિંહા સામેની આ ફિલ્મ સફળ રહી અને બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી હતી. ત્યાર બાદ એ જ વર્ષે આવેલી ફિલ્મો ‘શાદી’ અને ‘ડૉ. વિદ્યા’ તથા ૧૯૬૩ની ‘ગૃહસ્થી’એ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કર્યો હતો.
વો કૌન થી? પહેલી સુપરહિટ
૧૯૬૪માં આવેલી રાજ ખોસલાની મિસ્ટરી થ્રિલર ‘વો કૌન થી?’ મનોજકુમારની પહેલી સુપરહિટ ફિલ્મ ઠરી હતી. એ ફિલ્મમાં હિરોઇન સાધના હતી. એ ફિલ્મમાં મદન મોહનનું સંગીત હતું અને ‘લગ જા ગલે’ અને ‘નૈના બરસે રિમઝિમ’ જેવાં લતા મંગેશકરનાં કર્ણપ્રિય ગીતો હતાં.
શહીદ, હિમાલય કી ગોદ મેં અને ગુમનામ ફિલ્મે ૧૯૬૫માં સ્ટારડમ અપાવ્યું
૧૯૬૫માં મનોજકુમારને સ્ટારડમ મળ્યું હતું. એ વર્ષે તેમણે શહીદ ભગત સિંહના જીવન પર બનાવેલી ફિલ્મ ‘શહીદ’ને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો હતો. તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી હતી. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ રહી હતી. એ વર્ષે આવેલી તેમની બીજી બે ફિલ્મોએ પણ જોરદાર બિઝનેસ કર્યો હતો જેમાં રોમૅન્ટિક ડ્રામા ‘હિમાલય કી ગોદ મેં’ અને મિસ્ટરી થ્રિલર ‘ગુમનામ’નો સમાવેશ છે.
પદ્મશ્રી, દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત
• મનોજકુમારને ૧૯૯૨માં કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
• ફિલ્મોમાં ૪૦ વર્ષ પૂર્ણ કરવા માટે ૧૯૯૯માં ૪૪મા ફિલ્મફેર અવૉર્ડ્સમાં મનોજકુમારને લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
• ૨૦૧૫માં તેમને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ ફિલ્મી ખિતાબ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
સાથીઓ ઘરે પહોંચ્યા સમાચાર સાંભળીને- ગઈ કાલે મનોજકુમારના અવસાનના સમાચાર સાંભળીને જુહુના તેમના ઘરે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો પહોંચ્યા હતા
બિસ્વજિત ચૅટરજી
પ્રેમ ચોપડા
ધર્મેન્દ્ર
ફારાહ ખાન અને સાજિદ ખાન
ભાગ્યશ્રી
રવીના ટંડન

